પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
સરદાર વલ્લભભાઈ

તો, દશેરાને દિવસે કૉંગ્રેસનગરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે પહેલાં ત્યાં જઈ ને પડ્યા હતા. કૉંગ્રેસનગરનું નામ વિઠ્ઠલનગર રાખવામાં આવ્યું. તાપી નદીની સામી બાજુએની સડકથી બી. બી. ઍન્ડ સી. આઈ. રેલવેનું કીમ સ્ટેશન લાગુ પડતું હતું. એટલે એ રસ્તે આવનાર માણસો તથા વાહનોની સગવડ માટે તાપી નદી ઉપર હોડીઓ ગોઠવી એક કામચલાઉ પુલ બાંધવામાં આવ્યો. એ બાંધવામાં સુરત જિલ્લાના સમુદ્રકાંઠા પરના ખારવાઓએ બહુ સારી મદદ કરી. કૉંગ્રેસ માટેની જમીન સાફ અને સરખી કરવામાં ટ્રેક્ટરવાળા શ્રી પશાભાઈ પટેલે મદદ કરી.

કૉંગ્રેસને રસોડે ગાયનું ઘી, દૂધ પૂરું પાડવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. મેં સરદારને કહેલું કે આ કામ માટે ઓછામાં ઓછી પાંચસો ગાયોની ગૌશાળા અહીં આપણે ઊભી કરવી પડશે. આપણે વીણી વીણીને પસંદ કરીને આણેલી સુંદર ગાયો, પછીથી આસપાસનાં ગામોમાં વેચી દઈશું એટલે એ ગામોમાં સારો ગૌપ્રચાર થશે અને ગામલોકોને પણ કાયમી ફાયદો થશે. આપણા ગૌ પૂજક ગણાતા દેશમાં પાંચસો જાતવાન ગાયો એકઠી કરવી એ સહેલી વાત ન હતી. પણ એ કામમાં સાબરમતી આશ્રમ ગૌશાળાના કાર્યકર્તાઓની તથા ડેરી નિષ્ણાત શ્રી દિનકર પંડ્યા તથા શ્રી પન્નાલાલ ઝવેરીની મને સારી મદદ હતી, એટલે કૉંગ્રેસના અધિવેશનના એક મહિના પહેલાં પાંચસો ગાયોની ગૌશાળા અમે વ્યવસ્થિત ચાલુ કરી શક્યા. તે માટે ગાયોની ખરીદી ચાર માસ અગાઉથી શરૂ કરી દીધી હતી, અને ત્યાં કામ કરવા એકઠાં થયેલાં માણસોને જોઈએ તે કરતાં ઘણું વધારે દૂધ ત્રણ મહિના ઉપરથી ત્યાં ઉત્પન્ન થવા માંડ્યું હતું. તે માટે અમે એવી યોજના કરી હતી કે એ બધા દુધને સૅપરેટ કરી તેની મલાઈમાંથી ઘી બનાવવું અને સૅપરેટ કરેલા દૂધને ઉકાળી તેમાં ખાંડ નાખી એ ઘટ્ટ્ કરેલા દૂધ (કન્ડેન્સન્ડ મિલ્ક)ને સીલબંધ ડબામાં પૅક કરી રાખવું જેથી અધિવેશન વખતે એ ઘટ્ટ કરેલા દૂધમાં જરૂરી પાણી નાખી સામાન્ય દૂધ તરીકે વાપરવામાં આવે. હરિપુરાની ડેરીના ઘી ઉપરાંત માતર તાલુકામાં ગાયનું દૂધ ખરીદી તેનું ઘી બનાવવાનું એક મથક અમે ખોલ્યું હતું. એટલે બધું મળીને સવાસો ડબા (૩૬ રતલના) ઘી, અમારી દેખરેખ નીચે અમે બનાવી શક્યા હતા. ઘટ્ટ દૂધના ત્રણસો ડબા (૪૮ રતલના) તૈયાર થયા. પાંચસો ગાયોની ભરતી થઈ ગયા પછી રોજનું પાંચ હજાર રતલ ઉપર દૂધ તૈયાર થતું હતું. સરદારને સવાસો ડબા ઘીથી સંતોષ ન થયો. એટલે બીજા સાતસો ડબા ગાયનું ઘી અમે ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ તથા રજપૂતાનામાંથી રખડી રખડીને એકઠું કર્યું.