પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૪
સરદાર વલ્લભભાઈ


તા. ર૭-૧૨-'૩૮ના રોજ એમણે સરદારનો આભાર માનતો કાગળ લખ્યા. એમાં દરબાર વીરાવાળાનો એમના ઉપર કેટલો પ્રભાવ હતો તે દેખાઈ આવે છે :

"રાજકોટ,
ર૭-૧૧-'૩૮
 

"પ્રિય વલ્લભભાઈ પટેલ,

"તમે રાજકોટ આવ્યા તે માટે હું તમારો ઘણો આભારી છું.

“ આ ઝઘડાનો અંત લાવવામાં તમે જે રીતે મને મદદ કરી તેની હું બહુ કદર કરૂં છું

“ મને લાગે છે કે અત્યાર સુધીમાં તમારા જાણવામાં આવ્યું હશે કે દીવાનસાહેબ વીરાભાઈ મને અને મારા રાજ્યને બહુ વફાદાર છે. પોતાની આખી કારકિર્દી દરમ્યાન મારી પ્રજાનું ભલું કરવા તેમણે બહુ પ્રયત્ન કર્યો છે. મારું અને મારા રાજ્યનું હિત જાળવવા માટે તેમને ઘણું વેઠવું પણ પડ્યું છે.

"હવે આપને મારી એટલી જ વિનંતી છે કે મારી પ્રજાના દિલમાં તેમને વિષે કાંઈ ગેરસમજ હોય તો તે આપ દૂર કરાવશો. એ માટે હું આપનો ઘણો આભારી થઈશ.

તમારો
ધમેન્દ્રસિંહ ”
 


આમ રાજકોટની લડતનો સુખદ અંત આવેલો દેખાય. પણ આવું સમાધાન જેમાં સરદારના એટલે કે કૉંગ્રેસનો ઉપર હાથ રહે એ રેસિડેન્ટને રુચ્યું નહીં, ગોરા દીવાનને તો ઠાકોરે રજા આપી, પણ દરબાર વીરાવાળા જે સરદાર સાથે સમાધાન કરવા ઈંતેજાર હતા તે રેસિડેન્ટની લાલ આંખ જોઈ ફરી બેઠા અને બરાબર તેના હાથા બન્યા. તેમણે રાજ પાસે વચનભંગ કરાવ્યું. રાજાના વચનનું પાલન કરાવવા ગાંધીજીએ ઉપવાસ આદર્યા. પણ એ આખી કથા અલગ પ્રકરણ માગી લે છે.


સંધિભંગ

રાજકોટ રાજ્યમાં અને કાઠિયાવાડમાં પ્રજા જ્યારે આ સમાધાનથી વિજયના આનંદ અને ઉત્સાહમાં હતી ત્યારે કાઠિયાવાડના બીજા રાજાઓના દિલમાં, પોતાની સત્તા સરી પડતી જોઈ ખળભળાટ મચી રહ્યો હતો.