પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
નરીમાન પ્રકરણ — ૨

આપ્યો કે, શ્રી નરીમાનના ઉમેદવારીપત્રનો ઈનકાર કરવામાં આવ્યો જ નથી. તેમણે પોતે જ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું છે. તમે કહો છો તે પ્રમાણે તેમણે બીજું ઉમેદવારીપત્ર રજૂ કર્યું નથી, રજૂ કર્યું હોત તો તે લેવાની અમે ના પાડી શકીએ નહીં અને અમે ના પાડી હોત જ નહીં.

વર્ધાથી આવ્યા પછી શ્રી મુનશીને કલેક્ટરે આપેલા જવાબની હકીકત અને શ્રી નરીમાનના વર્તન ઉપર ‘બૉમ્બે ક્રૉનિકલ’ વગેરે છાપાંઓની ટીકા જોઈ સરદારે શ્રી નરીમાનને બોલાવીને કહ્યું કે તમે કૉંગ્રેસની બદનામી થાય એવું અને તમારા જેવા આગેવાન કૉંગ્રેસીને જૂઠા કહેવાની કલેક્ટરને તક મળે એવું શું કામ કર્યું ? ત્યારે શ્રી નરીમાને પોતે સાચા હોવાનું અને કલેક્ટર ખોટા હોવાનું સરદારને ફરી કહ્યું. સરદારે કહ્યું કે તમે શ્રી છોટાલાલ સૉલિસિટર, ડૉ. દેશમુખ તથા ડૉ. સાઠે એ ત્રણ જણની ઍફિડેવિટો (પ્રતિજ્ઞા ઉપર કરેલા નિવેદનો) લાવો. શ્રી નરીમાને લાવવાનું કબૂલ કર્યું પણ લાવ્યા નહીં. સરદારે પોતાની ખાતરી કરવા એ ત્રણે જણને પૂછી જોયું. તેના જવાબમાં તેમણે કહ્યું કે શ્રી નરીમાનની વાત તદ્દન ખોટી છે અને કલેક્ટરની સાચી છે.

ગાંધીજીએ કરેલી પુરાવાની માગણીના જવાબમાં શ્રી છોટાલાલ સૉલિસિટરે તા. ૨૭–૮–’૩૭ના રોજ ગાંધીજીને જે નિવેદન લખી મોકલ્યું તેમાં એ વિષે નીચે પ્રમાણે હકીકત છે :

“૧૯૩૪ના ઑક્ટોબરની ૧૬મી તારીખે અગાઉ કરેલી ગોઠવણ મુજબ શ્રી મુનશીનું ઉમેદવારીપત્ર નોંધાવવા હું કલેક્ટરની ઑફિસે ગયો. હું ત્યાં હતો તે વખતે શ્રી નરીમાન, ડૉ. દેશમુખ તથા ડૉ. સાઠે ત્યાં આવ્યા. શ્રી નરીમાને પોતાનું ઉમેદવારીપત્ર તથા અનામત રકમ પાછી ખેંચી લેવાની ટાઇપ કરેલી અરજી પોતાની સાથે લઈ આવ્યા હતા. અમે એમને તેમ કરવાની ના કહી. ડૉ. સાઠેએ તો એમ પણ કહ્યું કે વડી ધારાસભાના મતદારોની યાદીમાં તમારું નામ ન હોય પણ પ્રાંતિક ધારાસભાના મતદારોની યાદીમાં હોય તો તમે વડી ધારાસભાની ઉમેદવારી કરી શકો છો. આવું બન્યાનો શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો કેસ જાણીતો છે. અમે બધા આ નિયમની ચર્ચા કરવા કલેક્ટર પાસે ગયા. કલેક્ટરે કહ્યું કે મારી ફરજ તો ઉમેદવારીપત્રો લઈને નોંધવાની છે. નિયમના અર્થ વિષે હું કશી સલાહ આપી શકું નહીં. અમે શ્રી નરીમાનને ફરી આગ્રહ કર્યો કે તમારું પહેલું ઉમેદવારીપત્ર પાછું ન ખેંચી લો એટલું જ નહીં પણ પેલા બીજા નિયમ પ્રમાણે નવું ઉમેદવારીપત્ર આપો. શ્રી નરીમાને અમારી વાત માની નહી. તેમણે કહ્યું કે મારું પહેલું ઉમેદવારીપત્ર દફતરે રહે તો મેં ફોજદારી ગુનો કર્યો ગણાય. અમારા અતિશય આગ્રહ છતાં શ્રી નરીમાને બીજું ઉમેદવારીપત્ર રજૂ કર્યું નહીં.”