પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
સરદાર વલ્લભભાઈ


“તમારી ઇચ્છા ન હોય તો તમારે માફી માગવાની કે એકરાર કરવાની કશી જરૂર નથી. તપાસ કરવાની મારી સૂચના બિનશરતી છે. મેં તો કેવળ સલાહરૂપે આ લખેલું. અને સરદારને વિષે તો મેં કહેલું કે તપાસ કરતાં સરદાર જો જૂઠા માલુમ પડશે તો તમને થયેલું નુકસાન ભરપાઈ કરવા માણસને માટે જે શક્ય છે તે બધું હું કરીશ. સરદાર જો ખોટા માલુમ પડશે તો તેઓ વીસ વર્ષના જૂના અને અનેક તડકીછાંયડીમાં સાથે ઊભેલા એક મિત્રને ખોઈ બેસશે.”

આમ છતાં શ્રી નરીમાને ૧૭મી ઑગસ્ટે પોતાનો જવાબ છપાવ્યો. અને તેમાં માફી માગવાનું અથવા એકરાર કરવાનું પોતાને માન્ય નથી તથા સાક્ષીઓને રક્ષણ આપવાની જરૂર છે એ બધું લખ્યું. તે જ દિવસે ગાંધીજીને તેમણે કાગળ લખી તેમાં ફરી જણાવ્યું કે,

“સરદાર પાર્લમેન્ટરી કમિટીના પ્રમુખ હોઈ બહુ વિશાળ અને આપખુદ સત્તા ધરાવે છે, એટલે એક ‘ઝોન ડિક્ટેટર’ જેવા છે. અને સાક્ષીઓ ઘણાખરા ધારાસભાના સભ્યો હોઈ આટલી બધી સત્તા ધરાવનારની ખફગી વહોરતાં ડરે અને તેથી સત્ય બહાર ન આવી શકે માટે સાક્ષીઓને પૂર્ણ રક્ષણ મળવું જોઈએ.”

તેમણે વધારામાં એ પણ લખ્યું કે,

“મારી ઉપરના તમારા કાગળો ઉપરથી મારી સામે તમારા મનમાં પૂર્વગ્રહ બંધાઈ ગયેલા જણાય છે. એટલે મારી સ્થિતિ તે મારી વિરુદ્ધ મત બાંધી ચૂકેલા ન્યાયાધીશની આગળ કેસ રજૂ કરવો પડે એવી છે. તમે પોતે જ એમ કહ્યું છે કે અત્યાર સુધીમાં તમારી પાસે જે સામગ્રી આવી છે તે ઉપરથી તમારો અભિપ્રાય મારી વિરુદ્ધ જાય એમ છે. મારી પૂંઠ પાછળ તમારા મનમાં આવી ઝેરી વાતો કોણે ભરી છે ? મારી વિરુદ્ધ એકપક્ષી વાતો તમને પૂરી પાડવામાં આવે તેથી તમારા વિચાર તમે બદલી નાખો અને વિરુદ્ધ નિર્ણય બાંધી બેસો એ તમને શોભે છે ? છતાં હું તમને અપીલ કરું છું કે ન્યાયાધીશ છો એ વસ્તુ ધ્યાનમાં રાખીને તદ્દન ખુલ્લું મન રાખી આ તપાસનું કામ તમે કરશો. તમારી પાસે આવેલી ઝેરી સામગ્રી તમારા મનમાંથી દૂર કરશો અને પક્ષકારને નિર્દોષ માની લઈ તપાસનું કામ કરશો.”

પોતાની ઉપર અંગત આક્ષેપો મૂકતો શ્રી નરીમાનનો આવો કાગળ મળ્યા છતાં, ગાંધીજીએ એનું કશું મનમાં આણ્યું નહીં અને તપાસનું કામ હાથ ધર્યું અને તા. ૨૦મીએ એક નિવેદન બહાર પાડીને ધારાસભ્યોને તથા બીજાઓને આ તપાસમાં પુરાવા તરીકે કામ લાગે એ રીતનાં પોતાનાં નિવેદનો મોકલી આપવા જાહેર વિનંતી કરી. એ નિવેદનમાં સરદારને વિષે તેમણે લખ્યું કે,

“મને એમ જણાવવામાં આવે છે કે સરદારની ખફગીનો ભોગ થઈ પડવાની બીકે સત્ય બહાર નહીં આવી શકે. હું જોઈ શકતો નથી કે સરદાર શી રીતે સાક્ષીઓને નુકસાન પહોંચાડી શકે. પણ મારા તરફથી હું આટલી ખાતરી આપું છું કે આવું કશું વર્તન કરવાના સરદાર મને ગુનેગાર માલૂમ પડશે તો તેમની