પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૨૧
હરિપુરા કૉંગ્રેસ — ૧

ફૈઝપુરની કૉંગ્રેસમાં જ સરદાર આવતા અધિવેશન માટે ગુજરાત તરફથી આમંત્રણ આપી આવ્યા હતા. આપણે જોઈ ગયા છીએ કે ફૈઝપુર કૉંગ્રેસ પછી પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ થવાની હતી. એ ચૂંટણીઓનું કામ પૂરું થતાં જ ગુજરાતે કૉંગ્રેસના અધિવેશનની તૈયારીઓ કરવા માંડી. ગ્રામપ્રદેશમાં કૉંગ્રેસ ભરવાની પાછળ મુખ્ય હેતુ એ હતો કે ગ્રામજનતાને કૉંગ્રેસનો વધુ રસ લાગે અને તેમનામાં જાગૃતિ આવે. કૉંગ્રેસે ગ્રામ-ઉદ્ધારની જે નવી પ્રવૃત્તિઓ ઉપાડી હતી તે પ્રવૃત્તિઓ વિષે પણ ગામડાંના લોકો વધારે સમજતા થાય અને તેમાં વધારે રસ લેતા થાય એ હેતુ પણ હતો. એટલે ગાંધીજીએ શરૂઆતમાં જ સરદારને અને ગુજરાતના બીજા કાર્યકર્તાએને કહી દીધું કે આ કૉંગ્રેસમાં ખાદી અને ગ્રામઉદ્યોગનું વાતાવરણ પૂરેપૂરું હોવું જોઈએ. કૉંગ્રેસને અંગે જે બાંધકામ થાય તેમાં આસપાસના પ્રદેશમાંથી મળી આવતી ચીજો જ વપરાવી જોઈએ; ખોરાકમાં હાથઘંટીએ દળેલો આટો, હાથે ખાંડેલા ચોખા તથા ઘાણીનું તેલ વપરાવું જોઈએ; એટલું જ નહીં પણ ગાયનું જ દૂધ, ઘી, માખણ, વગેરે વપરાવું જોઈએ. પહેલાં તો ગાંધીજીનો એવો આગ્રહ હતો કે ત્યાં જે ખાનગી હોટેલ, વીશીઓ વગેરે ખોલાય તેમાં પણ આવો જ આગ્રહ રાખવામાં આવે. પણ કાર્યકર્તાઓએ જ્યારે કહ્યું કે એ બધાને પહોંચી વળવું અમારા ગજા ઉપરવટનું થઈ પડશે ત્યારે ગાંધીજીએ પોતાનો આગ્રહ છોડી દીધો અને કૉંગ્રેસના રસોડા પૂરતો જ એ આગ્રહ મર્યાદિત કરવામાં આવ્યો.

ફૈઝપુરના અનુભવ ઉપરથી એટલું તો જણાયું હતું કે કૉંગ્રેસ માટે જે સ્થળ પસંદ કરવામાં આવે ત્યાં વિશાળ ખુલ્લી જગ્યા હોવી જોઈએ અને પાણીની પુષ્કળ સગવડ હોવી જોઈએ. સ્થળ પસંદ કરવા એક ખાસ કમિટી નીમવામાં આવી. તેમણે ત્રણેક સ્થળોની ભલામણ કરી. સરદારે તે સ્થળો જોઈ છેવટે બારડોલી તાલુકામાં હરિપુરા ગામની પાસે તાપી નદીના કિનારા ઉપરની વિશાળ જગ્યા પસંદ કરી. તેની પાસે જ માંડવીનું જંગલ આવેલું હતું એટલે ત્યાંથી વાંસ, વળીઓ, તથા બીજું લાકડું તાપી નદીના વહેણમાં જ તરાપામાં લાવી શકાય એમ હતું. વળી વાંસનાં પાનાં તથા તાડ તથા નાળિયેરીનાં છટિયાંની સાદડીઓ જેટલી જોઈએ તેટલી એ જંગલમાં

૨૬૬