પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૦
સરદાર વલ્લભભાઈ

“ આપ જાણો છો કે મારા જૂના દીવાન દરબાર વીરાવાળાની તબિયત સારી રહેતી નથી, એટલે મેં મારી દેખરેખ નીચે કામ કરવા માટે એક કાઉન્સિલ નીમવાનો વિચાર કર્યો છે."

તે જ દિવસે ઠાકોરસાહેબે દીવાન સર પેટ્રિકને કાગળ લખ્યો, તેમાં જણાવ્યું કે,

"મારા લોકોને લાગે છે અને તેમને એવું મનાવવામાં આવ્યું છે કે તમને અહીં સરકારે મોકલ્યા છે. તેથી લોકોમાં હું જે માન ભોગવતો તે ગુમાવી બેઠો છું. વળી દિવાળીની રજાઓ નજીક આવે છે. તે પહેલાં બધા ઇજારા આપી દેવા જોઈએ. પરંતુ લોકોએ બહિષ્કાર કર્યો છે. લોકોએ તો રાજ્યના દાણાના વેચાણના પણ બહિષ્કાર કર્યો છે. આનો અર્થ એ થાય છે કે રાજ્યની આર્થિક પાયમાલી થવા બેઠી છે, અને રાજ્ય ઉપર ભારે આફત આવી પડી છે. રાજા તરીકે રાજયનું તેમ જ રૈયતનું હિત વિચારીને કોઈ પણ ભોગે આ આફતમાંથી મારે રાજ્યને ઉગારી લેવું જોઈએ. તે માટે મારી ફરજ છે કે પ્રથમ તો એ કે ખરા અને પ્રજાહિતચિંતક રાજા તરીકે મારું સ્થાન લોકોમાં મારે સ્થાપિત કરવું જોઈએ. હું એમ કરી શકું તો જ લોકોને ભરોસો પડે અને તેમની સાથે હું સમાધાન કરી શકું અને તેમનો પ્રેમ તથા વિશ્વાસ સંપાદન કરી શકું. તમારા પહેલી ઓક્ટોબરના કાગળ ઉપરથી જણાય છે કે તમે રાજ્યમાં ચાલતાં તોફાનોનું મૂળ કારણ મને જ માનો છો. તમારા એ આક્ષેપનો મેં ઇન્કાર કર્યો છે. પણ હું જોઉં છું કે મારું માન અને મોભો સાચવીને તમારી સાથે હું લાંબો વખત નિભાવી શકીશ નહીંં. એટલે તમારે અહીંથી શી રીતે જવું તે વિચાર કરવાનું તમારા ઉપર છોડુ છે. જેમ મિત્ર તરીકે તમે આવ્યા તેમ મિત્ર તરીકે જ વિદાય થાઓ એ જોવાને હું બહુ જ ઇંતેજાર છે. તમને છ માસની મુદત માટે નોકરી ઉપર રાખવામાં આવ્યા છે. એટલે રાજ્યના તિજોરી અમલદારને હું જણાવી દઉં છું કે એ પ્રમાણે તમારો પગાર ચૂકવી દે, રેવન્યુ સેક્રેટરીને પણ ખબર આપું છું કે બને તેટલો વહેલો તમારી પાસેથી ચાર્જ સંભાળી લે.”

ઉપરનો કાગળ મળતાં જ બીજે દિવસે રેસિડેન્ટ મિ. ગિબ્સને ઠાકોરસાહેબને મળવા બોલાવ્યા અને જણાવ્યું કે તમે જે પગલું ભરવા માગો છે તેથી રાજ્યને અને તમને નુકસાન થશે. પણ ઠાકોરસાહેબે રેસિડેન્ટની વાત માની નહી. એટલે તાજના પ્રતિનિધેિ નામદાર વાઈસરૉયના પોલિટિકલ સેક્રેઝરીને ઠાકોરસાહેબનો કાગળ તેણે મોકલી આપ્યો. તા. ૨૨મી ઑકટોબરે એનો ધાર્યા મુજબ જવાબ આવ્યો કે રાજ્યના અને ઠાકોર સાહેબના હિત ખાતર ઠાકેારસાહેબે પોતાનો વિચાર ફેરવવો. રેસિડેન્ટે ઠાકોરસાહેબને આ સમાચાર આપ્યા એટલે એમના તો હાંજા જ ગગડી ગયા અને કૅંડલને દીવાન તરીકે કાયમ રાખવાની તેમણે કબૂલાત આપી અને તેના હાથ નીચે પોતાના બે અમલદારોને નીમી ત્રણ જણાની કાઉન્સિલ બનાવવાનું કબૂલ રાખ્યું.