પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૪
સરદાર વલ્લભભાઈ

સગાંવહાલાં રડતાં કકળતાં એ નદીના પટમાં જ ઘણા વખત સુધી પડ્યાં રહ્યાં. મૈસૂર સરકાર તરફથી ગમે તેવો બચાવ કરવામાં આવે તો પણ આ હત્યાકાંડ એટલો ત્રાસજનક હતો કે આખો દેશ ખળભળી ઊઠ્યો. મૈસૂર સરકારે ત્રણ જજોની એક તપાસ સમિતિ મારફતે આ ઘટનાની તપાસ કરવાનું જાહેર કર્યું. ગાંધીજીએ તા. ર૯મી એપ્રિલે ઘટના વિષે એક નિવેદન બહાર પાડયું. તેમાંનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે :

“ મૈસૂર સરકારે બહાર પાડેલું નિવેદન મેં વાંચ્યું છે. એ મને ગળે ઊતર્યું નથી. મૈસૂરના લોકસેવકો તરફથી અનેક દર્દભર્યા પત્રો અને તારો મારી પાસે આવ્યા છે. તેમાંથી એકબે વાતો તો નિર્વિવાદ જણાય છે. હથિયાર વગરનાં ટોળાં ઉપર ગોળીબાર કરવામાં આવ્યો અને પરિણામે કેટલાંક મરણ પામ્યાં અને અનેક ધાયલ થયાં. જો કે લોકો તરફથી મને જે માહિતી મળી છે, તે તો મૈસૂર સરકારના નિવેદનથી તદ્દન ઊલટી છે. છતાં માનો કે લોકો ઉશ્કેરાયેલા હતા, તોપણ ગોળીબાર કરવો જરૂરી હતો એમ હરગિજ કહી શકાય એમ નથી. મૈસૂર સરકારને એ સૂચના કરવાની છે કે તેઓ ભલેને ગમે તેટલી નિષ્પક્ષ પણ કેવળ તપાસ સમિતિ નીમીને સંતોષ ન માને. મૈસૂરમાં રાષ્ટ્રીય વાવટા વિષે જે આંદોલન ચાલે છે તે તો સમયના પ્રતીકરૂપ છે. એ બાબતમાં પ્રજાની માગણીને તેણે માન આપવું જ જોઈએ.

“ મૈસૂરમાં સાચે જ આટલી ભારે લોકજાગૃતિ આવેલી છે એ હું જાણતો ન હતો એમ મારે કબૂલ કરવું જોઈએ. તેથી મને હર્ષ થાય છે અને એવી જ રીતે મૈસુર સરકારને પણ થતો હશે એવી હું આશા રાખું છું. તેના ઉપાય તરીકે મહારાજા અને તેમના દીવાન સર મિરઝાં ઇસ્માઈલને મારી સૂચના છે કે તેમણે એકહથ્થુ રાજતંત્રની પદ્ધતિ દુર કરી રાજ્યનાં સંચાલનની જવાબદારી લોકપ્રતિનિધિઓને સોંપવી. જો મૈસૂરમાં શાન્તિ સ્થાપવી હોય તો એ જવાબદારી જેટલી બને તેટલી વિશાળ હોવી જોઈએ. એમ કહેવામાં આવે છે કે રાજ્ય પછાત હોવાથી જવાબદારી ધીરે ધીરે સોપવામાં આવશે. હું એ માન્યતા ધરાવતો નથી. ધીરે ધીરેની વાત કરવામાં રાજ્યની શોભા નથી. મૈસુર પાસે તો કેટલીચ કુદરતી બક્ષિસો હોઈ બ્રિટિશ હિંદ કરતાં ત્યાં ઘણી વધારે પ્રગતિ થઈ શકે એમ છે.”

આ નિવેદન બહાર પાડ્યા પછી ગાંધીએ સરદારને અને કૉંગ્રેસના પ્રધાન મંત્રી શ્રી કૃપાલાનીજીને આ ઘટનાની જાતે તપાસ કરવા તથા મહારાજા, દીવાન તેમ સ્ટેટ કૉંગ્રેસના આગેવાનોને મળી લોકોને ન્યાય અપાવવા જે કાંઈ થઈ શકે તે કરવા મૈસૂર મોકલ્યા.

દરમ્યાન સરદારના સાંભળવામાં આવ્યું કે ગાંધીજી પોતે આ લડત ચલાવવા મૈસૂર જવાના છે. એવી અફવા છાપાંઓએ ચલાવી છે. એટલે તેમણે તા. ૩૦મી એપ્રિલે નીચેનું નિવેદન બહાર પાડ્યું :

“ આજ સવારના છાપામાં ગાંધીજીનું કહેવામાં આવતું એક નિવેદન મેં જોયું. તેમાં એવું જણાવ્યું છે કે તેઓ હિંદુસ્તાનમાં જ્યાં હશે ત્યાંથી આ લડતની