પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

રેસિડેન્ટ પણ ચોંક્યા હતા. તેમણે તા. ૨૮-૧૨-'૩૮ના રોજ કાઉન્સિલના બધા સભ્યો સાથે ઠાકોર સાહેબને પોતાને ત્યાં મળવા બોલાવ્યા. ત્યાં જે વાતચીત થઈ એના અહેવાલની નોંધ સરદારે પોતાની ખાનગી વ્યવસ્થાથી મેળવી. એ નોંધમાંથી થોડા ઉતારા અંગ્રેજી 'હરિજન' તથા ગુજરાતી 'હરિજનબંધુ'માં છપાયા છે. તે રેસિડેન્ટનું માનસ બરાબર પ્રગટ કરતા હોઈ નીચે આપ્યા છે :

હાજર: નામદાર મિ. ગિબ્સન, ના. ઠાકોરસાહેબ, કાઉન્સિલના સભ્યો : સર પેટ્રિક કૅડલ, રા. સા. માણેકલાલ પટેલ, શ્રી જયંતીલાલ જોબનપુત્રા.

ના. મિ. ગિબ્સને શરૂઆત કરતાં ના. ઠાકોરસાહેબને જણાવ્યું કે તેમણે કરેલા સમાધાનથી બધા રાજાઓમાં ખળભળાટ પેદા થયો છે. વલ્લભભાઈ પટેલ રાજકોટ કેવી રીતે આવ્યા ? ના. ઠાકોરસાહેબે તેમને આમંત્રણ આપ્યું હતું કે કેમ તે મિ. ગિબ્સન જાણવા માગતા હતા.

ના. ઠાકોર: તેઓ એમની ઇચ્છાથી આવ્યા હતા, અને મને મળવા જણાવ્યું હતું. મેં તેમને ચા પીવા નોતર્યા હતા.

મિ. ગિબ્સન : વારુ, પણ એ સાવ બિનભરોસાદાર માણસ છે. તમે જાણો છો કે બહારની કોઈ દખલગીરી ન ચાલવા દેવી એવી હિંદ સરકારની ઇચ્છા છે. પટેલની સાથે સમાધાન કરીને તમે તમારા નરેન્દ્ર બંધુઓની અને સરકારની સહાનુભૂતિ ગુમાવી છે. તમને રૂચે તે કરો, તેનું હિંદ સરકારને કાંઈ નથી. પરંતુ પટેલ દ્વારા સમાધાન કરવામાં તમે ભૂલ કરી છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ મિ. પટેલ સૌથી વધુ અવિશ્વાસપાત્ર છે. છતાં જાહેરાત ઉપરથી જણાય છે તે પ્રમાણે સમાધાનની શબ્દરચના એટલી બધી ખરાબ નથી, સિવાય કે “ શક્ચ તેટલી વિશાળ સત્તાઓ' એ શબ્દો. આ શબ્દોનો ગમે તે અર્થ થઈ શકે. તેનો અર્થ એટલે સુધી પણ થાય કે તમે માત્ર નામના જ રાજા રહો. એ શબ્દોના જોર ઉપર તેઓ શરૂઆતથી જ સંપૂર્ણ જવાબદાર રાજ્યતંત્રની માગણી કરશે, અને તમે ઘણી કઢંગી સ્થિતિમાં મુકાઈ જશો.

ના. ઠાકોર : ના, મેં માત્ર સમિતિ નીમી છે.

મિ. ગિબ્સન : હા, પરંતુ સમિતિના સભ્યો કોણ નીમશે ? અને એ સમિતિનો જે હેવાલ આવશે તેનો તો તમારે અમલ કરવાનો જ છે.

ના. ઠાકોર: શ્રી વલ્લભભાઈ નામો સૂચવશે.

મિ. ગિબ્સન : એનો અર્થ જ એ કે કૉંગ્રેસના કાર્ચકર્તાઓ નિમાશે. તેઓ 'શક્ચ તેટલી વિશાળ સત્તાઓ' એ શબ્દોની રૂએ સંપૂર્ણ જવાબદાર રાજતંત્રની માગણી કરશે.

સર પેટ્રિક : મિ. પટેલ કઈ રીતે નામો સૂચવશે ? આપણે તેમને લખવાનું છે ?

ના. ઠાકોર : ના, તેઓ નામો મોકલશે.