પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧


સરદાર દેશી રાજ્યોમાંની, ખાસ કરીને ગુજરાતનાં દેશી રાજ્યોમાંની પરિસ્થિતિ અને તેની પ્રજાની તાકાતથી સારી પેઠે વાકેફ હતા. દેશી રાજ્યો સાથે તેની પ્રજાની લડતમાં કૉંગ્રેસને સંસ્થા તરીકે ન સંડોવવી એવો તેમનો ખાસ આગ્રહ હતો. એ હરિપુરા કૉંગ્રેસના દેશી રાજ્યો વિષેના ઠરાવ ઉપરના તેમના ભાષણમાં આપણે જોઈ ગયા છીએ. છતાં દેશી રાજ્યની પ્રજાને કોઈ ચોક્કસ મુદ્દા ઉપરની લડતોમાં દોરી તેમની શક્તિ વધારવામાં વ્યકિતગત રીતે મદદ તેમણે જ વધારેમાં વધારે કરી છે. તેમનું એવું માનવું હતું કે અમારે રાજા જ ન જોઈએ એવી આખરી લડત ઉપાડવાની દેશી રાજ્યની પ્રજામાં હજી શક્તિ આવી નથી. પણ અમુક આર્થિક દુઃખો દૂર કરાવવાના અથવા રાજકીય છૂટો મેળવવાના મર્યાદિત મુદ્દા ઉપર પ્રજા લડત ઉપાડે તો એવી લડતથી પ્રજામાં જાગૃતિ આવે. પ્રજા સંગઠિત થાય અને તેની લડવાની શક્તિ પણ કેળવાય. વળી એવી લડતમાં જીત મળે એટલે પ્રજાનો ઉત્સાહ પણ વધે. આમ ક્રમે ક્રમે પ્રજાની શક્તિ વધે તેમ રાજાના છત્ર નીચે જવાબદાર રાજ્યતંત્ર સુધી તે જવા માગતા હતા.

દેશી રાજ્યની પ્રજાના ગરમ અને ઉતાવળિયા વિચારના કાર્યકર્તાઓને ગાંધીજીની સલાહથી અને સરદારની આ નીતિથી પૂરો સંતોષ ન હતો. પણ જેઓ ઠરેલ વિચારના હતા અને ધીમે ધીમે પણ મક્કમ પગલે આગળ વધવામાં માનતા હતા, તેમને આ નીતિ જ અખત્યાર કરવા જેવી લાગી. એટલે હરિપુરા કૉંગ્રેસના ઠરાવ પછી ઘણાંખરાં દેશી રાજ્યોમાં રાજાના છત્ર નીચે પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનું ધ્યેય રાખીને પ્રજામંડળો અથવા સ્ટેટ કૉંગ્રેસો સ્થાપવામાં આવી. આ સંસ્થાઓમાં પેલા ઉદ્દામ વિચારવાળા વર્ગને લીધે કોઈ કોઈ વાર આંતરિક ઘર્ષણો થતાં, છતાં એકંદરે ગાંધીજી અને સરદારની દોરવણી નીચે આ સંસ્થાઓનું કામ ઠીક આગળ ચાલ્યું.

૧૯૩૮ તથા ૧૯૩૯માં વર્ષો દેશી રાજ્યોના ઇતિહાસમાં ભારે મહત્ત્વનાં ગણાશે. આ અરસામાં ઉત્તરમાં કાશ્મીરથી માંડીને દક્ષિણમાં ત્રાવણકોર, સુધીનાં અને પૂર્વમાં ઓરિસાથી માંડી પશ્ચિમમાં કાઠિયાવાડ સુધીનાં અનેક દેશી રાજ્યોની પ્રજામાં અપૂર્વ જાગૃતિ આવી અને નાનામોટા મુદા ઉપર તેમણે પોતાના રાજાઓ સાથે બહાદુરીપૂર્વક લડતો ઉપાડી. ઉત્તરમાં કાશ્મીર તથા નાભા રાજ્યમાં તથા રાજસ્થાનમાં અલવર, ઉદેપુર તથા જયપુર રાજ્યોમાં પ્રજાએ સારી લડત આપી. જયપુરમાં તો આગેવાન કૉંગ્રેસી નેતા શેઠ જમનાલાલ બજાજ ત્યાના પ્રજામંડળના પ્રમુખ હતા. ત્યાંનો દીવાન એક અંગ્રેજ હતો. પ્રજાના હકો વિષે અને જવાબદાર રાજ્યતંત્ર વિષે પોતાના રાજ્યમાં જરા પણ ચળવળ ચાલે એ તે ઈચ્છતો ન હતો. એટલે જયપુર