પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૬
સરદાર વલ્લભભાઈ

હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસ અને બ્રિટિશ સરકારની વસાહત ઑફિસ મંજૂર રાખશે ત્યારે તેનો સ્વીકાર થયેલો ગણાશે.

“ આ સમિતિ વિશ્વાસ રાખે છે કે એ કરારનો ઝાંઝીબારની સરકાર તરફથી એવી રીતે અમલ થશે જેથી હિંદી કોમને પૂરેપૂરો સંતોષ થાય અને એની પ્રત્યે ભેદભાવથી વર્તવામાં આવે છે, એવી શંકા કે વહેમને જરા પણ અવકાશ ન રહે. ઝાંઝીબારની હિંદી કોમે પરદેશમાં વસતા હિંદીઓના હકો માટે જે બહાદુરીભરી અને સફળ લડત ચલાવી છે, તેને સારુ આ સમિતિ તેને મુબારકબાદી આપે છે. જે વેપારીઓએ ખાસ કરીને મુંબઈમાં પુષ્કળ ભોગ આપીને વફાદારીથી સાથ આપ્યો છે અને આ સવાલનો સફળ અંત આણવામાં આટલો મોટો ફાળો આપ્યો છે, એ વેપારીઓનો આ સમિતિ આભાર માને છે. લવિંગ બહિષ્કાર સમિતિએ ઉઠાવેલી જહેમતની પણ આ સમિતિ કદર કરે છે.”

ઉપરની હરાવમાં જણાવેલા કામચલાઉ સમાધાનને બ્રિટિશ સરકારની વસાહત ઓફિસે બહાલી આપી એટલે એ સમાધાન પાકું થયું. સરદારે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે લવિંગનો બહિષ્કાર ઉઠાવી લેવાને માટે આપણે જે શરત મૂકી હતી તે બધી શરતોનું પાલન થયું છે અને આપણી લડતના સફળ અંત આવ્યો છે. હવે ઝાંઝીબાર તથા માડાગાસ્કરથી આવતા લવિંગનો વેપાર કરવામાં કશી હરકત નથી. પણ આ કમિટી એવો વિશ્વાસ રાખે છે કે જનતા તેમ જ છૂટક વેપારીઓ જે પેઢીએાએ બહિષ્કારમાં વફાદારીથી સાથ આપ્યો છે તે પેઢીઓને ઉત્તેજન આપશે. ઝાંઝીબારની હિંદી કોમને તથા બહિષ્કારમાં સાથ આપનારા હિંદુસ્તાનના લવિંગના વેપારીઓને મુબારકબાદી આપીને મુંબઈ પ્રાંતિક સમિતિના સ્વયંસેવકો ખરી કટોકટીને વખતે છ અઠવાડ્યિાં સુધી કડક ચોકી કરી હતી તેમને ધન્યવાદ આપ્યા. છેવટે જણાવ્યું કે આ પ્રસંગ ઉપરથી પરદેશમાં વસતા હિંદીઓની ખાતરી થશે કે કૉંગ્રેસ તેમને મદદ કરવા હંમેશાં તત્પર હોય છે.

ફેડરેશન વિષે પણ આ કૉગ્રેસમાં મહત્ત્વનો ઠરાવ પસાર થયો હતો. તેનો ઉલ્લેખ દેશી રાજા વિષેના ઠરાવ ઉપર બોલતાં સરદારે પોતાના ભાષણમાં કર્યો છે. છેલ્લે જે વિશ્વયુદ્ધ થઈ ગયું તેના ભણકારા હરિપુરા કૉંગ્રેસ વખતથી વાગવા માંડ્યા હતા. એટલે તે વિષે નીતિ જાહેર કરવાની જરૂર હતી. અત્યારે આપણને સ્વાતંત્ર્ય મળ્યું છે ત્યારે પણ પરદેશ સાથેની આપણી નીતિ તે વખતે જે જાહેર કરવામાં આવી હતી તેવી જ લગભગ રહી છે. એ ઠરાવનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે :

“ હિંદુસ્તાનના લોકો પોતાના પાડોશીઓ અને બીજો સધળા દેશો સાથે સુલેહશાન્તિથી અને મિત્રાચારીથી રહેવા ઇચ્છે છે. એ હેતુથી સંધર્ષનાં જેટલાં કારણો હોય તે તમામ એ દુર કરવા ચાહે છે. એક રાષ્ટ્ર તરીકે પોતાની મુક્તિ અને સ્વતંત્રતા માટેના પ્રયત્ન કરતાં, બીજાઓના સ્વાતંત્ર્ય પ્રત્યે તે આદર