પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨


ગિબ્સનને વિચાર આવ્યો કે એકલા ઠાકોર સાહેબની તો આવું કશું પગલું લેવાની હિંમત ચાલે જ નહીંં. આ બધું કારસ્તાન દરબાર વીરાવાળાનું હોવું જોઈએ. એટલે તેણે દરબાર વીરાવાળાને કાગળ લખીને રાજકોટ છોડી જવાની સલાહ આપી. દરબાર વીરાવાળાએ તા. ૨૦મી ઑકટોબરે પોતે રાજકોટ છોડી જાય છે એવો રેસિડેન્ટને કાગળ લખ્યો. ગિબ્સને વીરાવાળાને લખ્યું કે,

“ તમે રાજકોટ છોડવાનો વિચાર કર્યો છે એ બહુ ડહાપણભરેલું કામ છે. તમારી તબિયત જોતાં તમારે સ્થળફેર કરવાની અને પૂરો આરામ લેવાની જરૂર છે.”

આટલી સ્પષ્ટ ચેતવણી મળ્યા છતાં તા. ર૯મી ઓકટોબર સુધી દરબાર વીરાવાળાએ રાજકોટ છોડ્યું નહીં. એટલે ગિબ્સને એને બહુ ધમકાવીને કાગળ લખ્યો. ત્યારે છેવટે દરબાર વીરાવાળા રાજકોટથી વિદાય થયા.

કૅંડલને કાઢવાનો વિચાર ચાલતો હતો તે દરમ્યાન તા. ૧૫મી ઓક્ટોબરે શ્રી ઢેબરભાઈ એમની ૧૫ દિવસની સજા પૂરી કરીને જેલમાંથી છૂટવ્યા. કૅંડલનો વિચાર કઈ પણ રીતે શ્રી ઢેબરભાઈ ને સમજાવી દરબારગઢ ઉપર ચાલતું પિકેટિંગ બંધ કરાવવાનો હતો. તે માટે શ્રી ઢેબરભાઈ સાથે રૂબરૂ મળીને તેમ જ પત્રવ્યવહાર ચલાવીને તેમણે ખૂબ પ્રયત્ન કર્યો. છેવટે તા. ર૬ મી ઑકટોબરે શ્રી ઢેબરભાઈ એ કૅંડલને લખી નાખ્યું કે અમારે માત્ર એટલું જ જોઈએ છે કે જાહેર લિલામ અથવા તો ખાનગી વાટાધાટોથી રાજ્યે ઇજારા આપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. જ્યારે જ્યારે આ જાતની ખાતરી રાજય તરફથી મને મળી છે, ત્યારે ત્યારે તમે સ્વીકાર કરશો કે દરબારગઢ ઉપરથી ચોકી ખસેડી લેવામાં મેં વિલંબ કર્યો નથી. હજી પણ તમે મને જણાવો કે તમારા ખાનગી કાગળમાં જે લખેલું છે તે અધિકારની રૂએ આપેલી ખાતરીની બરાબર છે. તો ચોકી ખસેડી લેવામાં મને વાંધો નથી. આનો જવાબ બીજે દિવસે કૅંડલ તરફથી એ મળ્યો કે તમને પૂરેપૂરી નોટિસ આપ્યા વિના ખાનગી વાટાધાટોથી કે જાહેર લિલામથી ઈજારા આપવાનો પ્રયત્ન નહીં કરવામાં આવે. એટલે રાજ્યની ઓફિસો અને દરબારગઢ ઉપરથી ચોકી ખસેડી લેવામાં આવી. કૅંડલની શ્રી ઢેબર સાથેની આ વાટાધાટો એમનું રહેવાનું નક્કી નહોતું થયું તે દરમ્યાન ચાલેલી, પણ તા. ૨૯મી ઑકટોબરે ઠાકરસાહેબે કૅંડલ અને બીજા બે અમલદારની કાઉન્સિલે નીમવાનું જાહેર કર્યું. ત્યાર પછી કેંડલે મજબૂત હાથે કામ લેવાનું શરૂ કર્યુંં. બીજી તરફથી દરબાર વીરાવાળાને જવું પડ્યું તેથી લોકોમાં પણ