પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
સરદાર વલ્લભભાઈ
કેદીઓ પાસેથી ખાતરી મેળવી લીધી છે કે તેઓ કૉંગ્રેસની અહિંસાની નીતિનો સ્વીકાર કરે છે. તેમના માનસમાં થયેલા પલટા વિષે પણ તેમણે ખાતરી કરી લીધી છે. ગવર્નર જનરલે દખલ કરીને જે પરિસ્થિતિ ઊભી કરી છે તેથી ઊલટો શાંતિનો ભંગ થવાનો ગંભીર ભય છે.
“કૉંગ્રેસે જે થોડો વખત અધિકાર ચલાવ્યો છે એટલામાં પોતાની ત્યાગવૃત્તિનો, વહીવટી કાબેલિયતનો તથા દેશનાં આર્થિક અને સામાજિક અનિષ્ટો દૂર કરવા માટે કાયદા કરીને બતાવેલી રચનાત્મક શક્તિનો તેણે પૂરતો પુરાવો આપ્યો છે. કૉંગ્રેસને એ સ્વીકારતાં આનંદ થાય છે કે આ બધી બાબતોમાં ગવર્નરોએ પ્રધાનોને ઠીક ઠીક સાથ આપ્યો છે. ચાલુ બંધારણમાં રહીને લોકોનું જેટલું ભલું થઈ શકે તેટલું કરવાનો, અને તેની સાથે પૂર્ણ સ્વરાજ્યના ધ્યેયે પહોંચવાનો તથા બ્રિટિશ શાહીવાદી નીતિથી થતા હિંદી પ્રજાના શોષણનો અંત લાવવાનો કોંગ્રેસનો ખરા દિલનો પ્રયત્ન છે.
“જેથી અહિંસક અસહકાર કરવો પડે અથવા તો કૉંગ્રેસની સત્ય અને અહિંસાની નીતિ સાથે સુસંગત એવું વિરોધનું બીજું કશું પગલું ભરવું પડે એ જાતની કટોકટી ઊભી કરવાની કૉંગ્રેસની જરાય ઈચ્છા નથી. તેથી ગવર્નર જનરલના કાર્ય સામે વિરોધ તરીકે બીજા પ્રાંતના પ્રધાનોને રાજીનામાં આપવાની સલાહ આપતાં કૉંગ્રેસ સંકોચ અનુભવે છે અને ગવર્નર જનરલને વિનંતી કરે છે કે તેણે પોતાનો હુકમ ફેરવવો જેથી કરીને ગવર્નરો બંધારણપૂર્વક વર્તી શકે અને રાજદ્વારી કેદીઓને છોડવાની બાબતમાં પોતાના પ્રધાનોની સલાહ સ્વીકારી શકે.
“બેજવાબદાર પ્રધાનમંડળો રચાય એને તલવારથી રાજ્ય ચલાવવા જેવું કોંગ્રેસ માને છે. આવાં પ્રધાનમંડળો રચાશે તો પ્રજામાં બહુ કડવાશ પેદા થશે, અંદર અંદરના કલહો ઊભા થશે અને બ્રિટિશ સરકાર સામેનો અણગમો વધારે ઊંડો જશે. જ્યારે કૉંગ્રેસે બહુ સંકોચ સાથે અને ભારે આનાકાનીથી હોદ્દા સ્વીકારવાને મંજુરી આપી ત્યારે ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટના સાચા સ્વરૂપના પોતે બાંધેલા આંક વિષે તેને કશી શંકા ન હતી. ગવર્નર જનરલના છેલ્લા કૃત્યથી એ આંક સાચો પડે છે અને બંધારણનો કાયદો લોકોને ખરી સ્વતંત્રતા આપવા માટે તદ્દન નકામો છે એવું સિદ્ધ થાય છે. તેની સાથે એ પણ જણાય છે કે એ કાયદાનો ઉપયોગ સ્વતંત્રતા વધારવા માટે નહીં, પણ સ્વતંત્રતાને દાબી દેવા માટે કરવાનો બ્રિટિશ સરકારનો ઇરાદો છે. એટલે અત્યારની કટોકટીનું આખરી પરિણામ ગમે તે આવે, પણ હિંદુસ્તાનના લોકોએ સમજી લેવું જોઈએ કે જ્યાં સુધી આ કાયદાને ખતમ કરવામાં આવ્યો નથી અને તેની જગ્યાએ હિંદુસ્તાનની પ્રજાએ ચૂંટેલી વિધાન સભાએ ઘડેલું નવું બંધારણ અમલમાં આવ્યું નથી ત્યાં સુધી દેશને માટે સાચી સ્વતંત્રતાની આશા નથી. એટલે અધિકાર ઉપર હોય કે અધિકારની બહાર હોય, ધારાસભામાં હોય કે ધારાસભાની બહાર હોય, એવા દરેક કૉંગ્રેસીને ઉદ્દેશ એ જ હોવો જોઇએ કે આપણા એ ધ્યેયને પહોંચવા માટે અત્યારના કેટલાક અધિકારો ભલે આપણું તાત્કાલિક ભલું કરે એવા હોય તોપણ તે જતા કરવાની તૈયારી રાખવી.