પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨


પસંદ કરતાં અને સૂચવતાં તેમને થોડા દિવસ લાગ્યા. તા. ૪-૧-'૩૯ના રોજ નીચેનાં સાત નામો સરદારે ઠાકોર સાહેબને લખી મોકલ્યાં :

૧. શ્રી પોપટલાલ ધનજીભાઈ માલવિયા
૨. શ્રી પોપટલાલ પુરુષોત્તમ અનડા
૩. શ્રી મુલ્લાં વલીજી અબદુલઅલી
૪. ડૉ. ડી. જે. ગજ્જર
૫. શ્રી જમનાદાસ ખુશાલદાસ ગાંધી
૬. શ્રી વ્રજલાલ મયાશંકર શુક્લ
૭. શ્રી ઉછરંગરાય નવલશંકર ઢેબર

આનો જવાબ તા. ૧ર-૧-'૩૯ના રોજ કાઉન્સિલના સભ્ય શ્રી માણેકલાલ પટેલની સહીથી સરદારને મળ્યો. તેમાં જણાવવામાં આવ્યું કે,

“ તમે સુચવેલાં નામો ઠાકોરસાહેબને મળે તે પહેલાં છાપામાં બહાર પડી ગયાં છે. તેથી ઠાકરસાહેબ બહુ કફોડી દશામાં મુકાયા છે.

“ ઠાકોરસાહેબની ઘણી ઇચ્છા છે કે, તમારાં સૂચવેલાં નામો તેઓ પસંદ કરે. પણ રાજ્યના ભાયાતો, મુસલમાન તથા દલિતવર્ગ તરફથી તેમને અરજીઓ મળી છે કે તેમનું પ્રતિનિધિત્વ પણ આ સમિતિમાં હોવું જોઈએ. એ અરજીઓને પણ ઠાકોરસાહેબે ધ્યાનમાં લેવી જોઈએ. એટલે તમે સુચવેલાં સાત નામમાંથી નંબર ૧, ૨, ૪ અને ૫ ઠાકોરસાહેબ પસંદ કરે છે. મુસલમાનોની માગણી એવી છે કે સમિતિ ઉપર તેમના ત્રણ પ્રતિનિધિ હોવા જોઈએ. ઠાકોરસાહેબને લાગે છે કે નં ૩ને બદલે મુસ્લિમ કાઉન્સિલે સૂચવેલા બે માણસોને સમિતિ ઉપર રાખવા. નં. ૬ અને ૭ની બાબતમાં ના. ઠાકોરસાહેબને લાગે છે કે તેઓ રાજ્યના પ્રજાજનની વ્યાખ્યામાં આવી શકે એમ નથી. એટલે તેમને બદલે બીજા કેાઈનાં નામ સૂચવવાં જોઈએ. તેમાં ભાયાત વગેરેની માંગણી લક્ષમાં લઈ તમે નામ સૂચવશો ત્યાર પછી ઠાકરસાહેબ એ બહાર પાડશે.”

ઉપરનો કાગળ મોકલાયા પછી ઠાકોર સાહેબની કાઉન્સિલના એક સભ્ય શ્રી જયંતીલાલ જોબનપુત્રા સરદારને મળવા તા. ૧પમીએ બારડોલી ગયા. ગાંધીજી પણ તે વખતે બારડોલીમાં જ હતા. એટલે બંનેએ શ્રી જોબનપુત્રા સાથે ખૂબ વાતો કરી. રા. સા. માણેકલાલના કાગળના જવાબમાં નીચેનો કાગળ સરદારે તેમની સાથે જ મોકલ્યો :

"બારડોલી,
તા. ૧૫-૧-'૩૯
 

“ ભાઈ માણેકલાલ પટેલ,

"તમારો કાગળ તા. ૧૨-૧-'૩૯નો મળ્યો. તમારા કાગળથી મને દુ:ખ થાય છે.