પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૦
સરદાર વલ્લભભાઈ


પ્રમુખે તથા કારોબારી સમિતિના સભ્યોએ તેમને સલાહ આપી કે ફરી નેતા થવું એ તમારે માટે શોભાસ્પદ નથી. છતાં ડૉ. ખરે પોતાના વિચારમાં મક્કમ રહ્યા, કારોબારી સમિતિએ ફરી તેમને તા. રપમીએ બોલાવ્યા અને ફરી એ જ સલાહ આપી. પણ પોતાનો નિશ્ચય કાયમ છે, એવું ડૉ. ખરેએ જણાવ્યું ત્યારે સેવાગ્રામ જઈ ગાંધીજીને પૂછવાની તેમને સલાહ આપવામાં આવી. કેંગ્રેસના પ્રમુખ તથા કારોબારી સમિતિના કેટલાક સભ્યો સાથે તેઓ સેવાગ્રામ ગયા. ખૂબ ચર્ચા થયા પછી ઉમેદવારી ન કરવાના વિચાર તરફ તેઓ વળ્યા હોય એમ જણાયું, અને એ મતલબના કાગળનો તેમણે મુસદ્દો કર્યો. ગાંધીજીએ તેમાં સુધારાવધારા કર્યા. પણ એ તેમને ગળે ન ઊતર્યા હોય એમ જણાયું, એટલે ગાંધીજીએ સલાહ આપી કે ઉતાવળે કશું પગલું ભરવાની જરૂર નથી, ઘેર જઈ આના ઉપર વિચાર કરો. તમારા મિત્રોની પણ સલાહ લેજો અને આવતી કાલે ત્રણ વાગ્યે કારોબારી સમિતિને તમારો છેવટનો નિર્ણય જણાવજો.

તા. ૨૬મીએ બપોરે ત્રણ વાગ્યે ડો. ખરેએ નાગપુરથી ફોન કર્યો કે મને એ મુસદ્દા પ્રમાણે કાગળ લખવાનો પસંદ નથી અને મારો જવાબ હું છ વાગ્યાની ગાડીમાં માણસ સાથે મોકલી આપું છું. કારોબારી સમિતિએ સાત વાગ્યા સુધી એમના જવાબની રાહ જોઈ પણ જવાબ ન આવ્યો એટલે નીચેનો ઠરાવ પસાર કર્યો :

"પાર્લમેન્ટરી કમિટીની બધી હકીકત સાંભળ્યા પછી અને પંચમઢીમાં તેમની તથા પ્રાંતની ત્રણે પ્રાંતિક સમિતિના પ્રમુખો સમક્ષ પ્રધાનો વચ્ચે થયેલા સમાધાન પછી જે બનાવો બન્યા છે તેના ઉપર કારોબારી સમિતિએ કાળજીપૂર્વક વિચાર કર્યો છે. ડૉ. ખરે સાથે પણ અનેક વાર વાતચીત કરી છે. એ બધા ઉપરથી કારોબારી સમિતિ બહુ દિલગીરી સાથે એવા નિર્ણચ ઉપર આવી છે કે ડૉ. ખરેએ પોતાનાં કૃત્યોથી અને છેવટે તેમણે (ગવર્નરને) આપેલા રાજીનામાથી તથા પોતાના સાથીઓ પાસે કરેલી રાજીનામાંની માગણીથી ગંભીર વિવેક દોષ કર્યો છે. તેમનાં કૃત્યોને લીધે મધ્ય પ્રાંતમાં કૉગ્રેસ હાંસીપાત્ર બની છે અને તેની પ્રતિષ્ઠાને ભારે ધક્કો પહોંચ્યો છે. ડૉ. ખરેને ઉતાવળે કંઈ પગલું ન ભરવાની સૂચના અપાઈ હતી, તે છતાં તેમણે આ કામ કર્યું છે તેથી એમણે ગંભીર શિસ્તભંગનો દોષ કર્યો છે.

“કૉંગ્રેસે પ્રધાનપદને સ્વીકાર કર્યો ત્યાર પછી પહેલી જ વાર, ડૉ. ખરેના રાજીનામાથી, ગવર્નરને પોતાની ખાસ સત્તા વાપરવાની અને ત્રણ પ્રધાનોને બરતરફ કરવાની તક મળી છે. આ ત્રણ પ્રધાનોએ, જ્યારે ગવર્નરે તેમની પાસે રાજીનામાં માગ્યાં ત્યારે પાલમેન્ટરી કમિટીની સૂચના વિના રાજીનામાં આપવાની ના પાડીને કૉગ્રેસ પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે, એની આ કારોબારી સમિતિ સંતોષપૂર્વક નોંધ લે છે.