પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૫
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન

અમને જાહેર કરતાં આનંદ થાય છે કે મતભેદ સંધાઈ ગયા છે અને પ્રધાનોએ અમને ખાતરી આપી છે કે તેઓ પોતાના મતભેદો ભૂલી જઈ એકબીજા સાથે સહકારથી એક ટુકડી તરીકે કામ કરશે.'

"પહેલી જૂને મને લખેલા કાગળમાં ડૉ. ખરે કહે છે કે,

“ 'તમે છાપાંજોગું જે નિવેદન બહાર પાડ્ંયુ છે તે મેં જોયું છે. એની વિરુદ્ધ મારે કશું કહેવાનું નથી. થયેલા સમાધાનનો ન્યાયી અને તટસ્થ સાર તેમાં આવી જાય છે.”

“ સામાન્ય રીતે આખા પ્રાંત માટે અને ખાસ કરીને પ્રધાનમંડળ માટે મેં જે કંઈ કર્યું હતું તે બાબત તેમણે એ કાગળના અંત ભાગમાં મારો આભાર માન્યો છે.

"તેમનાં આ બધાં કથનો જોતાં પંચમઢીનું સમાધાન કૉંગ્રેસ ઉચ્ચાધિકારીઓએ તેમના ઉપર ઠોકી બેસાડ્યું એમ કહેવું એ અસાધારણ સાહસનો એક નમૂનો છે.

“ ડૉ. ખરે એવો આક્ષેપ કરે છે કે વડા પ્રધાનપદેથી એમને દુર કરવા માટે એક રીતસરનું કાવતરું યોજાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે મારી ઉપરના કાગળોમાં ડૉ. ખરેએ કોઈ દિવસ આવી ફરિયાદ કરી નથી. વળી પંચમઢીના સમાધાનનો અમલ કરવાને માટે તેમણે જે જે પગલાં લીધાં હતાં તેનો રિપોર્ટ તા. ૧પમી જુલાઈએ તેમણે મને મોકલ્યો તેમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ નથી. પંચમઢીના સમાધાનને આધારે જ ડૉ. ખરે વડા પ્રધાન તરીકે ચાલુ રહ્યા હતા, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાની પાર્લમેન્ટરી કમિટીની તથા ડૉ. ખરેના સાથીઓની ઇચ્છા ન હતી.

"તા. ૧૫મી જુલાઈએ મને મોકલેલા રિપોર્ટમાં ડૉ. ખરે પોતે જ કહે છે કે,

“ 'અત્યારના સંજોગોમાં દફતરની ફરી વહેંચણી કરવાનું કામ તમને સોંપ્યા સિવાય મારી પાસે બીજો વિકલ્પ નથી. સામાન્ય રીતે પ્રધાનમંડળનું અને વિશેષ કરીને મુખ્ય પ્રધાનનું કામ સરળ રીતે ચાલે એ બાબત મારા અમુક ચોક્કસ વિચારો છે. મારી આપને નમ્ર વિનંતી છે કે આપ નિર્ણય કરો તે પહેલાં એ વિચારો આપની આગળ રજું કરવાની મને તક આપશો.”

"ડૉ. ખરેના મનની અત્યારની સ્થિતિ જોતાં તેમને વિષે મને બહુ સહાનુભૂતિ થાય છે. પણ હું ઇચ્છું છું કે હુકીકતો રજૂ કરવા વિષે તેઓ વધારે કાળજી રાખતા થાય.”

વર્તમાનપત્રોમાં તો દરરોજ આ વિષય ઉપર ચર્ચા ચાલ્યા જ કરતી હતી. મહારાષ્ટ્રના બધા જૂના નેતાઓની સહાનુભૂતિ ડૉ. ખરે માટે ઊભરાઈ જતી હતી. ડૉ. આંબેડકર, ડૉ. મુંજે, શ્રી નરીમાન વગેરેને કૉંગ્રેસ ઉપર હુમલા કરવાની સરસ તક મળી ગઈ હતી. એંગ્લોઈન્ડિયન છાપાંઓએ બંધારણીય પ્રશ્નો ઉઠાવીને કોંગ્રેસની કારોબારી સમિતિ બંધારણ વિરુદ્ધ વર્તે