પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૬
સરદાર વલ્લભભાઈ


દિવસની સજા કરવામાં આવી. રાજ્ય તરફથી સભા તથા સરઘસબંધીના હુકમ કાઢવામાં આવ્યા. ઈજારાઓનો અને આ હુકમનો ભંગ કરી લોકોએ જેલ ભરવા માંડી. ચળવળ ગામડાંમાં પહોંચી. તા. ૧લી ઓકટોબરે રાજકોટથી વીસેક માઈલ દૂરના હલેન્ડા ગામે લોકોએ કૂચ કરી ગામડાંને જગાડ્યાં. શહેરની ચળવળને તો વહેલીમોડી દાબી શકાશે પણ ગામડાંના ખેડૂતો જાગશે તો રાજ્યને ભારે પડશે એમ કૅંડલસાહેબ માનતા હતા. તે માટે સામ, દામ, દંડ, ભેદ એ બધા ઉપાયો અજમાવવાનો તેમણે વિચાર રાખ્યો. તેમણે ગામડાંમાં ફરવા માંડ્યું અને લોકોને સમજાવવા માંડયું કે આ ચળવળયાઓની વાત માનવાને બદલે તમારાં જે દુ:ખ હોય તે મને સીધી અરજી કરીને જણાવશો તો હું તે દૂર કરીશ.

તા. ૧લી ઓક્ટોબરે તેમણે ઠાકોર સાહેબ ઉપર એક કાગળ લખ્યો. તે ઉપરથી ઠાકોર સાહેબની અને રાજ્યની દુર્દશા તે વખતે કેવી હતી એનો ખ્યાલ આવે છે. કૅંડલસાહેબે ઠાકોર સાહેબને લખ્યું કે,

“ કાલે રાત્રે આઠ વાગ્યા પહેલાં મેં આપને રાજ્ચના બહુ અગત્યના કામસર મળવાની માગણી કરેલી. એથી મોડું થાચ એ મને અનુકૂળ ન હતું. છતાં આપે સાડા આઠનો વખત આપ્યો. તે વખતે હું આવ્યો ત્યારે મને જણાવવામાં આવ્યું કે બાપુ સ્નાન કરે છે. નવ વાગ્યા સુધી મેં રાહ જોઈ, ત્યારે મને કહેવામાં આવ્યું કે હજી અર્ધોએક કલાક લાગશે, એટલે હું ચાલ્યો ગયો. મેં આવા ભારે અસભ્ય વર્તનની આશા નહોતી રાખી. ઇંગ્લંડથી તમને મદદ કરવા હું અહીં આવ્યો છું, પણ તમારા ઢંગ તો જુદા જ દેખું છું. આ સ્થિતિ વધુ વખત ચાલી શકે એવી નથી. રાજ્યમાં બધું અંધેર ચાલે છે. રાજ્યની સામે જે ફરિયાદો છે તે તમારા પોતાના વર્તનને કારણે જ છે. રાજ્યની આવકનો બહુ મોટો ભાગ તો તમે જ રાજાને ન શોભે એવે માર્ગે ખર્ચી નાખો છો. રાજ્યના વહીવટમાં તમે કશો ભાગ લેતા નથી. પ્રજાના કલ્યાણનો પણ કશો વિચાર કરતા નથી. તમારા પિતાશ્રી જે રીતે રાજ્ય ચલાવતા તે કરતાં તમારું વર્તન એટલું બધું જુદું છે કે તે નજરે તરી આવ્યા વિના રહેતું નથી. તમે કશું જ કામ કરતા નથી. દમનકારી ઉપાયના અપજશનો બધો બોજો તમારા અમલદારોને વહોરવો પડે એ વાજબી નથી. તમારે દરરોજ દરબારમાં આવીને બેસવું જોઈએ અને લોકોની અરજીઓ સાંભળવી જોઈએ. આજે તહેવારનો દિવસ (માતાની આઠમ) છે. એટલે સાંજે સાડા પાંચ વાગ્યે તમારે શહેરમાં ફરવા નીકળવું જોઈએ. આપની ઇચ્છા હશે તો હું પણ સાથે નીકળીશ.”

ઠાકોરસાહેબને તો આ કાગળ વાંચવાની ફુરસદ નહીં હોય પણ દરબાર વીરાવાળાએ તા. રજીએ આનો જવાબ લખાવ્યો કે,

"અત્યારની ચળવળ એ તો કૉંગ્રેસવાળાઓએ દેશી રાજ્યમાં જવાબદાર રાજતંત્ર મળવું જોઈએ એવી જે હવા ચલાવી છે તેનું પરિણામ છે. પણ તમે મને જે