પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧

પહોંચાડી દેવામાં આવ્યા. દરબાર વીરાવાળાએ એની વિરુદ્ધ પેંતરા રચવા માંડ્યા. સનાતનીઓ પાસે, મુસલમાનો પાસે, ગરાસિયાઓ પાસે અને છેવટે ખેડૂતો પાસે પણ ગાંધીજી અને સરદારને તાર કરાવ્યા કે અમારા રાજ્યમાં શાંતિ છે અને પરિષદ ભરવાની કશી જરૂર નથી. સરદારને બીજા તારોનું તો આશ્ચર્ય ન થયું પણ ગામડાના ખેડૂતોને નામે થયેલ તાર જોઈ ને એમને આશ્ચર્ય થયું. એમણે ઢેબરભાઈને તાર કરીને પુછાવ્યું કે આ શું છે ? ઢેબરભાઈ એ જણાવ્યું કે આ બધું તો તરકટ છે. તાર ઉપર સહી કરનારામાંથી પણ ઘણા ફરી ગયા છે અને કહે છે કે અમને ખોટું ખોટું સમજાવીને અમારી સહીઓ લીધી છે. છેવટે નક્કી કરેલી તારીખે પરિષદ થઈ અને સરદારે તેમાં હાજરી આપી. પરિષદમાં જવાબદાર રાજતંત્રનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો. જવાબદાર રાજતંત્રની સમજણ આપતાં સરદારે કહ્યું :

“તમે જાણો છો કે હરિપુરા કૉંગ્રેસે દેશી રાજ્યોને પોતાના પગ ઉપર ઊભા રહેવાનો આદેશ આપ્યો છે. પગભર થતાં શીખવાનો સિદ્ધાંત જગજાહેર છે. જેમ પડોશી મરે અને આપણે સ્વર્ગમાં ન જઈ શકીએ એવું જ સ્વતંત્રતાનું છે. સ્વતંત્રતા જો આપણે જોઈતી હોય તો આપણે આપણા પગ ઉપર ઊભા રહેવું જોઈએ.

“ એક કાળ એ પણ હતો કે આપણી માગણીઓ હળવી હતી. આજે આપણી તાકાત વધી છે. એટલે આપણે નક્કર માગણીઓ કરી રહ્યા છીએ. આજની સભા તો તમારે જવાબદાર રાજતંત્ર જોઈએ છે એટલા માટેની છે. આપણે રાજાને પદભ્રષ્ટ કરવા ઇચ્છતા નથી. આપણે એની સત્તા ઉપર મર્યાદા મૂકવા માગીએ છીએ. ભવાઈની પાછળ, ગાનારીએાનાં નખરાં પાછળ, અને વેશ્યાઓના નાચ પાછળ રાજા જો લખલૂટ ખર્ચ કરે અને ખેડૂતો ભૂખે મરે તો તેવું રાજ્ય ટકે નહીં. એટલે રાજાના ખર્ચ ઉપર મર્યાદા મૂકવાની માગણી પ્રજા કરે તેમાં કશી નવાઈ નથી. હું તો અહીંચાં એ તપાસ કરવા આવ્યો છું કે પ્રજા ખરેખર શું ઇચ્છે છે ? મેં જોયું છે કે પ્રજા રાજતંત્રમાં પલટો ઇચ્છે છે. તંત્રમાં જવાબદારી સંભાળવા જેટલી પ્રજા લાચક નથી એમ કોણ કહે છે ? જે કહેતા હોય તેણે દિલને પૂછવું જોઈએ કે આપણી પોતાની લાયકાત કેટલી છે ? પહેલાં બ્રિટિશ હિંદમાં પણ એમ જ કહેવાતું કે પ્રજા તૈયાર નથી. પણ પ્રજાએ માથાં ફોડાવ્યાં અને આજે માથાં ફોડાવનારાઓ જ પ્રધાન થઈને બેઠા છે. રાજકોટની પ્રજા એવી ઉમેદ ન રાખે કે, કૉંગ્રેસના બળથી એમને સત્તા મળી જશે. એ માટે તો એમણે જ ભોગ આપવા તૈયાર થવું પડશે. તમારો જો નિશ્ચય હશે તો કોઈ તમારી પ્રગતિ રોકી નહીં શકે. બધા રાજાઓ ભેગા થશે તોપણ તેઓ કશું કરી શકશે નહીં.”

દરબાર વીરાવાળાએ તે જ દિવસે સરદારને ચા માટે પોતાને બંગલે બોલાવ્યા. સારી પેઠે વાતો થઈ. મુલાકાત પછી સરદારે દરબાર વીરાવાળાને કાગળ લખ્યો. તેમાં જણાવ્યું કે,