પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩
હરિપુરા કૉંગ્રેસ — ૨
આપવા તૈયાર હતા, તેમની કામ કરવાની રીત ભલે ખોટી હોય, પણ પ્રજામતથી ચૂંટાયેલો કોઈ માણસ આવા દેશભક્તોને જેલમાં રાખી શકે નહીં.
“ગવર્નરની તરફથી કહેવામાં આવ્યું છે કે કાકોરી કેસના કેદીઓને છોડી મૂકવામાં આવ્યા તેથી દેશમાં બહુ અડચણ ઊભી થઈ છે. કદાચ અડચણ ઊભી થઈ હોય તોપણ શું થઈ ગયું? એક આદમી વીસ પચીસ વર્ષ સુધી જેલની દીવાલો પાછળ રહી દુનિયાથી અલગ પડી ગયો છે, દુનિયાની કશી હાલતની તેને ખબર નથી; એ જેલની દીવાલમાંથી બહાર આવે છે, તેની નજર સામે નવી જ દુનિયા દેખાય છે; કૉંગ્રેસની શક્તિ કેટલી વધી ગઈ છે તે એ જુએ છે. બહાર આવ્યા પછી થોડા કૉંગ્રેસવાળા તેનું સ્વાગત કરે છે. ચાપાણી પિવડાવે છે. એ બધું જોઈને તેને થાય છે કે મારાં પચીસ વર્ષ બરબાદ નથી ગયાં. એટલે એ જરા વધારે પડતું બોલી નાખે છે. મારી તો સમજમાં નથી આવતું કે એટલાથી આ સરકાર આવી ડરી શું કામ જાય છે? શું તે એટલી બધી જર્જરિત અને કમતાકાત થઈ ગઈ છે કે પંદર માણસોનો તેને આવડો ધાક લાગે છે?
“જે વખતે આપણા પ્રધાનોએ લોક્સુધારનાં અનેક કામો ઉપાડ્યાં હતાં તે વખતે તેમને પ્રધાનપદ છોડવાં પડ્યાં છે. આપણે તેમને મુબારકબાદી આપીએ છીએ. તેમણે કૉંગ્રેસની ઇજ્જત વધારી છે. દેશમાં થોડાક સુધારા કરવા માટે આપણે હોદ્દાનો સ્વીકાર કર્યો નહોતો, આપણે તો બહુ મોટી વસ્તુ માટે પ્રધાનપદ લીધાં છે. આપણાં બધાં દુઃખોનો ઇલાજ તો સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. હોદ્દાનો સ્વીકાર કરવાથી તે માટેની આપણી શક્તિ વધે તો આપણે તેનો ઉપયોગ કરી લઈએ. પણ તેને લીધે જો આપણા માર્ગમાં અડચણ આવતી હોય તો આપણે તુરત જ તે છોડવા જોઈએ. આપણા પ્રધાનો એવા નથી જે ત્યાં પાંચ પાંચ હજારના પગાર લેતા હોય. આપણા પ્રધાનો ત્યાં મોટા પગારો લેવા નહીં પણ દેશનું કામ કરવા ગયા છે. તેઓ પ્રધાનપદનો ત્યાગ કરશે તો દેશને મોંઘું પડવાનું છે. પણ તેથી પ્રધાનપદાં છોડતાં આપણને જરાયે સંકોચ ન થવો જોઈએ. કારોબારી સમિતિએ ખૂબ વિચાર કરીને તથા સાત પ્રાંતોનો પ્રશ્ન નજર સામે રાખીને આ ઠરાવ ઘડ્યો છે. આ ઠરાવ એવો છે જેમાં કોઈને કશો વાંધો હોવો જોઈએ નહીં. એટલે મારી વિનંતી છે કે આ ઠરાવ ઉપર કોઈ સુધારો લાવે નહીં. આવી નાજુક પરિસ્થિતિમાં કેવો ઠરાવ કરવો જોઈએ એનો વિચાર કરીને આ ઠરાવ ઘડવામાં આવ્યો છે. એમાં કશું ઉમેરો કરવો કે કશું કાઢી નાખવું યોગ્ય નહીં થાય. હું આશા રાખું છું કે આ ઠરાવ જેવો છે તેવો તમે પસાર કરશો.”


ઉપરનો ઠરાવ પસાર થઈ ગયા પછી બંને પ્રાંતના પ્રધાનો પોતપોતાના પ્રાંતમાં ગયા, ત્યારે ગવર્નરે એમની સાથે સમાધાન કરવા જાણે તૈયાર જ હતા. યુક્ત પ્રાંતના ગવર્નરે ત્યાંના મુખ્ય પ્રધાન પં. ગાવિંદવલ્લભ પંત સાથે વાટાઘાટો કરી સમાધાન કર્યું. એમનું સંયુક્ત નિવેદન તા. ૨૫-૨-’૩૮ના રોજ બહાર પાડવામાં આવ્યું. બિહારના ગવર્નર તથા મુખ્ય પ્રધાને મળીને એવું જ નિવેદન તા. ૨૬-૨-’૩૮ના રોજ બહાર પાડ્યું. આ રહ્યું એ: