પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
સરદાર વલ્લભભાઈ
હું તમને એટલું માનવાનો આગ્રહ કરું છું કે આ બાબતમાં તમારા હિતચિંતક મિત્ર તરીકે હું વર્તવા ઇચ્છું છું.”

ગાંધીજીની આવી સલાહ હોવા છતાં તા. ૩૧મી જુલાઈએ તિલક મહારાજની પુણ્યતિથિને દિવસે એક લાંબું નિવેદન બહાર પાડીને શ્રી નરીમાને જણાવ્યું કે,

“તિલક મહારાજનો હું શિષ્ય છું અને એ રીતે કૉંગ્રેસના વફાદાર સેવક તરીકે હું જાહેર કરું છું કે મુંબઈ ધારાસભાના નેતાની ચૂંટણી બાબતમાં ગયા માર્ચ માસમાં દિલ્હીમાં મળેલી કારોબારી સમિતિએ જે ચુકાદો આપ્યો છે તેને હું છેવટનો ગણું છું અને એ ચુકાદાને તાબે થાઉં છું. હું કોઈ પણ તપાસ કે પંચની માગણી કરતો નથી.”

એક તરફથી આ પ્રમાણે કહી એ જ નિવેદનમાં આગળ જણાવ્યું કે,

“ પણ એક વસ્તુ હું સાફ સાફ કહેવા માગું છું. મારા અંગત ચારિત્ર્યનો અને મારી આબરૂનો કોઈ પણ ભોગે બચાવ કરવાનો મારો હક હું અનામત રાખું છું. મારી આબરૂને મારા જીવનનું કીમતીમાં કીમતી ધન હું ગણું છું. તેના ઉપર પાયા વિનાનો અને નામર્દાઈ ભરેલો હુમલો થાય તે હું સહન કરી શકું તેમ નથી. મારી ઠીક ઠીક લાંબી કૉંગ્રેસની કારકિદી સાફ અને સ્વચ્છ છે. બારીકમાં બારીક તપાસમાં તે ટકી શકે તેમ છે. મારા કટ્ટરમાં કટ્ટર દુશ્મનને હું પડકાર આપું છું કે મારી પીઠ પાછળ છુપો પ્રચાર ચલાવવાને બદલે પોતાની પાસે જે કંઈ સાબિતી હોય તે લઈને મારી સામે ખુલ્લા મેદાનમાં હાજર થાય. જાહેર તપાસ અથવા તો પંચ સમક્ષ ખડો થવાને હું તયાર છું.”

ગાંધીજીએ આ નિવેદન જોઈ ને તા. ૧લી ઓગસ્ટે શ્રી નરીમાનને લખ્યું કે,

“તમારા નિવેદનને લીધે આ પ્રકરણની મારા ઉપર પડેલી છાપ બહાર પાડવાની મને ફરજ પડે છે. હું આશા રાખું છું કે તમને કશો વાંધો નહીં હોય. વાંધો હોય તો મને તારથી જણાવો.”

વિશેષમાં ઉમેર્યું કે,

“તમારું વર્તન ભારે મૂંઝવણ ઊભી કરે એવું છે. એટલે હું નિવેદન બહાર પાડું તે પહેલાં તમને એક સૂચના કરું છું. તમારા તમામ આક્ષેપો હું તપાસી જવા તૈયાર છું. જો મારી ખાતરી થાય કે સરદાર તરફથી તમને અન્યાય કરવામાં આવ્યો છે તો હું સાફ સાફ એ પ્રમાણે કહીશ. અને અન્યાયને લીધે તમને થયેલું નુકસાન દુરસ્ત કરવાને એક મનુષ્યથી થઈ શકે તે બધો પ્રયત્ન કરીશ. પણ જો મારો નિર્ણચ તમારી વિરુદ્ધ થાય અને એ નિર્ણયથી તમને સંતોષ ન થાય તો હું સર ગોવિંદરાવ મડગાંવકર અથવા શ્રી બહાદુરજી આગળ મેં નોધેલો બધો પુરાવો રજૂ કરી દઈશ અને મારા નિર્ણયની ફરી તપાસ કરવા તેમને વિનંતી કરીશ. જો એમનો ચુકાદો પણ તમારી વિરુદ્ધ આવે તો સરદારને, બીજા સાથીઓને તથા જનસમાજને તમે જે અન્યાય કર્યો છે તે બદલ માફી માગવાની અને તમારી નબળાઈનો સંપૂર્ણ અને નિખાલસ એકરાર