પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
સરદાર વલ્લભભાઈ


“મારો ઇરાદો આ ઠરાવ ઉપર બોલવાનો ન હતો પણ ત્રણ વર્ષથી આ ઝઘડો ઊપડ્યો છે, એટલે કૉંગ્રેસે હવે બરાબર સ્પષ્ટતા કરવી જોઈએ કે દેશી રાજ્યોના ઝઘડામાં પડવાની અત્યારે એની સ્થિતિ નથી, એ બોજો એનાથી ઉપાડી શકાય એમ નથી. હું બહુ વિનયપૂર્વક અરજ કરું છું કે આનું દેશી રાજ્યોના ભાઈઓએ દુઃખ લગાડવું જોઈએ નહીં.”

આ ઠરાવથી દેશી રાજ્યોમાંના ઘણા કાર્યકર્તાઓને સંતોષ થયો. આ પહેલાં પણ સરદાર એક વાર કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ થયા હતા. આ વરસમાં તેઓ ભાવનગર રાજ્ય પ્રજા પરિષદના તથા વડોદરા રાજ્ય પ્રજા પરિષદના પ્રમુખ થયા. વળી મૈસૂર રાજ્યની પ્રજાકીય કૉંગ્રેસને ત્યાંના દરબાર સાથે ઝઘડો થયો હતો તેમાં પણ વચ્ચે પડીને સરદારે માનભરી રીતે સમાધાન કરાવ્યું. એ બધી વિગતો અલગ પ્રકરણમાં આપીશું. અહીં એટલું જ કહેવું બસ થશે કે ગાંધીજી હંમેશાં દેશી રાજ્યોની પ્રજાને સલાહસૂચના અને દોરવણી આપવાનો પોતાનો ધર્મ સમજતા જ હતા. તેમના મનમાં દેશી રાજ્યોની પ્રજા અને બ્રિટિશ રાજ્યની પ્રજા એવો ભેદ હતો જ નહીં. જે કંઈ ભેદ હોય તે બંનેની પરિસ્થિતિ પર અને બંનેએ સાધેલા સંગઠન પરત્વે હતો. સરદાર અને પંડિત જવાહરલાલજી પણ વ્યક્તિગત રીતે હરિપુરા કૉંગ્રેસ પછી દેશી રાજ્યોના પ્રશ્નમાં વધારે રસ લેતા થયા.

હરિપુરા કૉંગ્રેસ આગળ એવો એક બીજો વિકટ પ્રશ્ન કિસાન ચળવળનો આવ્યો હતો. કેટલાક પ્રાંતોમાં કૉંગ્રેસ સંસ્થાથી અલગ એવાં કિસાન મંડળો અથવા કિસાન સભાઓ સ્થપાવા લાગી હતી. પ્રજાનો કોઈ વર્ગ પોતાના હિતની રક્ષાને અર્થે, જો એ હિત દેશના વિશાળ હિતને આડે આવે એવું ન હોય તો, પોતાની અલગ સંસ્થા સ્થાપે એની સામે કૉંગ્રેસને કંઈ વાંધો ન હોય. તે પ્રમાણે કિસાનો અથવા ખેડૂતો ખેતીને લગતા પોતાના પ્રશ્નો વિષે એટલે કે પોતાની આર્થિક ઉન્નતિને સારું કામ કરવા પોતાનાં મંડળો સ્થાપે તે કૉંગ્રેસને ઈષ્ટ હતું. પણ ખેડૂતો અથવા કિસાનો રાજકીય હક્કો માટે જુદાં મંડળો સ્થાપે એ કૉંગ્રેસને અનુચિત અને અનાવશ્યક લાગતું હતું. કારણ કૉંગ્રેસ આમજનતાની સંસ્થા હોઈ તેના મોટા ભાગના સભ્યો ખેડૂત વર્ગના જ હતા. જે ખેડૂતોને અથવા કિસાનોને પોતાની રાજકીય સ્થિતિ સુધારવાની ઇચ્છા થાય તેમણે તો કૉંગ્રેસમાં જોડાવું અને કૉંગ્રેસના વાવટા નીચે કામ કરવું એ જ તેમનું કર્તવ્ય હતું. પણ કેટલીક જગ્યાએ કિસાનોએ પોતાનાં અલગ મંડળ રચવા માંડ્યાં હતાં, અને કૉંગ્રેસ પ્રત્યે વિરોધી વલણ ધારણ કરીને પોતાનો જુદો વાવટો રાખવા માંડ્યો હતો. તેમને કૉંગ્રેસની પદ્ધતિ