પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
સરદાર વલ્લભભાઈ


ક વર્ગનો ખોરાક લઈશું. પછી તમને શું વાંધો છે ? જેલ અમલદાર કહેવા લાગ્યા કે એ અમારાથી ન બની શકે. અમે તો અ વર્ગના કેદીઓને બ વર્ગનો ખોરાક અને ક વર્ગના કેદીઓને ક વર્ગને ખોરાક આપવા બંધાયેલા છીએ. એટલે સરદારે અને બધા રાજદ્વારી કેદીઓએ ઉપવાસ આદર્યા. ક વર્ગના કેદીઓને તો મળવાનું બંધ કરવામાં આવ્યું જ હતું. જોકે તેઓ પણ ઉપવાસ ઉપર તો ઊતર્યા હતા. સરદાર અને ઉપલા વર્ગના કેદીઓના અલગ રસોડામાં રોજ સીધું આવીને પડી રહેતું. આમ બોતેર કલાકના ઉપવાસ થયા પછી કલેક્ટર તથા ઉત્તર વિભાગના કમિશનર જેલ ઉપર ગયા. તેમને સરદારે કહ્યું, આ તે કેવો ન્યાય છે ? અમે વધારે નહીં પણ ઓછું માગીએ છીએ. અને તે ઓછું મેળવવા અમારે ઉપવાસ કરવા પડે છે ! જેલ અધિકારીઓના આગ્રહનું બેહૂદાપણું કમિશનર સમજી ગયો. તેણે સૂચના આપી કે ઉપલા વર્ગના કેદીને ક વર્ગને ખોરાક લેવો હોય તો તે લેવાની છૂટ આપવી. પરંતુ જુદા જુદા વર્ગના કેદીઓને મળવાનું તો તેણે બંધ જ કર્યું. એને અંગે આગળ ઉપર કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે છ મહિના ઉપરની સજાવાળા ઉપલા વર્ગના સઘળા કેદીઓને બીજી જેલમાં ખસેડવામાં આવ્યા. પોતાના સાથીઓથી છૂટા પડતાં સરદારની આંખ ભીની થઈ. રવિશંકર મહારાજ, પંડ્યાજી વગેરેને કહ્યું, જ્યાં જાઓ ત્યાં આપણી આબરૂ બરાબર સાચવજો અને સાથે આપણા જે ભાઈઓ હોય તેમની બરાબર સંભાળ રાખજો.

કેદીઓના વર્ગીકરણને અંગે સાબરમતી જેલમાં જે ઝઘડો થયો તેવો જ પંજાબમાં ગુજરાતની સેન્ટ્રલ જેલમાં ભાઈ દેવદાસ ગાંધીએ ઉપાડ્યો હતો. એ જેલમાં કેવળ અ અને બ વર્ગના કેદીઓને જ રાખ્યા હતા. તેમણે ક વર્ગનો ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. પણ ક વર્ગના તમામ કેદીઓને ખોરાકમાં થોડું ઘી, દૂધ તથા લોટ વગેરે ચોખ્ખાં મળે, ઉપરાંત બહાર ખુલ્લામાં સૂવાની રજા મળે, જેલનું સોંપેલું કામ પૂરું કર્યા પછી વાંચવાલખવાની તથા બધા રાજકારી કેદીઓને હળવા મળવાની છૂટ રહે એવી માગણી કરી હતી. તેઓ સરદાર સાથે પત્રવ્યવહાર કરતા તેમાં તેમણે જે સાંકેતિક શબ્દો યોજ્યા હતા તે રમૂજની ખાતર અહીં આપ્યા છે : ક વર્ગના કેદી પ્રત્યેના વર્તન માટે Health શબ્દ યોજ્યો હતો અને Hunger Strike માટે Dr. Ansari's Treatment યોજ્યો હતો. My health is not good. I therefore propose to begin Dr. Ansari's treatment on such and such a date. એટલે કે અહીં અમારા પ્રત્યે વર્તન સારું નથી.