પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૯
હરિપુરા કૉંગ્રેસ — ૨

જોખમ ઉઠાવવા હું તૈયાર નથી. ચોખા પાણી માટે અને તેના નિકાલ માટે ગટરની વ્યવસ્થા તો કરવી જ જોઈએ. તે માટેના પાઇપ રાસના એક ખેડૂતે, જેણે ગઈ લડતમાં પેતાની બધી મિલકત ઉડાવી દીધી છે, તેણે અહી જ પાડી આપ્યા. સફાઈનું કામ પણ ગુજરાતના ખેડૂતોએ અને વિદ્યાર્થીઓએ જ ઉપાડી લીધું છે. સ્વાગત સમિતિના પ્રમુખ દરબારસાહેબ અને પ્રધાન મંત્રી શ્રી કનૈયાલાલ દેસાઈ ત્રણ મહિના પહેલાં અહીં આવીને પડ્યા હતા. આ આખા નગરમાં જે વ્યવસ્થા છે, જેની બધા બહુ પ્રશંસા કરે છે, તે આ રીતે થઈ છે. અમારા ગુજરાતની એક ખાસ આદત છે કે કામ કરનાર આદમી બહુ થોડું બોલે છે. તમારી બધાની સોબતથી હું કાંઈક બોલવાનું શીખ્યો છું, પણ પહેલાંના વખતનો મારો એક દાખલો આપું. હું કલકત્તા કૉંગ્રેસમાં ગયો હતો. મારો એક મિત્ર મારી ટિકિટ લઈને સભામંડપમાં ઊપડી ગયો. હું તો રસ્તા ઉપર આમ તેમ ખૂબ રખડયો પણ અંદર શી રીતે જાઉં ? કોઈએ મને ઓળખ્યા નહીં. છેવટે રખડીને મારે ઉતારે જઈને બેઠો. પછી આચાર્ય કૃપાલાની મયા. તેમણે મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે મારી પાસે તો ટિકિટ નથી. આ અમારો સ્વભાવ છે. અહીં જે કંઈ વ્યવસ્થા થઈ છે તે મારા સાથીઓની મહેનતનું પરિણામ છે. મેં તો થોડું માર્ગદર્શન કર્યું હશે. આઠ હજાર સ્વયંસેવકો અહીંં કામમાં લાગેલા છે. બે હજાર સ્વયંસેવકો સફાઈનું કામ કરે છે. એમના સેનાપતિ તથા બહેન મૃદુલા સારાભાઈની હું શી તારીફ કરું ? અહીં તમે નાની નાની છોકરીઓ પણ કામ કરતી જુઓ છો. પણ એ બધી ગુજરાતની છોકરીઓ છે. એમણે અહીંની વ્યવસ્થામાં ભારે હિસ્સો આપ્યો છે. અમારાં રસોડાંની બધી વ્યવસ્થા રવિશંકર મહારાજે કરી છે. એ ગુજરાતના મહારાજ કહેવાય છે. દરેક ચળવળ વખતે સૌથી પહેલાં જેલમાં જાય છે, અને સૌથી છેલ્લા છૂટીને આવે છે. જે જેલમાં જાય ત્યાંનો સુપરિન્ટેન્ડેન્ટ પણ રાજી થઈ જાય છે. જેલનું આખું રસોડું એમને સોંપી દે છે. આવા અમે બધા છીએ. આપ ભાઈબહેનોનો અમારે આભાર માનવાનો છે, અને માફી પણ માગવાની છે. આવા જગલમાં તમારા આરામ માટે અને તમારા સુખ માટે બધી વસ્તુઓને પ્રબંધ શી રીતે થઈ શકે ? અમે તમને ખાટલા આપીએ, તો આ અમારા પંતજી એવા છે કે એક રાતમાં ત્રણ ચાર તોડી નાખે. વળી એક દિવસ વરસાદ પડ્યો અને ધૂળની આંધી ચડી. એટલે પણ તમારી તકલીફમાં ખૂબ વધારો થયો. પણ તમે સૌએ એ તમામ તકલીફની બરદાસ કરી લીધી છે. અમારી બધી ત્રુટીઓ સામે જોયું નથી; ખૂબ પ્રેમ અને ઉદારતાથી બધું નિભાવી લીધું છે. તે માટે આપ સૌનો આભાર માનું છું. દેશનું કામ હતું તેમાં સૌએ અમને સાથ આપ્યો છે. અને ઈશ્વરની દયાથી અમારું કામ સફળ રીતે પૂરું થયું છે.”