પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
સાબરમતી જેલમાં


તા. ૫-૪-’૩૦ શનિવાર: પોણા ચાર વાગ્યે ઊઠ્યો. કાનૂગા તરફથી ફળ આવ્યાં એટલે બીજો ખોરાક કાપી નાખ્યો. તેથી તબિયત ઠીક થઈ.

તા. ૬-૪-’૩૦ રવિવાર: આજે ચાર વાગ્યે ઊઠી રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણીની સફળતા વિષે અને ગુજરાતની લાજ ઈશ્વર રાખે તે વિષે ખૂબ પ્રાર્થના કરી. બાકી હંમેશ મુજબ.

રાત્રે નવ વાગ્યે સુપરિન્ટેન્ડેન્ટ, જેલર અને વીરમગામ ડિવિઝનનો આસિસ્ટંટ કલેક્ટર, મણિલાલ કોઠારીને મારા વૉર્ડમાં મૂકી ગયા. મણિલાલ પાસેથી રાતના બાર વાગ્યા સુધી બહારની બધી વાત સાંભળી. પછી સૂઈ ગયા.

તા. ૭-૪-’૩૦ સોમવાર : રાતના મોડે સુધી જાગવાથી આજે સવારે મોડું ઉઠાયું. સાડા પાંચ વાગ્યે ઊઠી પ્રાર્થના કરી, ગીતાપાઠ તથા રામાયણ-કથા. સવારે વાંચવાનું માંડી વાળી દિવસના ભાગમાં જ કરવાનું રાખ્યું. આજે સુપરિન્ટેન્ડેન્ટ પોતાને ત્યાંથી ‘ટાઇમ્સ’ આપી ગયા. સાંજે ખેડાથી દરબારસાહેબ, ગોકળદાસ તલાટી વગેરેને તથા અમદાવાદમાંથી ડૉ. હરિપ્રસાદને જેલમાં લાવ્યાની વાત સાંભળી. દિવસના મણિલાલ પાસેથી બહારની વધુ વિગતો જાણી લીધી.

તા. ૮-૪-’૩૦ મંગળવાર : આજે પાંચ વાગ્યે ઉઠ્યા. પ્રાર્થના પછી નિત્યક્રમ. સાડા દસ વાગ્યે મહાદેવ મળવા આવ્યો. બારડોલી, માતરના સરકારી હુકમની વાતો કરી. દરબારસાહેબ પાસેથી ખેડાના કેટલાકને બે બે વરસની સખત સજા કર્યાની અને ખેડાના કલેક્ટરની ગુંડાશાહીની વાત સાંભળી. ગુજરાતનો જવાબ અતિશય સુંદર હોવાનું અને બાપુ રાજી થયાનું સાંભળ્યું. સુપરિન્ટેન્ડેન્ટ ‘ટાઈમ્સ’ અને બીજી ચોપડીઓ આપી ગયો.

તા. ૯-૪-’૩૦ બુધવાર : ચાર વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, નિત્યક્રમ. કલેક્ટર ટેલર તથા પોલીસ સુપરિટેન્ડેન્ટ ઓ’ગોરમન નવ વાગ્યે આવ્યા. તેમને ખેડા જિલ્લાના કેદીઓ સંબંધી શું કરવા માગે છે તે જણાવવા કહ્યું. પછી તેઓ ત્યાં ગયા. બધા કેદીઓને મારા વૉર્ડમાં લાવ્યા. તેમની પાસેથી કેદીઓના ક્લાસ વિષેની હકીકત સાંભળી. તેનો ટેલર નિકાલ કરવા માગતા હતા. તેને રસ્તો કાઢી આપ્યો. ગમે તેને ગમે તે ક્લાસમાં મૂકે તેવી અમને હરકત નથી. માત્ર અમારી બધાની જેલની અંદરની ટ્રીટમેન્ટ એકસરખી હોવી જોઈએ, એટલે અમને કંઈ જ વાંધો નથી. બધાને ખોરાક એકસરખો. રહેવાનું બધાનું સાથે અને કોઈ પણ જાતનો ભેદભાવ ન હોય, એમ રાખવામાં આવે, તો પછી સરકારના દફતરમાં ગમે તેને ગમે તે વર્ગમાં મૂકવામાં આવે તેની અમને કંઈ જ અડચણ નથી એમ જણાવ્યું. એ તે પ્રમાણે હુકમ આપી ગયો. એટલે બધા સત્યાગ્રહી કેદીઓ જે એકંદરે એકત્રીસ હતા તેમને મારા વૉર્ડમાં મૂકી ગયા. હું અને મણિલાલ તો હતા જ, એટલે કુલ તેત્રીસ થયા. બધા ભેગા રહે અને એક જ પંગતે જમે એવી ગોઠવણ થઈ. અમારા વૉર્ડમાં માત્ર નવ જણને જ રહેવાની ગોઠવણ હતી એટલે બીજો એક વૉડે જ્યાં સગવડ વધારે હતી, ત્યાં ચોવીસ જણને સાંજના સાડાસાત વાગ્યે પ્રાર્થના પછી સૂવા લઈ જાય અને સવારે નિત્યક્રમથી પરવારી બધા આ વૉર્ડમાં આવી જાય એવી ગોઠવણ કરી. બપોરે અગિયાર વાગ્યે મૃદુલા, ભારતી,