પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૮
સરદાર વલ્લભભાઈ

રાજ્યોના પ્રતિનિધિઓને રાખવાનો હતો. બ્રિટિશ હિંંદના પ્રતિનિધિઓ પ્રજાના ચૂંટેલા હોય અને દેશી રાજ્યના પ્રતિનિધિઓ રાજાઓના નીમેલા હોય એવી વ્યવસ્થા તેમાં હતી. આ એક ભારે વિસંગતતા હતી અને તે દેશી રાજ્યોની પ્રજાને બહુ જ ખૂંચતી હતી. તેમને એમ લાગતું હતું કે જો અમારે ત્યાં જવાબદાર રાજ્યતંત્ર સ્થપાય તો જ અમે અમારા પ્રતિનિધિઓ વડી ધારાસભામાં મોકલી શકીએ. બ્રિટિશ સરકાર રાજાઓને પોતાની પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપતાં કાયદેસર તો રોકી શકે એમ નહોતું. પણ તેમ થાય તે એ ઈચ્છતી નહોતી. તે તો પોતાના રેસિડેન્ટો મારરત દેશી રાજાઓને પૂરેપૂરા પાતાના કાબૂમાં રાખવા ઈચ્છતી હતી, અને દેશી રાજાઓના પ્રતિનિધિ તરીકે રેસિડેન્ટોને પસંદ પડે એવા જ માણસોને વડી ધારાસભામાં લાવવા ઈચ્છતી હતી. આ સભ્યો અને ચૂંટાયેલા સભ્યોમાંથી કેટલાક પ્રગતિવિરોધી વૃત્તિવાળા હોય તો, એમ મળીને રાષ્ટ્રવાદીઓની વિરુદ્ધ એક પક્ષ ઊભો કરવાનો તેને ઇરાદો હતો. કૉંગ્રેસનો આ જાતની વ્યવસ્થા સામે ભારે વિરોધ હતો. તેથી હરિપુરા કૉંગ્રેસમાં સંમૂહતંત્ર (ફેડરેશન)ની બાબતમાં તેણે પોતાની નીતિની સ્પષ્ટતા કરતો ઠરાવ કર્યો. તેમાં મુખ્ય વાત એ હતી કે,

“કૉંગ્રેસે તો નવા બંધારણનો ઇન્કાર કર્યો છે અને જાહેર કર્યું છે કે અમારા લોકોને તો એવું જ બંધારણ માન્ય છે કે જે પૂર્ણ સ્વતંત્રતાના સિદ્ધાંત ઉપર રચાયેલું હોય અને પરદેશી સત્તાની દખલગીરી વિના લોકોએ પોતે પોતાની વિધાનસભા ( કૉન્સ્ટિટ્યુઅન્ટ ઍસેમ્બ્લી) મારફત બનાવેલું હોય.”

સમૂહ તંત્ર વિષે એ જ ઠરાવમાં હરિપુરા કૉંગ્રેસે જાહેર કર્યું હતું કે,

“કૉંગ્રેસ સમૂહ તંત્રના વિચારની વિરુદ્ધ નથી, પણ ખરું સમૂહતંત્ર તો લગભગ એકસરખી સ્વતંત્રતા ભોગવતાં અને લોકતંત્રની પદ્ધતિએ ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રતિનિધિત્વ ધરાવતાં ઘટકોનું હોઈ શકે. દેશી રાજ્યો જો સમૂહતંત્રમાં ભળવા માગતા હોય તો એમણે જવાબદાર રાજ્યતંત્ર, નાગરિક હક્કો તથા ધારાસભામાં પ્રતિનિધિ મોકલવાની પદ્ધતિ, એ બધી બાબતોમાં બ્રિટિશ હિંદના પ્રાંતોની હરોળમાં આવવું જોઈએ. અત્યારે એવું સમૂહતંત્ર કલ્પાયેલું છે તે તો હિંદુસ્તાનમાં એકતા સ્થાપવાને બદલે, ભાગલા પાડવાની વૃત્તિને ઉત્તેજન આપશે અને દેશી રાજ્યોમાં અંદરના તેમ જ બહારના બખેડા ઊભા કરશે.”

આ સમૂહતંત્રને કારણે દેશી રાજ્યના કાર્યકર્તાઓ બહુ સચિંત રહેતા. પોતાને ત્યાં જવાબદાર રાજ્યતંત્ર બને તેટલું વહેલું સ્થપાય તે માટે તેઓ લડત ચલાવવા ઉત્સુક હતા અને એમાં તેઓ કૉંગ્રેસની મદદ ચાહતા. પણ કૉંગ્રેસે પોતાની મર્યાદા વિચારીને તથા મુખ્યત્વે તો દેશી રાજ્યની પ્રજાએ પોતે જ સંગઠિત થવું જોઈએ અને પોતાના બળ ઉપર ઝૂઝવું જોઈએ એ વિચારથી હરિપુરા કૉંગ્રેસમાં ઉપર કહ્યા પ્રમાણેનો ઠરાવ કર્યો.