પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૭
હરિપુરા કૉંગ્રેસ — ૨

રાખવા ઇચ્છે છે અને આંતરરાષ્ટ્રીય સહકાર અને સદભાવનાના ધોરણ ઉપર પોતાની શક્તિ તે ખીલવવા ઇચ્છે છે. આખી દુનિયાના સુવ્યવસ્થિત તંત્રના પાયા ઉપર જ આવા સહકાર સંભવી શકે. એટલે સ્વતંત્ર હિંદુસ્તાન આવું વિશ્વતંત્ર સ્થાપવામાં ખુશીથી જોડાશે તથા શસ્ત્રસંન્યાસની અને સામુદાયિક સલામતીની ભાવનાને ટેકો આપશે. પણ વિશ્વવ્યાપી સહકાર સિદ્ધ થવો અશક્ય છે — જ્યાં સુધી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઝધડાનાં મૂળ કાચમ રહે, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર સત્તા ચલાવવા ઇચ્છે, અને શાહીવાદની આણ સર્વત્ર વર્તાતી રહે. દુનિયામાં આપણે કાયમી શાંતિ સ્થાપવી હોય તો શાહીવાદ નાબૂદ થવો જ જોઈએ અને અમુક રાષ્ટ્રો બીજા રાષ્ટ્રનું શોષણ કરે છે તેનો અંત આવવો જ જોઈએ.

“ અત્યારે જે શાહીવાદી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેમાં હિંદુસ્તાન પક્ષકાર થઈ શકે એમ નથી. બ્રિટિશ શાહીવાદના હિતને અર્થે આપણી માનવશક્તિનું તથા સાધનસંપત્તિનું શોષણ થાય એ આપણે નિભાવી લઈ શકીએ નહીંં. વળી હિંદુસ્તાનના લોકોની સ્પષ્ટ સંમતિ સિવાય હિંદુસ્તાનને કોઈ પણ યુદ્ધમાં સામેલ કરી શકાય નહીં. એને કોઈ પણ રીતે યુદ્ધમાં જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો દેશ તેનો વિરોધ કરશે.”

બીજો મહત્ત્વનો ઠરાવ હરિપુરા કૉંગ્રેસમાં પસાર કરવામાં આવ્યો તે પાયાની કેળવણીને લગતો હતો. કેળવણીના જે સિદ્ધાંતો અને નીતિ કૉંગ્રેસે તે વખતે સ્વીકારી તે સ્વતંત્રતા મળ્યા છતાં હજી આપણે અમલમાં મૂકી શક્યા નથી. એટલે તેનું સ્મરણ કરીએ એ યોગ્ય છે. હરિપુરા કૉંગ્રેસે રાષ્ટ્રીય શિક્ષણનો ઠરાવ કરીને જાહેર કર્યું કે,

“હિંદુસ્તાનમાંની કેળવણીની અત્યારની પદ્ધતિ નિષ્ફળ નીવડી છે એમ સૌ સ્વીકારે છે. તેના ઉદ્દેશો રાષ્ટ્રવિરોધી અને સમાજવિરોધી છે અને તે આપવાની પદ્ધતિ તદ્દન જુનવાણી છે. વળી દેશના થોડા જ માણસોને તે મળી શકે છે, વિશાળ જનતા તો તદ્દન અભણ રહે છે. તેથી એ આવશ્યક છે કે આપણા રાષ્ટ્રીય શિક્ષણની રચના નવા પાયા ઉપર અને રાષ્ટ્રવ્યાપી ધોરણ ઉપર થવી જોઈએ. કૉંગ્રેસને અત્યારે સરકારી શિક્ષણ ઉપર અસર પાડવાની અને પોતાના વિચાર પ્રમાણે તે ચલાવવાની તક મળી છે. એટલે આપણું શિક્ષણ કયા પાયાના સિદ્ધાંત ઉપર ચાલવું જોઈએ અને તેનો અમલ કરવા માટે કેવા ઉપાયો લેવા જોઈએ તે નક્કી કરવું આવશ્યક છે. કૉંગ્રેસ એવા અભિપ્રાયની છે કે પ્રાથમિક અને માધ્યમિક કક્ષામાં નીચેના સિદ્ધાંત મુજબની પાયાની કેળવણી આપવી જોઈએ :

૧. આખા રાષ્ટ્રને સાત વર્ષ મફત અને ફરજિયાત કેળવણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
૨. શિક્ષણનું વાહન માતૃભાષા હોવી જોઈએ.
૩. આ બધો વખત કેળવણીની રચના કોઈ પણ પ્રકારના ઉત્પાદક ઉદ્યોગને કેન્દ્રમાં રાખીને થવી જોઈએ, કેળવણીની બીજી બધી પ્રવૃત્તિઓ