પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
હરિપુરા કૉંગ્રેસ — ૨


:“યુક્ત પ્રાંતના ગવર્નર તરફથી એમ કહેવામાં આવે છે કે કાકોરી કેસના કેદીઓનું સ્વાગત કરવા માટે જે ધામધૂમ કરવામાં આવી તથા છૂટેલા કેદીઓમાંના કેટલાકે જે ભાષણો કર્યાં તેથી રાજદ્વારી કેદીઓની ક્રમશઃ મુક્તિની નીતિમાં વિઘ્ન આવ્યું છે. કૉંગ્રેસે બેહૂદા દેખાવોને તથા બીજી વાંધાભરી પ્રવૃત્તિઓને હંમેશાં વખોડી કાઢી છે. જે દેખાવો અને ભાષણોની યુક્ત પ્રાંતના ગવર્નર વાત કરે છે તેને મહાત્મા ગાંધીએ સખત રીતે નાપસંદ કરેલાં છે. કૉંગ્રેસના પ્રમુખ પંડિત જવાહરલાલ નેહરુએ પણ એ કૃત્યમાં રહેલા શિસ્તભંગ માટે તાબડતોબ તાકીદ આપેલી છે. પ્રધાનોએ પણ તેની અવજ્ઞા કરી નથી. આ બધી ચેતવણીઓને પરિણામે લોકમતમાં એકદમ ફેરફાર થાય છે અને કેદીઓ પણ પોતાની ભૂલ સમજ્યા છે. કાકોરી કેસના કેટલાક કેદીઓ છૂટ્યા પછી બે મહિને બીજા છ કેદીઓ છૂટ્યા ત્યારે તેમના માનમાં કોઈ પણ જાતના દેખાવો થયા ન હતા. તેમ જ તેમનું જાહેર સ્વાગત કરવામાં આવ્યું ન હતું. એ વસ્તુને પણ હવે તો ચાર મહિના વીતી ગયા છે. એટલે ઑગસ્ટમાં છૂટેલા કેદીઓના સંબંધમાં જે ભાષણો અને દેખાવો થયાં તે કારણે બાકી રહેલા પંદર કેદીઓને આજે ન છોડવા એ તદ્દન ગેરવાજબી છે. ન્યાય અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પ્રધાનોની છે. પોતાને યોગ્ય લાગે તે રીતે પોતાની ફરજ અદા કરવાનો તેમને હક્ક છે. ચાલુ સંજોગોમાં પ્રસ્તુત બાબતોનો વિવેક કરી નિર્ણય કરવાનું કામ તેમનું છે. તેઓ જે નિર્ણય કરે તે ગવર્નરે સ્વીકારવા જોઈએ અને તેનો અમલ કરવા જોઈએ. રોજબરોજનાં વહીવટી કામોમાં પોતાની સત્તાનો તેઓ જે રીતે અમલ કરતા હોય તેમાં દખલ કરવાથી તેમની સ્થિતિ નબળી થાય છે, અને તેમની પ્રતિષ્ઠાને પણ ધક્કો પહોંચે છે. કૉંગ્રેસી પ્રધાનોએ કેટલીયે વાર જાહેર કર્યું છે કે હિંસક ગુનાઓની બાબતમાં યોગ્ય પગલાં લેવાનો તેમનો પાકો નિશ્ચય છે. હવે જ્યારે આ કેદીઓએ હિંસાને માર્ગ છોડી દેવાનું જાહેર કર્યું છે ત્યારે તેમને છોડવામાં જોખમ રહેલું છે એમ કહેવું એ તદ્દન કપોકલ્પિત છે. કૉંગ્રેસે પોતાને માટે જે અહિંસાનું ધોરણ સ્વીકાર્યુ છે તેનો કોઈ ભંગ કરે અથવા તેની શિસ્ત ન જાળવે તો તે માટે સખત ઉપાયો લેવા એ કૉંગ્રેસનો આગ્રહ છે. તે વિષેનો પૂરતો પુરાવો છેલ્લા કેટલાક મહિનામાં કૉંગ્રેસે આપેલ છે. છતાં કૉંગ્રેસીઓનું ધ્યાન ખેંચવામાં આવે છે કે વાણી કે વર્તનને કોઈ જાતનો સ્વેચ્છાચાર હિંસાને ઉતેજન અથવા તો પોષણ આપે એવો હોય, તેનાથી આપણા નિરધારેલા ધ્યેયે પહેાંચવાની દેશની ગતિ ધીમી પડે છે.

“રાજદ્વારી કેદીઓને છોડી મૂકવાના પોતાના કાર્યક્રમને અમલમાં મૂકતાં, કૉંગ્રેસને હોદ્દા છોડવાનું પ્રાપ્ત થયું છે, લોકોની સ્થિતિ સુધારવાને માટે કાયદા કરવાની તકો પણ જતી કરવી પડી છે. પણ એમ કરતાં કૉંગ્રેસે જરા પણ આંચકો ખાધો નથી. એની સાથે કૉંગ્રેસ એ સ્પષ્ટ કરવા માગે છે કે કેદીઓ પોતાની મુક્તિ માટે ભૂખમરાની હડતાલનો આશરો લે એ વસ્તુ કૉંગ્રેસ સખત રીતે વખોડી કાઢે છે. ભૂખમરાની હડતાલને લીધે રાજદ્વારી કેદીઓને છોડી મૂકવાની પોતાની નીતિ અમલમાં મૂકતાં કૉંગ્રેસને મુશ્કેલી આવે છે. તેથી પંજાબમાં જેએ હજી ભૂખમરાની હડતાલ ચલાવી રહ્યા છે તેમને તે છોડી દેવાનો