પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૯
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન


નવા પ્રધાનો શ્રી દેશમુખ, શ્રી ગોળે અને ઠાકુર પ્યારેલાલ આવી પહોંચ્યા. વિદર્ભ તથા મહાકોશલ પ્રાંતિક સમિતિના પ્રમુખો પણ ત્યાં હતા, એ બધાની રૂબરૂ વાતો થઈ. વાતચીતમાં જણાયું કે ડૉ. ખરેએ તો તા. ૧૭મીએ મુદ્દામ માણસ મોકલીને ઠાકુર પ્યારેલાલસિંગને તેઓ નવા પ્રધાનમંડળમાં આવશે કે કેમ એ પુછાવ્યું હતું. આ ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે તા. ૧૫મીએ સરદારને નિશ્ચિંત રહેવાનું લખ્યા છતાં ત્યાર પછી તરત જ તેઓ નવું પ્રધાનમંડળ રચવાની બાજી ગોઠવવા લાગી ગયા હતા. તા. ૧૮મીએ ઠાકુર પ્યારેલાલસિંગનો હાનો જવાબ આવી ગયા એટલે ડૉ. ખરે તા. ૧૯મીએ ગવર્નરના સેક્રેટરીને મળ્યા અને તેમને પોતાની બધી યોજના જણાવી. આ બધું તેમણે પોતાના સાથીઓને, પ્રાંતિક સમિતિના પ્રમુખોને, તેમ જ પાર્લમેન્ટરી કમિટીને કશું જણાવ્યા વિના કર્યું હતું. વધારે અનુચિત તો એ હતું કે તા. રરમીએ સવારે જ્યારે ઠાકુર પ્યારેલાલસિંગે સોગંદ લીધા તે વખતે અમુક કાગળ સરદાર વલ્લભભાઈ લખેલો છે એવું કહીને તેમાંથી એક ફકરો તેમને વાંચી બતાવ્યો જેથી ઠાકુર પ્યારેલાલસિંગને એવો ભાસ પડે કે આ નવા પ્રધાનમંડળમાં જોડાવા માં તેઓ કોઈ ભૂલ કરતા નથી. આ ફકરામાં એવું લખેલું હતું કે તમારે પક્ષના નેતા જેમ કહે તેમ કરવું. પણ આ કાગળ સરદારે ડૉ. ખરે અથવા તો કોઈ પ્રધાન ઉપર લખેલ ન હતો પણ એક મ્યુનિસિપલ બોર્ડમાં ઝધડો પડેલો ત્યારે મે માસમાં તેના એક સભ્યને લખેલો હતો.

આ બધી વાતો ડો. ખરે અને તેમના નવા સાથીઓની રૂબરૂ થયા પછી ડૉ. ખરેને કહેવામાં આવ્યું કે તમારાં કૃત્યો તમે જે પદ ધરાવો છો તેને શોભે એવાં નથી. તેમને અને તેમના નવા સાથીઓને એ પણ કહેવામાં આવ્યું કે તમે ભૂલ કરી છે એમ તમને લાગતું હોય તો તમારે એ ભૂલ સુધારી લેવી જોઈએ. અંદર અંદર વિચાર કરવા માટે તેઓ બીજા ઓરડામાં ગયા. બહાર આવીને ડૉ. ખરેએ પોતાની ભૂલ કબૂલ કરી અને રાજીનામું આપી દેવાની તૈયારી બતાવી. તેમના નવા સાથીઓ પણ રાજીનામું આપવા કબૂલ થયા. નાગપુર જઈ તા. ૨૩મીએ તેમણે ગવર્નરને રાજીનામાં મોકલી આપ્યાં અને તેની પાર્લામેન્ટરી કમિટીને ખબર આપી.

તા. ર૩મીએ ડૉ. ખરેને કારોબારી સમિતિની બેઠકમાં બોલાવવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે પક્ષના નેતાના રાજીનામાનો વિચાર કરવા અને નવા નેતાને ચુંટવા માટે તમારે ધારાસભા પક્ષની ખાસ બેઠક બોલાવવી જોઈએ. તા. ૨૭મીએ બેઠક બોલાવવાનું નક્કી થયું. તે જ વખતે ડૉ. ખરેએ પક્ષના નેતા તરીકે ઉમેદવારી કરવાનો પોતાનો ઈરાદો જણાવ્યો. કૉંગ્રેસના