પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪
સરદાર વલ્લભભાઈ
જમીનો વેચ્યા પછી સરકારને જ પોતાના અન્યાયનો ડર લાગી ગયો. એટલે તેણે વધારે જમીનો વેચવાનું બંધ કર્યું. આ દુઃખદ ભૂતકાળ ઉપર પડદો પાડવાનું હું વધારે પસંદ કરું છું. મેં એ સહેજ ઊંચક્યો છે તે વાચકોને એટલું જણાવવા માટે કે મુંબઈ સરકારે કશો અન્યાય કર્યો નથી.”

આ પ્રકરણની શરૂઆતમાં આપણે કહી ગયા છીએ કે કુલ છ પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો રચાયાં. પંજાબ અને બંગાળમાં મુસ્લિમ લીગની ચોખ્ખી બહુમતી હતી એટલે ત્યાં લીગવાદી પ્રધાનમંડળો રચાયાં. પણ સરહદ પ્રાંત, સિંધ અને આસામ એ ત્રણ પ્રાંતો એવા હતા કે જ્યાં કોઈ પણ એક સંગઠિત પક્ષ બહુમતીમાં ન હતો. સરહદ પ્રાંતમાં મુસલમાનોની બહુ મોટી બહુમતી હતી, પણ એ મુસલમાનોમાં બધા લીગવાદી ન હતા. એટલે ત્યાં ખાન અબદુલ ગફાર ખાનના ભાઈ ડૉ. ખાનસાહેબે કેટલાક બીજા પક્ષોને પોતાના ટેકામાં લઈ કૉંગ્રેસી પ્રધાનમંડળ રચ્યું. પણ એ પ્રાંતની સ્થિતિ એવી વિષમ હતી કે, બીજાં કૉંગ્રેસી પ્રધાનમંડળોની માફક તેઓ વિશેષ કામ કરી શક્યા નહીં.

આસામમાં હિંદુઓ અને મુસલમાનો ઉપરાંત પહાડી વસ્તીની મોટી સંખ્યા છે. તે ઉપરાંત ત્યાંના ચાના બગીચાવાળા અંગ્રેજોને ધારાસભામાં ખાસ બેઠકો આપવામાં આવી હતી. છેલ્લી ચૂંટણીમાં બિનમુસ્લિમ બેઠકોમાં કૉંગ્રેસે સારી સફળતા મેળવી હતી. પણ એકલી કૉંગ્રેસની ત્યાં બહુમતી થતી ન હતી. બીજા પક્ષના બધા સભ્યો જો ભેગા થઈ જાય તો, કૉંગ્રેસ લઘુમતીમાં આવી પડતી હતી. એટલે ત્યાં કૉંગ્રેસે પ્રધાનમંડળ રચવાનું યોગ્ય ન ધાર્યું અને બિનકૉંગ્રેસી પ્રધાનમંડળ રચાયું. પણ એ પ્રધાનમંડળ પોતાના પક્ષમાં બહુમતી ઝાઝો વખત ટકાવી શક્યું નહીં. કૉંગ્રેસ પક્ષની એવી સ્થિતિ હતી કે, જો એ થોડાક બિનકૉંગ્રેસીઓનો સાથ મેળવી શકે, તો પ્રધાનમંડળ રચી શકે. એટલે ત્યાંના કૉંગ્રેસી આગેવાનોએ પાર્લમેન્ટરી કમિટી અને કૉંગ્રેસના પ્રમુખનો અભિપ્રાય પુછાવ્યો. પાર્લમેન્ટરી કમિટીના ત્રણ સભ્યોમાંથી મૌલાના આઝાદને એ પ્રાંતની દેખરેખની જવાબદારી સોંપાયેલી હતી. તેમનો અભિપ્રાય એવો હતો કે, જ્યાં આપણી ચોખ્ખી બહુમતી ન હોય ત્યાં પ્રધાનમંડળ રચવાં એ ડહાપણભરેલું નથી. પણ કૉંગ્રેસના પ્રમુખ સુભાષબાબુનો એવો અભિપ્રાય થયો કે એક વાર કૉંગ્રેસ હોદ્દા લેશે, એટલે તેની શક્તિ વધી જશે, અને જે લોકો અલગ રહ્યા છે, તે પણ કૉંગ્રેસની સાથે આવી જશે. આમ બેના મત એક ન થયા એટલે તેમણે પાર્લમેન્ટરી કમિટીના બીજા બે સભ્યો સરદાર અને રાજેન્દ્રબાબુના અભિપ્રાય તારથી પુછાવ્યા. રાજેન્દ્રબાબુને અભિપ્રાય પ્રધાનપદ ન લેવાના થયો. પણ સરદારે પ્રધાનપદ લેવાની તરફેણમાં