પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫
હરિપુરા કૉંગ્રેસ — ૨


“કૉંગ્રેસ સૂચવે છે કે દેશી રાજ્યોમાંની વર્તમાન રાજકીય સંસ્થાઓએ કૉંગ્રેસ કારોબારીની સૂચના પ્રમાણે અને તેના અંકુશ નીચે કામ કરવું. પણ તેણે પોતાની કોઈ રાજદ્વારી પ્રવૃત્તિ અથવા તો રાજદ્વારી લડત કૉંગ્રેસને નામે અથવા કૉંગ્રેસના આશ્રય નીચે ચલાવવી નહીંં. રાજ્યો સાથેની આંતરિક લડત કૉંગ્રેસને નામે ઉપાડવી નહીં. આટલી મર્યાદા સ્વીકારીને દેશી રાજ્યોની અંદર રાજકીય મંડળો સ્થાપવા અને હોય તેને ચાલુ રાખવાં.”

આ ઠરાવ ઉપર બોલતાં સરદારે કૉંગ્રેસની સ્થિતિ બહુ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું :

“છેલ્લાં બેત્રણ વરસથી દેશી રાજ્યોના પ્રશ્નો ઉપર ઠીક ઠીક ગરમાગરમ ચર્ચા ચાલતી રહી છે. કૉંગ્રેસમાં એક રીતે આ પ્રશ્ન બહુ નાજુક બની ગયો છે. એની ઠીક સફાઈ કરવામાં ન આવે તો ઘણી ગેરસમજ ઊભી થવાનો સંભવ છે. કૉંગ્રેસની સ્થિતિ આ બાબતમાં શી છે, તે વિશે મહાસમિતિએ એક લાંબુ નિવેદન બહાર પાડ્યું છે. દેશી રાજ્યોની પ્રજાની શક્તિ જોઈને તેમના હિતની ખાતર જ કૉંગ્રેસ વધારે જોખમ ઉઠાવવા નથી માગતી, તેમ દેશી રાજ્યોની પ્રજાઓને ખોટી ખોટી આશાઓ પણ આપવા માગતી નથી. દેશી રાજ્યોની પ્રજાઓ પોતાની મેળે પોતાની મર્યાદાઓ સમજી જેટલું કરી શકે તે કરે, એ વસ્તુ કૉંગ્રેસને મંજૂર છે. કૉંગ્રેસી આગેવાનો વ્યક્તિગત રીતે દેશી રાજ્યોની પ્રજાને મદદ કરવા તૈયાર છે. મૈસૂરની પ્રજાએ પોતાના રાજ્યમાં સુધારા કરાવવા ઠીક ઠીક પ્રયત્ન કરવા માંડ્યો છે. કૉંગ્રેસ શું એ પસંદ કરતી નથી ? પણ જેમ બ્રિટિશ ઇન્ડિયામાં દરેક તાલુકાની અને ગામની કૉંગ્રેસ સમિતિ બનાવવામાં આવે છે, તેમ દેશી રાજ્યોમાં પણ બનાવવામાં આવે તો તેની જવાબદારી લેવાનું કૉંગ્રેસ કારોબારીની શક્તિ બહાર છે. અત્યારે તો દેશી રાજ્યોની વસ્તીનો મોટો ભાગ ગુલામ જેવી સ્થિતિમાં છે. જ્યાં સુધી તેમનામાં આઝાદ થવાની તમન્ના નથી જાગી ત્યાં સુધી તેઓ આઝાદ થઈ શકે નહીં. એ માટે તેમનામાં પૂરતી શક્તિ આવવી જોઈએ. આજે આપણે તો એ વિચાર કરવાનો છે કે કૉંગ્રેસને માટે યુદ્ધનું ક્ષેત્ર ક્યાં છે ? દેશી રાજ્યોના આપ ભાઈઓ કહેશો કે યુદ્ધનું ક્ષેત્ર દેશી રાજ્યો છે. પણ અમને અનુભવે જણાયું છે કે કૉંગ્રેસને માટે યુદ્ધનું ક્ષેત્ર બ્રિટિશ મુલક છે. કૉંગ્રેસમાં જે શક્તિ આવી છે, તે બ્રિટિશ હિંદમાં લડાઈઓ આપવાથી આવી છે. કોઈ દેશી રાજ્યની લડતથી આવી નથી. ગાંધીજી પણ પોતાનું વતન પોરબંદર છોડીને બ્રિટિશ હિંદના અમદાવાદમાં આવીને વસ્યા. એ જાણતા હતા કે પોતાનું સ્થાન પોરબંદરમાં નહી પણ બ્રિટિશ હિંદમાં છે. આજે તો દેશી રાજ્યોની પ્રજાએ પોતાનું સંગઠન કરીને શક્તિ વધારવાની છે. કૉંગ્રેસ દેશી રાજ્યોને સાવ છોડી દેવા નથી ઇચ્છતી. આપ જાણો છે કે હમણાં જ આપણે ફેડરેશનનો ઠરાવ પસાર કર્યો તેમાં સાફ સાફ કહ્યુ છે કે કૉંગ્રેસને એવું ફેડરેશન નથી જોઈતું જેમાં દેશી રાજ્યની પ્રજા ગુલામીમાં રહે. જ્યાં સુધી બ્રિટિશ હિંદના લોકો જે હક ભોગવે છે તે દેશી રાજ્યની પ્રજા ભોગવતી ન થાય ત્યાં સુધી અમે ફેડરેશનનો સ્વીકાર કરીશું નહીં.