પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯
હરિપુરા કૉંગ્રેસ — ૨


આ પ્રશ્ન ઉપર હરિપુરા કૉંગ્રેસમાં બહુ લાંબો અને વિગતવાર ઠરાવ કરવામાં આવ્યો. એ ઠરાવ ઉપરથી જ આખી પરિસ્થિતિ સ્પષ્ટ સમજાય છે એટલે નીચે તે આખો આપ્યો છે :

“ફૈઝપુર કૉંગ્રેસના ફરમાન પ્રમાણે ૧૯૩૭ના માર્ચમાં પ્રાંતોમાં હોદ્દા સ્વીકારવાના પ્રશ્ન ઉપર મહાસમિતિએ ઠરાવ કર્યો કે બ્રિટિશ સરકાર તરફથી આપણને અમુક ખોળાધરીઓ મળે ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષને પ્રધાનમંડળ રચવાની પરવાનગી આપવી. પ્રથમ તો આવી ખેાળાધરીઓ ન મળી એટલે કૉંગ્રેસ પક્ષના નેતાઓએ પ્રધાનમંડળ સ્વીકારવાની ના પાડી. ત્યાર પછી મહિનાઓ સુધી આવી ખોળાધરીઓ માગવી એ બંધારણીય છે કે કેમ તે પ્રશ્ન ઉપર વાદવિવાદ ચાલ્યો. ભારત મંત્રીએ, વાઈસરૉયે તથા જુદા જુદા પ્રાંતના ગવર્નરોએ અનેક નિવેદનો બહાર પાડ્યાં. આ નિવેદનોમાંથી એટલું ચોક્કસ નીકળતું હતું કે પ્રાંતિક પ્રધાનોના રોજબરોજના વહીવટમાં ગવર્નરો તરફથી કશી દખલ કરવામાં નહીં આવે.

“જે પ્રાંતોમાં કૉંગ્રેસ અધિકાર ઉપર છે, ત્યાંના પ્રધાનોને એવો અનુભવ થયો છે કે, કાંઈ નહીં તો યુક્ત પ્રાંત અને બિહારમાં ગવર્નરોએ રોજના વહીવટમાં દખલ કરવા માંડી છે. જ્યારે કૉંગ્રેસ પક્ષને પ્રધાનમંડળ રચવાનું ગવર્નરો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેઓ જાણતા હતા કે ચૂંટણીના કૉંગ્રેસના જાહેરનામામાં રાજદ્વારી કેદીઓને મુક્તિ આપવાની વાત કૉંગ્રેસની નીતિનું એક મુખ્ય અંગ હતી. એ નીતિ અનુસાર પ્રધાનોએ રાજદ્વારી કેદીઓને છોડવાનું કામ શરૂ કર્યું. પણ તેમણે જોયું કે છોડવાના હુકમ ઉપર ગવર્નરોની સહી મેળવતાં કેટલીક વખત અકળાવી નાખે એવી ઢીલ થતી હતી. આ ઢીલ સહન કરી લેવામાં પ્રધાનોએ પોતાની નમૂનેદાર ધીરજનો પુરાવો આપ્યો છે. કૉંગ્રેસનો એવો અભિપ્રાય છે કે કેદીઓની મુક્તિની બાબત એ રોજબરોજના વહીવટની બાબત છે અને એમાં ગવર્નરો સાથે લાંબી ચર્ચાઓ કરવાપણું નથી. ગવર્નરનું કામ તો પ્રધાનને દોરવણી આપવાનું અને સલાહ આપવાનું છે. પણ પોતાની રોજબરોજની ફરજો બજાવવામાં પ્રધાનો સ્વતંત્રપણે પોતાના નિર્ણયો કરે તેમાં એ દખલ કરી શકે નહીં. કારોબારી સમિતિએ કૉંગ્રેસના પ્રતિનિધિઓ આગળ અને એ પ્રતિનિધિઓને ચૂંટનારી આમજનતા આગળ પોતાના વાર્ષિક કામનો અહેવાલ રજૂ કર્યો ત્યારે તેને પ્રધાનોને સૂચના આપવી પડી કે પોતપોતાના પ્રાંતમાંના રાજદ્વારી કેદીઓને તેમણે છોડી મૂકવા અને તેમના હુકમનો અમલ થવામાં વિક્ષેપ થાય તો તેમણે રાજીનામાં આપવાં. એ સૂચનાને અનુસરીને યુક્ત પ્રાંત અને બિહારના પ્રધાનોએ જે પગલું લીધું છે તે પગલાને આ કૉંગ્રેસ બહાલી આપે છે. અને રાજીનામાં આપવા માટે પ્રધાનોને અભિનંદન આપે છે. ગવર્નર જનરલે ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટની ૧૨૬ (૫) કલમ લાગુ કરીને આ બાબતમાં નકામી દખલ ઊભી કરી છે. તેથી પ્રધાનોને આપવામાં આવેલી ખેાળાધરીઓનો ભંગ થાય છે એટલું જ નહીં પણ એ કલમનો પણ દુરુપયોગ થાય છે. કારણ આમાં દેશની શાંતિનો ભંગ થવાની ગંભીર બીકનો સવાલ જ ઊભો થતો નથી. વળી બંને પ્રાંતમાં મુખ્ય પ્રધાનોએ રાજદ્વારી