પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
સબરસ સંગ્રામ


સરકારે ગેરકાયદે ઠરાવી છે. એટલે સરકારને ક્યાં કશી સમાધાની કરવી છે ? આવી બાબતમાં કૉંગ્રેસ તરફથી કોઈ બોલનાર હોય તો તે મહાત્મા ગાંધી જ છે. જ્યારે એમને તક મળશે અને યોગ્ય લાગશે ત્યારે એ બોલશે.”

તા. ૩૦મી જૂને પંο મોતીલાલજીને પકડવામાં આવ્યા. કૉંગ્રેસ પ્રમુખ શ્રી જવાહરલાલજી પકડ્યા પછી તેઓ કૉંગ્રેસના પ્રમુખ તરીકે કામ કરતા હતા. પોતાની ધરપકડ થઈ ત્યારે તેઓ સરદારને પ્રમુખ નીમતા ગયા. તેમણે આખા દેશમાં લડતને સંગઠિત કરવા માંડી. આ જ વખતે સરકારે એક ફતવો બહાર પાડીને કૉંગ્રેસની કારોબારીને અને બીજી ઘણીખરી સંસ્થાઓએ ગેરકાયદે ઠરાવી હતી અને તેનાં કાર્યાલયો ઉપર જપ્તી બેસાડી તાળાં માર્યાં હતાં. તેના જવાબમાં સરદારે એક ભાષણમાં જણાવ્યું :

“દેશમાં એકેએક ઘર કૉંગ્રેસ સમિતિનું કાર્યાલય બની જાય અને એકેએક માણસ કૉંગ્રેસ સંસ્થા બને.”

તા. રજી જુલાઈ એ માલવીજીએ કૉંગ્રેસના પ્રમુખ તરીકે સરદારને નીચે પ્રમાણે તાર કર્યો :

“કૉંગ્રેસની કારોબારી સમિતિને ગેરકાયદે મંડળી ઠરાવતો સરકારનો હુકમ, બે મહિનાથી તેમણે જે દમન આદર્યું છે તેને માથે કળશ ચડાવે છે. આ સંજોગોમાં હું સરકારને યોગ્ય જવાબ એ જ આપી શકું કે કૉંગ્રેસ કારોબારી સભ્ય બનીને મારી સેવા દેશને ચરણે ધરું. આપને જ્યારે યોગ્ય લાગે ત્યારે મને હુકમ ફરમાવશો.”

તા. ૪થી જુલાઈ એ સરદારે તેમને લખ્યું કે,

“આપનો તાર મેં છાપાંમાં વાંચ્યો પણ મને મળ્યો નથી અને કદાચ મળશે પણ નહીં. આપની માગણી હું સાભાર આવકારું છું અને મને મળેલી સત્તાની રૂએ પં. મોતીલાલજીની જગ્યાએ આપને કૉંગ્રેસ કારોબારીના સભ્ય નીમું છું. આપે દેશભક્તિથી પ્રેરાઈને તાકીદે જે પગલું લીધું છે તેની રાષ્ટ્ર ભારે કદર કરશે.”

તે વખતે શ્રી જયકર અને શ્રી સપ્રુ સરકાર સાથે સમાધાન કરાવવા વિષ્ટિ કરી રહ્યા હતા. તે માટે તેઓએ ગાંધીજીને જેલમાં મળવાની પરવાનગી માગી હતી. વિષ્ટિની આ વાતથી લોકોમાં કંઈક બુદ્ધિભેદ ઉપન્ન થતો હતો. એટલે સરદારે જુલાઈ માસની અધવચમાં નીચે પ્રમાણે નિવેદન બહાર પાડ્યું:

“આજે જે સમાધાન કરવાની વાત કરી રહ્યા છે અથવા ભાંજગડિયા થઈ ગાંધીજી પાસે જવાની પેરવી કરી રહ્યા છે તેઓ જાણ્યેઅજાણ્યે દેશની ભારેમાં ભારે કુસેવા કરી રહ્યા છે. એવી ભાંજગડ કરનારાઓ પ્રજાના સ્વમાનનો ભંગ કરી રહ્યા છે. સરકારનો હૃદયપલટો થશે અને સમાધાનીને સાચો સમય આવ્યો છે એમ તેને લાગશે ત્યારે યરવડા જેલની ચાવી એની પોતાની પાસે જ હોવાથી દરવાજો ખોલી ગાંધીજી સાથે સીધી વાત કરતાં એને જરાયે સંકોચ થવાનો