પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૭
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન

સ્વીકારી લીધી છે, અને તે સુધારી લેવાની કબૂલાત આપી છે. વધારેમાં વધારે ગંભીર આક્ષેપો બિનપાયાદાર ઠર્યો છે તેથી અને નાની ભૂલો તરત સુધારી લેવાનું વચન આપવામાં આવ્યું છે તેથી, અમે આશા રાખીએ છીએ કે લોકોની ટીકાઓ હવે બંધ થઈ જશે અને કૉંગ્રેસની પરંપરા ટકાવી રાખવા તેઓ શક્તિમાન છે એવું બતાવી આપવાની તક પ્રધાનોને આપવામાં આવશે.”

ઉપર પ્રમાણે સમાધાન થયા પછી બધું થાળે પડી જશે એવી આશા સેવવામાં આવેલી. પણ એ આશા સફળ થઈ નહીં. થોડી જ વારમાં પાર્લમેન્ટરી કમિટીના ચેરમૈન તરીકે સરદાર ઉપર ફરિયાદો આવવા માંડી કે ડૉ. ખરે સમાધાનીની શરતોનું પાલન કરતા નથી. સરદારે ડૉ. ખરેને વિનંતી કરી કે અંદર અંદર સમજીને બધું ચલાવો અને કંઈ ભારે મતભેદ હોય તો કૉંગ્રેસની કારોબારી પાસે લાવો.

પરંતુ મતભેદો વધારે ને વધારે ઉગ્ર બનતા ગયા અને ૧૩મી જુલાઈ એ છાપાંમાં રિપોર્ટ આવ્યા કે શ્રી ગોળે અને શ્રી દેશમુખ એ બે પ્રધાનોએ રાજીનામાં આપ્યાં છે. ૧૫મી જુલાઈ એ ડૉ. ખરેએ સરદારને પંચમઢીના સમાધાનનું પાલન કરવા પોતે શું શું કરી રહ્યા છે તે બાબતનો રિપોર્ટ મોકલ્યો. તેમણે વિશેષમાં એ પણ જણાવ્યું કે અમારી વચ્ચે એટલા મતભેદો છે કે અમારું કામ એકરાગે ચાલતું નથી, પણ તેની સાથે સાથે જ તેમણે ખાતરી આપી કે પોતે કશું ઉતાવળું પગલું નહીં ભરે અને છેવટનો નિર્ણય કરવાનું સરદાર ઉપર છોડશે. પણ એ કાગળમાં પોતાના બે સાથીઓએ રાજીનામાં આપ્યાં છે. એ વાત તેમણે સરદારને જણાવી નહીં.

કૉંગ્રેસ કારોબારી સમિતિની મીટિંગ વર્ધામાં તા. ૨૩મી જુલાઈ એ મળવાની હતી. ડૉ. ખરે તરફથી સરદારને ખાતરી મળેલી હોવાથી તેઓ એવા વિશ્વાસમાં રહ્યા છે કારોબારી સમિતિ મળે તે અગાઉ પાર્લમેન્ટરી કમિટી મળીને એમના જે કાંઈ કાઠીરગડા હશે તેનો વિચાર કરી લેશે. તા. ૧૯મી જુલાઈએ ડૉ. ખરેએ પોતાના સાથીઓને જણાવ્યું કે તેઓ મુખ્ય પ્રધાનપદનું રાજીનામું આપવા ઈચ્છે છે. મુખ્ય પ્રધાન રાજીનામું આપે તો પાલમેન્ટરી રૂઢિ પ્રમાણે બીજા પ્રધાનોએ પણ રાજીનામાં આપી દેવાં જોઈ એ માટે તમારે પણ મારી સાથે રાજીનામાં આપી દેવાં જોઈશે. તા. ૨૦મીએ શ્રી રવિશંકર શુકલ, શ્રી મિશ્ર તથા શ્રી મહેતા, એ ત્રણે પ્રધાનોએ અલગ અલગ કાગળ લખીને ડૉ. ખરેને જણાવ્યું કે પાર્લમેન્ટરી કમિટી અથવા તો કારોબારી સમિતિ તરફથી અમને સૂચના ન મળે ત્યાં સુધી અમે રાજીનામું આપવાના નથી. તે દિવસે બપોરે ડૉ. ખરેએ ગવર્નરને પોતાનું રાજીનામું આપ્યું. તેમની સાથે બીજા બે પ્રધાન શ્રી ગોળેએ તથા