પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૩
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન

ખર્ચ કર્યું હોય તો તે વત્તા ચાર ટકા લેખે વ્યાજ તેને આપવામાં આવે. તે જમીનમાંથી તેણે કંઈ નફો કર્યો હોય, અથવા તો જમીનને નુકસાન પહોંચાડ્યું હોય તો તે ઠરાવવાની કિંમતમાંથી કાપી લેવામાં આવે. અને આવી રીતે ગણતરી કરતાં જે આંકડા આવે તે ઉપર વળતર તરીકે પંદર ટકા સુધી વધારો આપવાની લવાદને સત્તા આપવામાં આવી હતી. આમ બધી રીતે જોતાં ખરીદનારને ઠીક વળતર મળી રહેતું હતું. છતાં આ કાયદા ઉપર કૉંગ્રેસ વિરોધી વર્તમાનપત્રોએ ઠીક ઠીક ટીકા કરવા માંડી. એક ટીકા એ હતી કે આ મિલકતો સરકારી ખરચે પાછી લઈ કર ભરનારા ઉપર શા માટે તેનો બોજો નાખવો જોઈએ ? કૉંગ્રેસે ખેડૂતોને વચન આપ્યાં હતાં તો કૉંગ્રેસ પોતાના ફંડમાંથી ખેડૂતોને જમીન પાછી લઈ આપે. બીજી ટીકા એ હતી કે ખરીદનારાઓને કાયદાના બધા વિધિ જાહેર રીતે કરીને માલકી હક સોંપવામાં આવ્યો હતો. તે વખતે કૉંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા લોકોનો રોષ તેમને સહન કરવો પડ્યો હતો. અને તેમાં કંઈ નુકસાન કરી બેસે તો તેનું જોખમ પણ ખેડવું પડ્યું હતું. એટલે કૉંગ્રેસ સરકાર કાયદા કરીને મિલકત પાછી લઈ લે છે તે કાયદેસર માલિક પાસેથી મિલકત ઝુંટવી લેવા બરાબર છે. ગાંધીજીએ ૩૦મી ઓકટોબર, ૧૯૩૮ના ‘હરિજનબંધુ’માં ‘જપ્ત જમીનો’ નામનો લેખ લખી આ ટીકાઓના રદિયા આપ્યા. એ લેખમાં તેઓ જણાવે છે કે,

“ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ અનુસાર આવો નિર્દોષ અને જરૂરી રાહતનો કાયદો કરવાની સત્તા પ્રાંતિક સરકારને ન હોય તો એ કાયદો ટીકાકારોએ વર્ણવ્યો છે તેના કરતાં પણ વધારે ખરાબ ગણાય, પણ હું માનું છું કે પ્રાંતિક સરકારોને આ કાયદો પસાર કરવાની સત્તા છે. મુંબઈની ધારાસભામાં પસાર થયેલો કાયદો તો ન્યાય કરતાં પણ આગળ જાય છે. કહેવાતા માલિકોએ જેટલી રકમ જમીનોમાં રોકી હોય તે ઉપરાંત વ્યાજ અને વળતરની રકમ આપવાની વ્યવસ્થા કરનારી કલમને લીધે આ કાયદો સંપૂર્ણ ન્યાયી અને ઉદાર બને છે. આ જમીનોની બાબતમાં સાબિત કરી શકાય એવી હકીકતો એ છે કે તે સરકારની સાથે મળી જઈને ખરીદવામાં આવી હતી. એ જમીનો લોકોમાં ત્રાસ વર્તાવવાના હેતુથી વેચવામાં આવી હતી. એ સરકારની દમનનીતિનો એક ભાગ હતો. અને કેટલીક જગ્યાએ તો જમીનો પાણીના મૂલે વેચી નાખવામાં આવી હતી. એ ત્રાસ વર્તાવનાર સરકારની જગ્યાએ જ્યારે તેનો ભોગ થઈ પડનાર લોકો સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે આવી ગેરવાજબી રીતે ખરીદાયેલી જમીનો જપ્ત કરી દેવાને બદલે ખરીદનારાઓને વળતર આપ્યું એમાં તેમની ઉદારતા જ ગણાવી જોઈએ. પ્રજાએ જાણવું જોઈએ કે, આ જમીનો તે વખતની સરકારે પહેલાં ખાલસા કરેલી અને તે ખાલસા થવાથી ખેડૂતો નમ્યા નહીં ત્યારે એ જમીનો વેચી દેવાનું અઘટિત સાધન અખત્યાર કરવામાં આવેલું. પણ કેટલીક