પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩
હરિપુરા કૉંગ્રેસ — ૨

બીજે જ દિવસે ઈન્ફ્લુએન્ઝા લાગુ પડ્યો તેમાંથી આ તોફાન અને આંધીમાં તેમને ન્યૂમોનિયા થઈ ગયો. કૉંગ્રેસની ઈસ્પિતાલમાં અતિશય સારવાર કરવા છતાં તેમનું અવસાન થયું. આ આંધી વખતે થયેલા ઈન્ફ્લુએન્ઝાથી બે ભાઈઓ ઘેર ગયા પછી મરણ પામ્યા. આ કૉંગ્રેસની સાથે જોડાયેલી આ કરુણ ઘટનાઓ છે.

આ કુદરતી આફત બાદ કરતાં, કૉંગ્રેસમાં આવેલા સૌ કોઈ, જેમણે પહેલાંની સઘળી કૉંગ્રેસો જોયેલી એવા કૉંગ્રેસના જૂના જોગીઓ પણ કહેતા કે, આટલા વિશાળ પાયા ઉપર કરવામાં આવેલી સાંગોપાંગ વ્યવસ્થા અને ધામધૂમ પહેલાંની કોઈ કૉંગ્રેસમાં અમે જોઈ નથી. અલબત્ત આ બધાની પાછળ સરદારની ઝીણવટભરી યોજનાશક્તિ, પોતાને આંગણે આવેલા નેતાઓ, માનવંતા મહેમાનો અને નાના ખેડૂતોનું પણ પ્રેમપૂર્વક સ્વાગત કરવાનો ઉત્સાહ અને પોતે પસંદ કરેલા સાથીઓ ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકી દઈ, દિલદારીથી તેમને જોઈતાં તમામ સાધનો પૂરાં પાડવાની તત્પરતા એ મુખ્ય કારણ હતું.

૨૨
હરિપુરા કૉંગ્રેસ — ૨

હરિપુરા કૉંગ્રેસ તેની વિશાળ વ્યવસ્થા અને ધામધૂમમાં જેમ અપૂર્વ હતી, તેમ દેશના રાજ્યપ્રકરણની દૃષ્ટિએ ત્યાં થયેલા કામકાજની બાબતમાં પણ બહુ મહત્ત્વની હતી.

કૉંગ્રેસમાં પસાર થયેલા કેટલાક મહત્ત્વના ઠરાવો જોતાં જ આ વસ્તુ જણાઈ આવશે. દેશી રાજના કાર્યકર્તાઓ કૉંગ્રેસની નીતિ વિષે કંઈક અધીરા થયા હતા. પોતે ઉપાડેલી દેશી રાજ્યની અંદરની ચળવળો માટે કૉંગ્રેસની તેઓ મદદ ઈચ્છતા હતા. કૉંગ્રેસી કાર્યકર્તાઓ તેમને મદદ કરતા પણ હતા, પણ પોતાની અંગત હેસિયતથી. તેઓ કૉંગ્રેસ સંસ્થાને તેમાં સંડોવતા નહીં. ઘણાં દેશી રાજ્યોમાં રાજકીય કામ કરવા માટે પ્રજામંડળો સ્થપાયાં હતાં. દેશી રાજ્યોના કાર્યકર્તાઓ પોતે સ્થાપેલાં એ રાજકીય મંડળોને કૉંગ્રેસ સાથે જોડવા ઈચ્છતા હતા અને કૉંગ્રેસ એ મંડળોની જવાબદારી લે એવી માગણી કરતા હતા. આ બાબતમાં કૉંગ્રેસની મુશ્કેલી એ હતી કે એ સ્થાનિક મંડળોને તેમના દરબાર સાથે કંઈ પણ અથડામણ થાય તો તેની જવાબદારી કૉંગ્રેસને લેવી પડે. ચાલાક અંગ્રેજ અમલદારો