પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૬
સરદાર વલ્લભભાઈ


વીરાવાળાની રેસિડેન્સીના અમલદારો આગળ કેવી સ્થિતિ હતી તે બતાવવા પૂરતો જ આ વસ્તુના ઉલ્લેખ કર્યો છે. બાકી ઠાકોરસાહેબ વીરાવાળાને પૂછ્યા વિના કશું કરી શકે એમ નહોતા. દરબાર વીરાવાળા પણ સમાધાન થાય એ માટે ઇન્તેજાર હતા અને સમાધાન કરવું હોય તો સરદાર સાથે જ થઈ શકશે એમ તેઓ માનતા હતા. તે ઉપરથી શ્રી અનંતરાય પટ્ટણી તથા દરબાર વીરાવાળા ઠાકોર સાહેબને મળ્યા. ઠાકોરસાહેબની ઈચ્છા કોઈ પણ રીતે સમાધાન કરવાની જણાઈ એટલે શ્રી અનંતરાય ગાંધીજીને મળવા વર્ધા ગયા. સમાધાન કયા ધોરણ ઉપર થાય તો પ્રજાને માન્ય થઈ શકે એ વિષેનો મુસદ્દો ગાંધીજીએ કરી આપ્યો. તે લઈને શ્રી અનંતરાય અમદાવાદમાં સરદારને મળ્યા. અને પછી રાજકોટ જઈ ઠાકરસાહેબને તથા દીવાન સર પેટ્રિક કૅંડલને તેઓ મળ્યા. ઠાકોરસાહેબને એ મુસદ્દો માન્ય હતો. તે ઉપરથી એવું નક્કી થયું કે ।ઍંડલે સરદારને મુંબઈમાં મળવું. તે પ્રમાણે શ્રી અનંતરાયે તા. ર૯મી નવેમ્બરના રોજ કૅંડલની મુલાકાત સરદાર સાથે મુંબઈમાં ગોઠવી, અને બધું લગભગ નક્કી થયું. પણ કૅંડલને તથા રેસિડેન્સીને આવું સમાધાન થાય એ ગમતું નહોતું, એટલે તા. ૯મી ડિસેમ્બરે કૅંડલની સહીથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તેમાં ૧૪૪મી કલમનો અમલ બે મહિના વધુ લંબાવવામાં આવ્યો. બીજા જાહેરનામામાં જણાવવામાં આવ્યું કે,

“ઠાકોરસાહેબે જમીનમહેસૂલમાં ઘટાડો કર્યો છે અને ઘણા ઇજારા રદ કર્યા છે. છતાં ચળવળ ચાલુ રહી છે તે જોઈને અમને દિલગીરી થાય છે. રાજ્યના વહીવટમાં પ્રજાને વધારે હિસ્સો મળે તેમ કરવા પણ તેઓ રાજી છે. અને તે માટે તેમણે કેટલાક ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. પ્રજાપ્રતિનિધિ સભા પ્રજા તરફથી ચૂંટવામાં આવશે અને રાજ્યનાં લોકહિતકારી ખાતાં એ સભાના જવાબદાર પ્રધાનને સોંપવામાં આવશે. નવી પ્રજાપ્રતિનિધિ સભા રાજા તથા પ્રજાના હિતમાં કામ કરશે. ઠાકોરસાહેબે અમલદારો અને બિનઅમલદારોની એક કમિટી નીમવાનું પણ મંજૂર કર્યું છે. તે કમિટી જમીન મહેસુલ પ્રજા ઉપર વધારે બોજારૂપ ન થાય પરંતુ રાજવહીવટના ખર્ચને પહોંચી વળવા જેટલું જ હોય એવી રીતે તેમાં ઘટાડો કરશે. રૈયત ઉપરના કરનો બોજો બ્રિટિશ હિંદ કરતાં વધારે નહીં રાખવામાં આવે. ઠાકોરસાહેબને દિલગીરી થાય છે કે ચળવળ ચાલુ રહેવાથી પ્રજાને આર્થિક નુકસાન થાય છે, અને વેપારીઓને પણ નુકસાન ભોગવવું પડે છે.”

જે ધોરણ ઉપર સમાધાન કરવાની વાત કૅંડલ સાથે થઈ હતી, તેને બદલે રાજય તરફથી ઉપરની મતલબનું જાહેરનામું નીકળ્યું એ જોઈ સરદારને બહુ નવાઈ લાગી. એટલે એના જવાબમાં તા. ૧૦મી ડિસેમ્બરના રોજ એમણે નીચે પ્રમાણે નિવેદન બહાર પાડયું :