પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯
નરીમાન પ્રકરણ — ૧
મેં માથે લીધેલા કામે વળગી જવામાં જરાય વિલંબ કરીશ નહીં. આ બાબતમાં હજી સુધી બહાદુરજીને મેં કશી તકલીફ આપી નથી. પણ જો મારો નિર્ણય શ્રી નરીમાનની વિરુદ્ધ આવશે અને નરીમાનને તેથી સંતોષ નહી થાય તો તરત જ હું બહાદુરજીને વિનંતી કરીશ કે મારી સમક્ષ ૨જૂ થયેલો પુરાવો અને મારા ચુકાદો તેઓ ફરી તપાસી જાય.
“એવું સૂચવવામાં આવે છે કે અત્યારે મેં જે કર્યું તે આ કમનસીબ ચર્ચા પહેલી ઊપડી ત્યારે જ મારે કરવું જોઈતું હતું. મારી અને શ્રી નરીમાન વચ્ચે થયેલ બધો પત્રવ્યવહાર આ તબક્કે પ્રગટ કરવાને હું સ્વતંત્ર નથી. પણ હું એટલું કહી શકું એમ છું કે તેઓ ઇચ્છે તો તેમને સ્વતંત્ર તપાસ મળવી જોઈએ એમ હું પહેલેથી માનતો હતો. એ વસ્તુ શ્રી નરીમાને પણ કબૂલ કરી છે. એટલે જે કાંઈ બન્યું તે મદદ કરવાની મારી બેદરકારી અથવા નામરજીને લીધે બન્યું નથી. અત્યાર સુધી હું મૂંગો રહ્યો છું તે કેવળ નરીમાનના હિતને અર્થે જ છે. અમારી વચ્ચે ચાલેલા જે પત્રવ્યવહારનો ઉપર ઉલ્લેખ કર્યો છે તેમાંથી એ વસ્તુ પુરવાર થઈ શકે એમ છે. અમારો ચુકાદો બહાર પડે ત્યાં સુધી મુંબઈનાં વર્તમાનપત્રોને આ ચળવળ બંધ રાખવાની હું અપીલ કરું છું અને જનતાને પણ વિનંતી કરું છું કે તેઓ કશો અભિપ્રાય બાંધે નહીં.”

ગાંધીજીએ આ નિવેદન બહાર પાડ્યું એટલે તા. ૧૪મી ઑગસ્ટે શ્રી નરીમાને તાર કર્યો કે,

“તમારા છાપાંજોગા કાગળનો જવાબ આપવાની મને રજા આપો.”

ગાંધીજીએ તારથી જવાબ આપ્યો કે,

“તમારા હિતની ખાતર તમે કશું ન લખો એમ ઇચ્છું છું પણ છેવટનો નિર્ણય તમારી ઉપર છોડું છું.”

તા. ૧પમી ઑગસ્ટે ગાંધીજીને લાંબો કાગળ લખીને નરીમાને જણાવ્યું કે,

“જો પંચનો ચુકાદો મારી વિરુદ્ધ જાય તો મારી નબળાઈનો મારે સંપૂર્ણ અને નિખાલસ એકરાર કરવો અને જનતાને, સરદારને તથા બીજા મિત્રોને મેં કરેલા નુકસાન માટે મારે તેમની માફી માગવી એવું તમે જણાવો છો તે હું સમજી શકતો નથી. આ વસ્તુ તદૃન અપ્રસ્તુત અને બિનજરૂરી છે. તમારા તરફથી આવી માગણી કરવામાં આવે છે એ હું માની શકતો નથી. મેં માફી માગવા જેવું કશું કર્યું નથી. અને મારે કશો એકરાર કરવાપણું છે જ નહીં. એવું કઈ કરવાનું હોય તો તે બીજા પક્ષને કરવાનું છે.”

અહીં ધ્યાનમાં રાખવા જેવું તો એ છે કે ગાંધીજીએ પોતાના નિવેદનમાં પોતાના તા. ૧લી ઑગસ્ટનો કાગળ ટાંક્યો હતો. એકરારની અને માફીની વાત એ કાગળમાં લખેલી હતી. શ્રી નરીમાને ત્યાર પછી ગાંધીજીને ઘણા કાગળ લખેલા તેમાં એ વિષે કશો વાંધો ઉઠાવેલો નહીં પણ જ્યારે ૧૩મી ઑગસ્ટે ગાંધીજીએ એ કાગળ પ્રગટ કર્યો ત્યારે તેમને વાંધો ઉઠાવવાનું સૂઝયું ! ગાંધીજીએ તરત જ જવાબ આપ્યો કે,