પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
સાબરમતી જેલમાં


બધા ખોરાક છોડી હડતાલ પાડવા માગે છે. મેં તેમને કારણ પુછાવ્યું અને દુ:ખ કે ફરિયાદ હોય તો પ્રથમ મને જણાવો એમ કહેવડાવ્યું. ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડના પ્રમુખ મોતીલાલ અને મૅજિસ્ટ્રેટ ઈસાની મળવા આવ્યા.

તા. ૨૦-૪-’૩૦ રવિવાર: હંમેશ મુજબ. આજે સવારે ડાહ્યાભાઈ દેરાસરી અને કાદરી આવ્યા. પેલા કેદીઓએ સવારથી જ હડતાલ પાડી ખાવાનું બંધ કર્યું અને બૂમ પાડવાની શરૂ કરી. ‘ગાંધીજીકી જે’ પોકારવા લાગ્યા. સુપરિન્ટેન્ડેન્ટ ગુસ્સે થયો અને ગભરાયેલો લાગ્યો. કલેક્ટર કમિશનરને બોલાવી લાવ્યો. તેઓ આવી ગયા પણ કઈ ઠેકાણું પડ્યું નહી, આખો દિવસ અને રાત કેદીઓએ બૂમ પાડ્યા જ કરી. અમારામાંથી જુવાન વર્ગના કેટલાક સવારથી જ કેદીઓની બૂમો સાંભળી ઉશ્કેરાયા. તેમની સાથે સહાનુભૂતિ બતાવવાની ખાતર ઉપવાસ કરવાની સૂચના આવી. મેં ના પાડી ત્યારે ગુસ્સે થયા. છતાં હું મક્કમ રહ્યો. બપોરના મણિલાલે તેમને સમજાવ્યા. સાંજે પ્રાર્થના પછી મેં પણ તેમને ખૂબ સમજાવ્યા. છતાં તેમના મોં ઉપર રોષ માલૂમ પડતો હતો.

તા. ૨૧-૪-’૩૦ સોમવાર: હંમેશ મુજબ. આજે ડાહ્યાભાઈ, યશોદા, હરિભાઈ, સુમિત્રા, જિતુ મળવા આવ્યાં. બપોરના ખબર મળી કે કેદીઓ હુલ્લડ કરી બેઠા છે, તેની જવાબદારી અમારા ઉપર નાખવામાં આવી છે. જેલ સુપરિન્ટેન્ડેન્ટ, કલેક્ટર, કમિશનર વગેરે એમ માની બેઠા છે કે અમારે લીધે જ આ તોફાન થાય છે. તેથી અમને અહીંથી બદલવા એવો વિચાર ચાલી રહ્યો છે. આજે કેદીઓના વર્ગીકરણ વિષેના નિયમ છાપામાં આવ્યા તે વાંચ્યા, અસલ નિયમોમાં ફેરફાર કરેલ હોય અને તે ઇરાદાપૂર્વક કરેલ હોય તેમ જણાયું. એનું શું પરિણામ આવશે તે તો હવે પછી જ જણાય. પણ સૌને સી કલાસમાં જવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી. ડૉક્ટર આજે વજન કરી ગયા. ૧૪૩ થયું. ગઈ વખતે કરેલું ત્યારે પણ એટલું જ હતું. જેલમાં આવ્યા તે દિવસે ૧૪૬ થયેલું તેનું કારણ ઇસ્પિતાલના કાંટામાં અને બીજા ખરા કાંટામાં ત્રણ રતલનો ફેર છે. એટલે પ્રથમથી જ વજન ૧૪૩ હતું તે કાયમ રહ્યું છે.

તા. ૨૨-૪-’૩૦ મંગળવાર : નિયમ મુજબ. આજે જેલના કેદીઓએ ઉપવાસ છોડ્યા. પણ કામ પર જવા ના પાડી બેઠા છે. બપોરે માવળંકર અને ગજ્જર મળવા આવ્યા. કેટલાક કાગળ ઉપર મારી સહીઓ લેવાની હતી તે લઈ ગયા.

ઉપરની તારીખ સુધીની જ ડાયરી લખેલી છે.

આ ડાયરીમાં બધા કેદીઓના એક વર્ગીકરણની તથા સંયુક્ત રસોડાની જે વાત છે તે વ્યવસ્થા લાંબી ચાલી નહીં. મહિનો પૂરો થતાં સુધીમાં તો કેદીઓની સંખ્યા બહુ વધી ગઈ. ઉપરના વર્ણનમાં તો જેલ એક રાજકીય પરિષદના ઉતારા જેવી લાગે છે. પણ સંખ્યા વધતાંની સાથે અમલદાર એ ચલાવી લેવા તૈયાર ન જણાયા. તેમણે જુદા જુદા વર્ગોના કેદીઓ એકબીજાને ન મળી શકે, અને તેમનું ‘સંયુક્ત રસોડું’ ન ચાલે એવા બંદોબસ્ત કર્યો. સરદારે કહ્યું કે અમને બધાને જ ક વર્ગમાં મૂકો. અને અમે બધા