પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧


“દેશી રાજ્યોની બાબતમાં વચ્ચે નહી પડવાની કૉંગ્રેસની નીતિમાં, જ્યારે ત્યાંના લોકો જાગ્રત થયેલા નહોતા ત્યારે, સંપૂર્ણ રાજદ્વારી ડહાપણ રહેલું હતું. પણ હવે જ્યારે ત્યાંના લોકોમાં ચોમેર જાગૃતિ આવી ગઈ છે અને એ લોકો પોતાના વાજબી હક્કો માટે ગમે તેટલાં કષ્ટો આવી પડે તે સહન કરવાને માટે તૈયાર થયેલા છે, તે વખતે એ નીતિને વળગી રહેવામાં ભીરુતા છે. આ વસ્તુ તમે સ્વીકારો તો આઝાદીની લડત ગમે ત્યાં ઉઠાવવામાં આવે એની સાથે આખા હિંદને નિસ્બત છે જ. જ્યાં જ્યાં કૉંગ્રેસને લાગે કે તેના વચ્ચે પડવાથી પ્રજાને લાભ થાય એમ છે ત્યાં ત્યાં કૉંગ્રેસે વચ્ચે પડવું જ જોઈએ.”

એકાદ રજવાડાના પ્રશ્નને ખાતર કૉંગ્રેસે અગર તો જાદા જુદા પ્રાંતનાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ સરકાર સાથે ઘર્ષણમાં આવવું કેટલે સુધી વાજબી લેખાય એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ કહ્યું :

“ધારો કે બ્રિટિશ હિંદના એકાદ જિલ્લાનો કલેક્ટર ત્યાંના લોકોને રેંસી નાખતો હોય તો તેમાં કૉંગ્રેસ વચ્ચે પડે અને તેને દેશવ્યાપી પ્રશ્ન બનાવે એ વાજબી લેખાય કે નહીં ? આનો જવાબ જો હા હોય તો જયપુર રાજ્યમાં કૉંગ્રેસની દરમ્યાનગીરીનો વિચાર કરવામાં એ જ ન્યાય લાગુ પડે છે. જો કૉંગ્રેસે દેશી રાજ્યમાં વચ્ચે ન પડવાનો ઠરાવ કરેલો ન હોત તો તો આ પ્રશ્ન ઊઠત જ નહીંં. બંધારણની દૃષ્ટિએ દેશી રાજ્યો એ પરદેશી મુલકો જેવાં છે એવું કહેવા માટે ઉતાવળિયો લોકોએ ઘણી વાર મારો દોષ કાઢ્યો છે. પણ હું એ દોષ મુદ્દલ સ્વીકારતો નથી. હું તો દેશી રાજ્યોમાં પણ ભ્રમણ કરનારો રહ્યો, એટલે એ લોકોની તૈયારી કેટલી છે તે જાણતો હતો. પણ હવે એ લોકો તૈયાર થઈ ગયા છે એટલે કાયદાની, બંધારણની, અને બીજી એવી કૃત્રિમ મર્યાદાઓનો લોપ થાય છે. બંધારણ, કાયદો અને એવી બીજી વસ્તુઓ પોતપોતાની હદમાં ઠીક છે. પણ એક વાર એ કૃત્રિમ બંધનો તોડી વછોડીને માણસનું મન ઊંચે ઊડવા માંડે છે કે તરત જ એ વસ્તુ માનવી પ્રગતિને રૂંધનારી થઈ પડે છે. આજે હું એ પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. કોઈની પણ પ્રેરણા વિના હું જોઈ રહ્યો છું કે આજે જે રીતે કૉંગ્રેસે દરમ્યાનગીરી કરવા માંડી તેવી દરમ્યાનગીરી કરવાનો તેનો ધર્મ થઈ પડ્યો છે. અને કૉંગ્રેસ જે જાતની નૈતિક શક્તિ આજે ધરાવે છે તે ધરાવવાનું તે ચાલુ રાખશે એટલે કે અહિંસાની પોતાની નીતિને તે વળગી રહેશે તો દેશી રાજ્યોમાં વચ્ચે પડવાની તેની શક્તિ ક્રમે ક્રમે વધશે.
“લોકો કહે છે કે મારા વિચારો બદલાચા છે, આજે હું જે કહું છું તે કેટલાંક વર્ષ પહેલાં કહેતો તે કરતાં જુદું જ છે. ખરી વસ્તુ એ છે કે પરિસ્થિતિ બદલાઈ છે. હું તો એનો એ જ છું. મારાં વચનો તથા મારાં કૃત્યો વર્તમાન પરિસ્થિતિને અનુસરનારાં હોય છે. રફતે રફતે પરિસ્થિતિમાં ફેરફાર થયો છે અને સત્યાગ્રહી તરીકે તેની અસર મારી ઉપર પડી.”

આ સલાહને અનુસરી ત્રિપુરીની કૉંગ્રેસે ૧૯૩૮ના માર્ચમાં ઠરાવ કરીને દેશી રાજ્યો વિષેની પોતાની નીતિમાં ફેરફાર કર્યો. પોતાના ઠરાવમાં તેણે કહ્યું :