પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

રાજકોટની પ્રજાના વાંસા પર અગિયાર અગિયાર લાઠીમાર વરસાવ્યા. સંખ્યાબંધ બહેનોનાં માથાં ફૂટ્યાં. સંખ્યાબંધ માણસો બેભાન બન્યાં, અનેક ઘવાયા અને લોહીની છોળો ઊડી. રાજકોટના આ રાક્ષસી રાજ્યનો પ્રજાએ સામનો કર્યો. એમાં રાજકોટની પ્રજા હારી નથી કે ડરી નથી. તેથી જ તમે એમને મુબારકબાદી આપવાને આવી જંગી સભામાં ભેગા મળ્યા છો.

“ રાજકોટમાં એક પણ માણસ રાજ્ની તરફ નથી. કેટલા દિવસ લાઠીઓ મારશે? એક દિવસ, બે દિવસ, ત્રીજે દિવસે તો રાક્ષસના હાથો ભાંગી જ જવાના છે. લાઠી મારનારને કોઈ સામો પથ્થર મારે, લાઠી મારે, ગાળ દે, તો તેની અંદર રહેલો રાક્ષસ વીફરે છે. પણ સામે થયા વિના માર સહન કરે તો તેનામાં પણ ઈશ્વરી ભાવ પેદા થાય છે. આ જ સત્યાગ્રહનું રહસ્ય છે.

"રાજકોટના આ સિતમો દ્વારા માત્ર રાજકોટનું જ નહીં પણ આખા કાઠિયાવાડનું કોકડુ ઝપાટાબંધ ઊકલી રહ્યું છે. રાજકોટના પ્રજાજનો ઉપર પડેલી સોટીઓ રાજકોટના સિંહાસન ઉપર જ પડી છે. એક દિવસ એવો આવશે કે રાજકોટનો રાજા પ્રજાને નમતો આવશે ને આંસુ સારશે. તે વૃખતે રાજકોટની બહેનો ઉપર જેણે લાટ્ઃઈઓ વીંઝાવરાવી હશે તે તો પોતાને રસ્તે પડી ગયો હશે. જ્યારે પ્રજા પાસે સત્તા આવશે ત્યારે એને રાજકોટની હદમાં દાખલ થવાનો પણ અધિકાર રહેશે નહીં. કૅંડલે એક નિવેદન બહાર પાડ્યું હતું તેનો અર્થ હું સ્પષ્ટ કરું છું. તેણે જણાવ્યું હતું કે, 'એક ગૃહસ્થ સંમત ન હતા.' તે ગૃહસ્થ તો જેલમાં બેઠા છે. કેમ કે તે એકડો હતો. બીજા બધા મીંડાં હતા. 'બહારથી દોરીસંચાર કરનાર’ એટલે હું. પણ હું એને કહું છું કે મારા વિના રાજકોટનું કોકડું કદી પણ ઊકલનાર નથી. શું શું કરવાનું છે, તે હું બતાવી આપીશ. બહારનો તો હું નથી, પણ પાંચ હજાર માઈલ દૂરથી આવેલો તે છે, જેને આખરે જવાનું છે. રાજકોટ એટલે શું ? રાજકોટમાં તો લાખાજીરાજે રાજ્ય કર્યાં છે અને કબા ગાંધીએ દીવાનપદ ભોગવ્યાં છે. એ રાજકોટમાંથી આબરૂ ગુમાવી ઘેર જવું પડશે. મૂઠી જેટલું રાજકોટ આખા હિંદને હલાવી નાખશે અને ઠાકોરની શુદ્ધિ ઠેકાણે લાવશે. હિંદના રાજાઓ સાવચેત થઈ જોય. ઉપરી સત્તાને જોરે તેઓ કૂદતા હોય તો તેઓ જાણી લે કે એ ઉપરી સત્તા વચ્ચે પડશે તો તેના પણ સાંધા ઢીલા થઈ જવાના છે.

“ રાજકોટની પ્રજાને મારી એક જ સલાહ છે કે રાજ્યના એક પણ અધિકારી સાથે, રાજ્યના એક પણ નોકર સાથે કે ખુદ રાજા સાથે કોઈ પણ જાતનો જરા પણ સંબંધ રાખશો નહીંં. દરબારગઢમાં દાવા ચાલતા હોય કે રાજ્ય સાથે બીજી કોઈ પણ લેવાદેવા હોય તો બધું અત્યારે જવા દેજો. રાજકોટમાંથી ગ્રહણ કાઢીને સ્નાન કરીને આપણે રાજકોટમાં પ્રવેશ કરીશું ત્યારે એ બધાંની પતાવટ નિરાંતે કરીશું. ખુદ રાજકોટના ઠાકોર કૅંડલને લઈને ગામની ગલીઓમાં મોટરમાં ફરવા નીકળે કે સવારીઓ કાઢે, પણ તેમને જોવા જશો નહીં. ધરનાં બારણાં બંધ કરીને બેસજો. રાજકોટની પ્રજા પાસે આ એક જ મહાન મંત્ર છે. દરબારગઢ ઉપર પિકેટિંગ કરવું પડે તેમાં રાજકોટની પ્રજાની શોભા નથી, કાઠિયાવાડીઓને મારી એક વિનંતી છે કે હમણાં ક્યાંય બીજે