પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
સરદાર વલ્લભભાઈ


શ્રી મુનશીએ તે જ રાતે પૂના જવા ઊપડી જઈ પોતાની ગેરલાયકાત દૂર કરાવી અને તેનો શ્રી છોટાલાલને તાર કર્યો એટલે બપોરે બાર વાગ્યે તેઓ શ્રી મુનશીનું ઉમેદવારીપત્ર ભરવા કલેક્ટરની ઑફિસમાં ગયા. ત્યાં ડૉ. દેશમુખ તથા શ્રી સાઠેની સાથે શ્રી નરીમાન પણ આવ્યા હતા. પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેવા તથા અનામત મૂકેલી રકમ ઉપાડી લેવાની વાત કરતાં આ ત્રણે જણે તેમને સમજાવવા માંડ્યું કે સરદારે તમને ઉમેદવારીપત્ર પાછું ન ખેંચી લેવાની સૂચના આપી છે તે પ્રમાણે પહેલું ઉમેદવારીપત્ર પાછું ન ખેંચી લો, એટલું જ નહીં પણ બીજું ઉમેદવારીપત્ર તમારું ખરું સરનામું આપીને પ્રાંતિક ધારાસભાના મતદારોની યાદીમાં તમારું નામ છે એ નિયમની રૂએ ભરો. પણ શ્રી નરીમાને માન્યું નહીં. તેઓ તો પોતાનું ઉમેદવારીપત્ર અને ડિપોઝિટ રકમ પાછાં લેવાનો કાગળ લખીને લેતા આવ્યા હતા તે તેમણે કલેક્ટરને આપ્યા અને બીજું ઉમેદવારીપત્ર ભરવાની ના પાડી ત્યાંથી ચાલી ગયા. હવે એ કહે છે કે મેં બીજું ઉમેદવારીપત્ર આપવા માંડેલું પણ કલેક્ટરે કહ્યું કે જે માણસ એક વાર ઉમેદવારીપત્ર પાછું ખેંચી લે તેનું બીજું ઉમેદવારીપત્ર લઈ શકાય નહી. ડૉ. દેશમુખ, શ્રી સાઠે તથા શ્રી છોટાલાલ ત્રણે કહે છે કે અમે આગ્રહ કર્યો છતાં શ્રી નરીમાન બીજું ઉમેદવારીપત્ર આપ્યા વિના ચાલ્યા ગયેલા. સરદાર તા. ૧૪મી ઑક્ટોબરે વર્ધાથી પાછી મુંબઈ આવ્યા ત્યારે શ્રી નરીમાને તેમને આ જ વાત કહી. સરદારે કહ્યું કે કલેક્ટરે તમારું બીજું ઉમેદવારીપત્ર લેવાની ના પાડી હોય તો તો આખી ચૂંટણી રદ થાય, માટે તમે સરકારમાં તાર કરીને કલેક્ટરના આ કૃત્ય સામે તમારા વિરોધ નોંધાવો. તે વખતે શ્રી ભૂલાભાઈ સરદારને ત્યાં બેઠા હતા. તેમણે તારનો મુસદ્દો ઘડી આપ્યો. તે લઈને શ્રી નરીમાન ગયા. રાત્રે નવ વાગ્યે સરદારે એમને ફોન કરીને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે નિયમોની ચોપડી મારી પાસે નહીં હોવાથી હું નિયમો જોઈ શક્યો નથી અને તેથી તાર કર્યો નથી. રાત્રે દશ વાગ્યે શ્રી મુનશીને ત્યાંથી સરદારે નિયમોની ચોપડી મંગાવી અને શ્રી મંગળદાસ મહેતા સૉલિસિટર તથા ડૉ. ઝીણાભાઈ દેસાઈની સાથે શ્રી નરીમાનને ઘેર ગયા. તેઓ તાર કરવા રાજી ન જણાયા પણ સરદારે આગ્રહ કરીને તેમની પાસે તાર લખાવ્યો. આ વખતે રાતના અગિયાર વાગ્યા હતા. શ્રી નરીમાને ઠંડે પેટે સરદારને કહ્યું કે હવે તાર તમે જ મોકલી દેજો. તે પ્રમાણે જનરલ ટેલિગ્રાફ ઑફિસે જઈ સરદાર વગેરેએ તાર રવાના કર્યો. તા. ૧૫મી ઑક્ટોબરે બપોરે બધાં ઉમેદવારીપત્રોની છેલ્લી તપાસ થવાની હતી. ત્યાં શ્રી મુનશીએ શ્રી નરીમાનના ઉમેદવારીપત્રનો ઈનકાર કરવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે કલેક્ટરે જવાબ