પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
સરદાર વલ્લભભાઈ


“અત્યારની પરિસ્થિતિ અને છેલ્લા થોડા દિવસમાં બની ગયેલા બનાવો વિષે અમે અંદર અંદર ખૂબ ચર્ચા કરી લીધી છે, અને બંને પક્ષને સંમત એવા નિર્ણય ઉપર અમે આવ્યા છીએ. એ પ્રમાણે પ્રધાઓએ તેમનાં હંમેશનાં કામકાજ હાથમાં લઈ લીધાં છે. રાજદ્વારી ગણાતા કેટલાક કેદીઓના કેસની વ્યક્તિગત તપાસ કરવામાં આવી છે. અને પ્રધાનોએ આપેલી સલાહ સ્વીકારીને એ કેદીઓની બાકી રહેલી સજા રદ કરવાના ને તેમને છોડી મૂકવાનો હુકમો ગવર્નર થોડા જ વખતમાં કાઢશે. બાકીના કેદીઓની વ્યક્તિગત તપાસ તે ખાતાના પ્રધાન કરી રહ્યા છે. અને તેને વિષે થોડા વખતમાં યોગ્ય હુકમો કરવામાં આવશે.
“ગવર્નર અને પ્રધાનોના અરસપરસ સંબંધ વિષે પણ અમે લાંબી ચર્ચા કરી છે. નામદાર વાઈસરૉયના તાજેતરના નિવેદનની, તે ઉપર મહાત્મા ગાંધીજીએ દર્શાવેલા વિચારોની, *[૧] પ્રધાનોનાં રાજીનામાં વિશે હરિપુરા કૉંગ્રેસમાં પસાર થયેલા ઠરાવની તેમ જ અગાઉ ગયા ઉનાળામાં નામદાર વાઇસરૉયે કરેલા નિવેદનની અમે ચર્ચા કરી છે. જવાબદાર પ્રધાનોની કાયદેસર સત્તા છીનવી લેવાવાનો કે તેમાં દખલ થવાનો ભય રાખવાને કશું કારણ નથી. સુશાસનને પોષક પ્રથાઓ અમે બંને ટકાવી રાખવા માગીએ છીએ અને ઉભય પક્ષે સદ્ભાવ હોવાથી અમે સફળ થઈશું, એવી અમને આશા છે.”

આ સમાધાન ઉપર ટીકા કરતાં લંડનના ‘ટાઈમ્સ’ પત્રે જણાવેલું કે,

“સમાધાનીની શરતો કરતાં પણ વધારે મહત્ત્વનું તો એ છે કે કૉંગ્રેસ પક્ષના જવાબદાર માણસો તરફથી કશું એવું કહેવામાં કે કરવામાં આવ્યું નથી કે જેથી કટોકટી વધુ તીવ્ર બને. પોતાની જવાબદારી ટાળવાને બદલે કૉંગ્રેસના
  1. * હરિપુરા કૉંગ્રેસનો ઠરાવ પસાર થયા પછી વાઈસરૉયે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેનો જવાબ આપતાં ગાંધીજીએ તા. ૨૩-૨-’૩૮ના રોજ એક નિવેદન બહાર પાડ્યુ તેમાંથી મહત્ત્વના ફકરા નીચે આપ્યા છે :
    “નામદાર ગવર્નર જનરલના નિવેદનમાંની એક વાતથી મને એવી આશા ઊપજે છે ખરી કે આ કટોકટી ટળી જશે. તેમણે હજુ ગવર્નરો અને પ્રધાનો વચ્ચે મસલતનો દરવાજો ખુલ્લો રાખ્યો છે.
    “હું કબૂલ કરું છું કે પ્રધાનોએ હોદા છોડવાની નોટિસ એકાએક આપેલી. પણ તે વખતે સ્થિતિ જ એવી હતી કે એમનાથી બીજું કશું થઈ ન શકે. હવે બંને પક્ષોને પરિસ્થિતિ વિચારી જોવાનો સારી પેઠે વખત મળે છે.
    “મારા મત પ્રમાણે આ આંટી ઉકેલવાનો રસ્તો એ છે કે વાઈસરૉયે ગવર્નરને એવી ખોળાધરી આપવાની છૂટ આપવી કે ‘પોતે કરવા ધારેલી કેદીઓના કેસની તપાસનો ઇરાદો પ્રધાનોની સત્તા ઉપર તરાપ મારવાનો નહોતો. પ્રધાનોએ કેદીઓ પાસેથી ખોળાધરી મેળવી છે. તેઓ પોતાની જવાબદારી પર કેદીઓને છોડી શકે છે.’ મને આશા છે કે જો પ્રધાનોને ગવર્નરો બોલાવે તો, તેમને મળેલી ખેાળાધરીથી પોતાને સંતોષ થાય છે કે નહીં એ નક્કી કરી લેવાની છૂટ કૉંગ્રેસની કારોબારી સમિતિ પ્રધાનોને આપશે.”