લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સરદાર વલ્લભભાઈ


નિમુ અને બા મળવા આવ્યાં. રાત્રે એક વાગ્યા સુધી ગોકળદાસ અને ફૂલચંદ પાસેથી મારા પકડાયા પછીની ખેડા જિલ્લાની બધી હકીકત પૂછીને જાણી લીધી.

તા. ૧૦-૪-’૩૦ ગુરુવાર: સવારે છ વાગ્યે ઊઠ્યો. રાત્રે ઉજાગરો થયો હતો. પ્રાર્થના, રેંટિયો. બપોરે રામરાય મળવા આવ્યા. પછી ઑફિસમાં બોલાવી ખોરાક સંબંધી સરકારના હુકમ આવ્યા હતા તે સુપરિન્ટેન્ડેન્ટે બતાવ્યા. તેમાં જે ફેરફાર કરવાનો હતો તે જણાવ્યો. બાર ઔંસ ઘઉંનો લોટ રોટલી માટે મળે છે તે સાથે ધી-તેલ નહીં મળતું હોવાથી માથા દીઠ બે ઔંસ મળવું જોઈએ. અને તે ન મળે તો બે ઔંસ માખણ મળવું જોઈએ, અને તે પણ ન મળે તો ઘઉંનો લોટ કમી કરવો કે જેથી અમારે ખાતે નકામું ખર્ચ ન ચડે એમ કહ્યું. કારણ અમે એટલો બધો લોટ ઘી-તેલ વિના ખાઈ શકીએ નહીં અને લોટ નકામો પડે. અથવા તો સવારમાં જે બ્રેડ આપવામાં આવે છે તે અડધી ઓછી કરી, તેમાંથી જે બચાવ થાય તેનું ઘી-તેલ આપવું એમ જણાવ્યું. તેની એણે ના પાડી. મેં કહ્યું કે દરેક કેદી દીઠ સરકાર શું ખર્ચ કરવા માગે છે તે અમને જણાવો. અને તેમાંથી અમે અમારી વ્યવસ્થા કરી લેશું. પણ અમને અનુકૂળ ન આવે એવી ગોઠવણ કરી, અમારે ખાતે ખર્ચ ચડાવો એ અમે કબૂલ રાખવાના નથી. અમે સામાન્ય કેદીનો જ ખોરાક લઈશું. અમે મોજશોખ કરવા આવ્યા નથી, તેમ અમારે કોઈ ચીજ જોઈએ જ તેમ પણ નથી. પરંતુ હક્કથી જે મળે તે લેવાના છીએ. એટલે એણે કમિશનરને મળી સાંજે ખબર આપવા કહ્યું. સાંજે એણે જેલર સાથે કહેવડાવ્યું કે આવતી કાલથી અમારી માગણી પ્રમાણે કામચલાઉ ગોઠવણ મંજૂર કરી છે, અને સરકારમાં લખ્યું છે. બપોરના ખેડાથી બીજા બે જણ આવ્યા. એક ચાંપાનેરિયા અને બીજા વીરસદના ચતુર્ભુજ. ચતુર્ભુજ માંદા હોવાથી દવાખાનામાં મોકલ્યા. ચાંપાનેરિયાને અમારી સાથે મંગાવી લીધો.

તા. ૧૧–૪–’૩૦ શુક્રવાર: ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના. નિત્યક્રમ. સુરતથી રામદાસ અને બીજો આઠ મળી નવ કેદી આવ્યા. તેમને સાથે રાખવા ગોઠવણ કરી. એકંદ૨ ૪૪ થયા; કમિશનર ગૅરેટ દસ વાગ્યે આવ્યો. તેને સુપરિન્ટેન્ડેન્ટ લઈ આવ્યો હતો. કલેક્ટર, કમિશનર આવે ત્યારે દરેક કેદી પોતાની કોટડીના બારણા પાસે સીધો ઊભો રહે એવી માગણી સુપરિન્ટેન્ડેન્ટ અમારા પાસે કર્યા કરતો હતો. મેં તેની સાફ ના પાડી અને સંભળાવી દીધું કે માનભંગ થાય એવી કોઈ જાતની સ્થિતિને અમે તાબે થવાના નથી. સભ્યતા અગર વિવેકમાં અમે ચૂકવાના નથી. પણ સ્વમાનનો ભંગ કરનારી એવી કોઈ વાતનો અમે સ્વીકાર કરવાના નથી. પછી ખોરાક વિષે વાત કરતાં તેને કહ્યું કે અમારે કંઈ જ સૂચના કરવી નથી. ખરાબમાં ખરાબ વર્તન મળે તેને માટે તૈયાર થઈને અમે આવેલા છીએ. પરંતુ અમારે ખાતે માથા દીઠ કેટલું ખર્ચ સરકારે ભોગવવાનું નક્કી કર્યું છે તે અમને જણાવવું જોઈએ. અને તે ખર્ચની અંદર અમારે જે જોઈએ તે ગોઠવી લેવાની અમને છૂટ હોવી જોઈએ. તેવી છૂટ આપવાનોને વાંધો હોય તો પણ અમે કબૂલ કરશું. પરંતુ તો પછી જે વસ્તુઓ આપવાની મુકરર કરી હોય તેમાંથી અમારે જેટલી જોઈએ તેટલી જ લઈશું અને તેટલું