પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૪
સરદાર વલ્લભભાઈ

“મારા આવવાથી રાજા અને પ્રજા વચ્ચે જે તંગદિલી ચાલતી હતી તે ઓછી થઈ છે તેથી હું રાજી થયો છું. તમારા મનમાં પણ એવો ભચ હતો કે મારા રાજકોટ આવવાથી લોકો એટલા બહેકી જશે કે તેમાંથી હિંસા ફાટી નીકળશે. પણ તમે જુઓ છે કે એવું કશું થયું નથી. લોકોના ઉત્સાહ ઉપરથી તમારી ખાતરી થઈ હશે કે આવાં બળોને બરાબર અંકુશમાં ન રાખવામાં આવે તો તે ખોટે રસ્તે ચઢી જાય છે, અને તેનાં પરિણામ રાજા તેમ જ પ્રજા બંનેને માટે ભયરૂપ નીવડે છે. પણ રાજા તેમ જ પ્રજાની વચ્ચે શાંતિ સ્થપાય અને સદૂભાવ વધે એ જાતના મારા પ્રયત્નની તમે કદર કરો છો, એ જાણીને હું બહુ રાજી થયો છે. લોકોમાં રાજ્યની સામે જે અસંતોષ વ્યાપ્યો છે, તેનાં મૂળ કારણ શોધી કાઢી રાજ્યે શું શું કરવું જોઈએ એ વિશે મારી સૂચનાઓ તમે માગી હતી, તે હું મોકલી આપું છું.

"રાજ્યના મિત્ર તરીકે મારી સલાહ એવી છે કે નીચેના ફેરફાર રાજ્યે વિના વિલંબે કરવા જોઈએ :

૧. રાજ્યે તરતમાં જ એક જાહેરનામું બહાર પાડીને લોકોને જણાવવું કે ઠાકોરસાહેબનો ઇરાદો પોતાના રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવાનો છે. પછી ઠાકોરસાહેબે રાજ્ય તથા પ્રજા બંનેને માન્ય હોય એવા તેના પ્રતિનિધિઓની એક કમિટી નીમવી. છેલ્ંલા પગલા તરીકે બને તેટલા વહેલા જવાબદાર રાજ્યતંત્ર તરફ લઈ જાય એવા સુધારાની યોજના એ કમિટી ઘડી કાઢે.
૨. રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર દાખલ કરવાના ઇરાદા વિષે લોકોને શ્રદ્ધા પડે અને અત્યારનો અવિશ્વાસ દૂર થાય એટલા માટે નીચેનાં કાર્યો તાત્કાલિક કરવામાં આવે :

(ક) પ્રતિનિધિ સભાની ચૂંટણી તાબડતોબ જાહેર કરવી.
(ખ) રાજ્યની આવકના અમુક પ્રમાણમાં દરબારી ખર્ચની ૨કમ નક્કી કરવી અને તેનો વધારેમાં વધારે આંકડો જાહેર કરવો.
(ગ) ખેડૂતો ઉપર જમીન મહેસૂલનો બોજો બહુ ભારે છે, માટે અત્યારના દરમાં ૧૫ ટકા જેટલો ઘટાડો કરવો.
(ધ) અત્યારે ચાલતા તમામ ઇજારા રદ કરવા.

"ઉપરની સૂચના વિશે તમારા હજૂર સેક્રેટરી શ્રી તલકસીભાઈ તથા રાજ્યના આગેવાન કાર્યકર્તાઓ સાથે મેં ચર્ચા કરી લીધી છે. રાજ્યના બીજા કેટલાક મિત્રો જેઓ સ્વતંત્ર વિચાર ધરાવે છે અને જેઓ તટસ્થ છે, તેમની સાથે પણ મે વાત કરી લીધી છે. હું આપને એટલું ન જણાવી દઉંં તો મારી ફરજમાં ચૂક્યો ગણાઉં કે આ માગણીઓ ઓછામાં ઓછી છે. રાજ્ય સદ્દભાવપૂર્વક એનો સ્વીકાર નહીં કરે તો બહુ તીવ્ર લડત પછી તો તેણે તે માગણીઓ સ્વીકારવી જ પડશે. એવી લડત ઊપડશે તો રાજ્ય પોતાની પ્રતિષ્ઠા ખોઈ બેસશે, રાજ્યની આવકને બહુ નુકસાન થશે, અને રાજા અને પ્રજા વચ્ચેના સારા સંબંધ હંમેશને માટે તૂટી જશે.