પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
નરીમાન પ્રકરણ — ૨
૧૪. ચુંટણીના કામમાં કશો સક્રિય ફાળો નહી આપેલ હોવા છતાં અને ચૂંટણીની આખી લડત બે ઉમેદવારો તથા મારા ચાર્જમાં હોવા છતાં ચૂંટણીને દિવસે મતદાનમાં તેમણે બિનજરૂરી દખલ કરી અને દાદરમાં કાર્યકર્તાઓને સૂચના આપી કે બંને મત એક જ ઉમેદવારને આપવાનું મતદારોને કહેવું.
૧૫. આ સૂચના ફેરવવાને તેમને વારંવાર કહેવામાં આવ્યા છતાં તેઓ પોતાની સૂચના રદ કરવા ફરી દાદર ગયા જ નહીં.
૧૬. આને પરિણામે એક કૉંગ્રેસ ઉમેદવારની હાર થઈ અને જે બિનકૉંગ્રેસી ઉમેદવારનો સામનો કરવા માટે શ્રી નરીમાનને ખાસ ઊભા કરવામાં આવ્યા હતા તે ફાવી ગયા.
આ બધાં કારણોથી મારો શ્રી નરીમાન ઉપર આરોપ છે કે એક જવાબદાર કૉંગ્રેસી તરીકે, મુંબઈ પ્રાંતિક કૉંગ્રેસના પ્રમુખ તરીકે, મુંબઈ પ્રાંતિક પાર્લમેન્ટરી બોર્ડના ચૅરમૅન તરીકે અને કૉંગ્રેસે ઊભા કરેલા એક ઉમેદવાર તરીકે શ્રી નરીમાને જે ફરજ બજાવવી જોઈતી હતી તે બજાવવામાં ગંભીર ચૂક કરી છે.

આ આરોપોનો શ્રી નરીમાને જે જવાબ આપ્યો તેમાં ઘણી વસ્તુઓ અપ્રસ્તુત અને દસ્તાવેજી હકીકતથી વેગળી છે. એ બધી અહીં ન આપતાં તેમના જવાબના મુખ્ય મુદ્દા જ આપીશું. તેમણે એક વસ્તુ તો એ કહી છે કે સરદારે મને સૂચના આપ્યા છતાં મેં મારું ઉમેદવારીપત્ર એટલા માટે પાછું ખેંચી લીધું કે જો હું તેમ ન કરું તો છેતરપિંડી કર્યાના અને મારા ભાઈને બદલે ખોટી રીતે મારું નામ ચલાવવાના ફોજદારી ગુનાને પાત્ર થાઉં. મારું બીજું ઉમેદવારીપત્ર મેં આસિસ્ટંટ કલેક્ટરને આપવા માંડેલું, પણ એક ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધા પછી બીજું ઉમેદવારીપત્ર ન આપી શકાય એમ કહી તેણે લેવાની ના પાડી તેથી એ મેં પાછું લીધેલું. ઉમેદવારીપત્રોની છેલ્લી તપાસણીને દિવસે મેં ઉમેદવારીપત્ર આપ્યું જ નથી એમ કલેક્ટરે કહેલું તે, કાં તો આસિસ્ટંટ કલેક્ટરને મેં ઉમેદવારીપત્ર આપવા માંડેલું એ વાત એ જાણતો ન હોવાથી કહ્યું હોય, અથવા તો કાયદેસર પગલાં લેવાની મેં નોટિસ આપેલી હોવાથી તેમાંથી બચવાને ખાતર કહ્યું હોય. આ ઉપરાંત પણ મારું બીજું ઉમેદવારીપત્ર કાયદેસર હોવાનું શંકાસ્પદ તો છે જ. મેં ‘જામેજમશેદ’ માં જે કાગળ લખેલો તે એટલા માટે કે હું જો પારસીઓને એમ કહું કે તમે સર કાવસજીને મત આપશો જ નહીં અને એકલા કૉંગ્રેસી ઉમેદવારોને જ આપજો તો તેઓ કૉંગ્રેસ ઉપર છેડાઈ પડે અને એકલા સર કાવસજીને જ મત આપે. હું પારસીઓનું માનસ જાણતો હોઈ મેં તેઓને બિનપારસીને પણ થોડા મત આપવાની વાત કરી જેથી કૉંગ્રેસી ઉમેદવારને એમના કેટલાક મત મળે. ચૂંટણીમાં સર કાવસજી જીતી શકે તેટલા ખાતર મેં મારી ઉમેદવારી કોઈ પણ રીતે રદ થાય એવી તજવીજ કરી એવો મારા ઉપર આરોપ મૂકવામાં આવે છે, પણ હકીકત