બપોરે સુપરિન્ટેન્ડેન્ટે ઑફિસમાં બોલાવ્યો અને સાત આના રોજ પ્રમાણે ખોરાકમાં શું શું જોઈએ તે ગોઠવી, અઠવાડિયાનાં ‘રેશન્સ’ (સીધું ) નક્કી કરી દેવા અને લિસ્ટ આપવા મને કહ્યું. તે ઉપરથી મેં બધા સાથીઓની સલાહ લઈ સાંજે એને ખબર આપી કે હાલ જે ચીજો મળે છે તે પ્રમાણે દરરોજ લઈશું. અને સાત આના પ્રમાણે ગણતાં તથા જે ભાવ તમે આપ્યા છે તે જોતાં, સાડા પાંચ દિવસ સુધી ખોરાક પહોંચશે. એટલે દર અઠવાડિયે એક રવિવાર આખો અને અઠવાડિયામાં કોઈ એક દિવસ અડધો એમ અમે ઉપવાસ કરીશું. એ વાત સાંભળી એ ચમક્યો. અને મને કહ્યું કે સવારે આઈ. જી. પી.ને તમે કેમ ન કહ્યું, અને કબૂલાત શું કામ આપી ? મેં એને કહ્યું કે તારી વાત ખોટી છે. મેં કશી કબૂલત આપી જ નથી. મેં તો ખાસ કહ્યું હતું કે અમારે માથે નાખી કોઈ પણ દર મુક૨૨ કરી શકાશે નહીંં. એ ઉપરથી સુપરિન્ટેન્ડેન્ટ બીજે દિવસે સવારે કમિશનર પાસે ગયો અને બપોરે આવીને કહી ગયો કે હાલ ચાલે છે તેમ જ ચાલવા દેવાનું છે. કશો ફેરફાર કરવાનો નથી.
આજે બીજા કેટલાક કેદીએ આવ્યા.
તા. ૧૪-૪-’૩૦ સોમવાર : સવારે વહેલા ઊઠી પ્રાર્થના કરી. સાડા ચાર વાગ્યે પેલા વૉર્ડમાં જઈ ત્યાં કેમ ચાલે છે તેની તપાસ કરી. રામદાસ માંદો છે તેની ખબર કાઢી. આજે કુલ છપ્પન કેદી થયા.
તા. ૧૫-૪-’૩૦ મંગળવાર : ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના, નિત્યક્રમ. આજે બીજા પાંચ કેદી આવ્યા. આણંદથી ભીખાભાઈ, નરસિંહભાઈ અને ભગવાનદાસ આવ્યા. ભગવાનદાસના વૉરંટમાં મૅજિસ્ટ્રેટે સી કલાસ ભર્યો છે. તેને પ્રથમ તો અમારા વૉર્ડમાં મોકલ્યા. પરંતુ જમ્યા પછી એને સિપાઈ બોલાવી ગયો. અને જેલરના હુકમથી સી વૉર્ડ માં મૂકવા લઈ ગયો. એટલે મેં જેલરને ખબર મોકલાવી કે એને પાછો અમારી સાથે નહીં મોકલવામાં આવે તો અમે બધા સાંજથી ઉપવાસ શરૂ કરીશું. નહીં તો અમને બધાને ત્યાં લઈ જવા જોઈએ. તે પછી જેલરે તેને પાછા મોકલ્યો. જેલર મળવા આવ્યા અને ભૂલ મૅજિસ્ટ્રેટની છે તે માટે દિલગીરી બતાવીને આગળ લખાણ કરવા કહ્યું.
તા. ૧૬-૪-’૩૦ બુધવાર: સવારનો કાર્યક્રમ હંમેશ મુજબ. પછી ખેડાથી દાદુભાઈ વગેરે મળવા આવ્યા. મહાદેવ પણ મળવા આવ્યો. એને ક્લાસિફિકેશનની બધી વાત કરી. મૅજિસ્ટ્રેટે ઇરાદાપૂર્વક ભેદ પાડવાનો પ્રયત્ન કર્યો હોય એમ જણાવ્યું. મોહનલાલ પંડ્યા આવ્યા. તેમને પણ મૅજિસ્ટ્રેટે સી કલાસમાં મૂક્યા છે તેની મહાદેવને ખબર આપી. કલકત્તા અને કરાંચીમાં હુલ્લડ થયાના અને જેરામદાસને ગોળી વાગ્યાના સમાચાર ‘ટાઇમ્સ’માં વાંચ્યા.
તા. ૧૭-૪-’૩૦ ગુરુવાર : હંમેશ મુજબ. જેરામદાસની જિંદગી જોખમમાં નથી અને ગોળી નીકળી ગઈ છે એ જાણી બધાને આનંદ થયો.
તા. ૧૮-૪-’૩૦ શુક્રવાર: હંમેશ મુજબ,
તા. ૧૯-૪-’શનિવાર : હંમેશ મુજબ. જેલમાં બીજું સામાન્ય. કેદીઓમાં અસંતોષ હોય એમ લાગ્યું. એક આગેવાન કેદી તરફથી સંદેશ મળ્યો કે તેઓ