પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

સંપ્યા છે.” શહેરમાં સંપૂર્ણ હડતાળ હતી. હટાણું કરવા આવેલા ગામડાના ખેડૂતો ઘોડેસવારોને જોઈ ને વાતો કરવા લાગ્યા: “આ વીરોવાળો વેર લેવા આવ્યો છે. રાજામાં વસ્તીની લાગણી નહીં ત્યારે ને ? નહીંતર બોલ્યું ફરે ? એક ઘરધણી બોલ્યું ફરતો નથી તો આમ રાજા ઊઠીને વસ્તીને આપેલા કોલની ના પાડે તો પછી ધરતી રસાતાળ જ જાય ને ?”

સભાબંધી હોવા છતાં રાજકોટના આઝાદચોકમાં રોજ સાંજે જાહેરસભા થતી. આગેવાનને પકડી લેવામાં આવતા અને સભાના બીજા લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવતો. સ્વયંસેવકોને ખટારામાં ભરી દૂરના અજાણ્યા સ્થળે લઈ જવામાં આવતા, અને એક પછી એકને ઉતારી ચારપાંચ પોલીસ તેના ઉપર તૂટી પડતા અને ગડદાપાટુનો ટાઢો માર મારીને પછી કાંટાઝાંખરામાં તેને ફેંકી આવતા. કોઈ કોઈ વાર તો કાંટામાં તેને ઢસડતા અથવા ચલાવતા. કેટલાકને નાગા કરી છોડી મૂકતા. કેવળ રાજકોટમાં જ નહીં પણ ગામડે ગામડે જ્યાં સ્વયંસેવકો જાય ત્યાં ફોજદાર પોલીસને લઈ મોટરમાં પહોંચી જતો અને આ જ પ્રકાર અજમાવતો. કેટલાક ખડતલ સ્વયંસેવકો તો ફરી ફરીને હાથમાં આવતા અને પોલીસ તેમને માર મારીને પણ થાકતા.

કૅડલના ગયા પછી અવેજી દીવાન તરીકે કામ કરતા રા. સા. માણેકલાલ પટેલ સંધિભંગ થતાં અગમચેતી વાપરી રાજીનામું આપી ખસી ગયા. શ્રી જયંતીલાલ જોબનપુત્રા પણ પૅન્શન લઈને ઘેર બેસી ગયા. પછી એજન્સીના મદદનીશ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ખા. સા. ફતેહમહંમદખાનને કાઉન્સિલના પહેલા સભ્ય બનાવવામાં આવ્યા. બીજા સભ્ય દરબાર વીરાવાળાના ભત્રીજા કુમાર વાલેરાવાળા નિમાયા. એ બે અને દરબાર વીરાવાળાની ત્રિપુટીએ જુલમનું બધું તંત્ર હાથમાં લીધું અને આખા રાજમાં કાળો કેર વર્તાવવા માંડ્યો.

સ્વયંસેવકોને જંગલમાં લઈ જઈ સખત માર મારવામાં આવતો અને કાંટામાં ઢસડવામાં આવતા, એ સમાચાર બહાર આવતાં કસ્તૂરબાને થયું કે રાજકોટ તો આપણું ઘર કહેવાય. ત્યાંનાં સ્ત્રીપુરુષો આટલું દુઃખ વેઠી રહ્યાં હોય ત્યાં મારાથી કેમ બેસી રહેવાય ? તેમણે પોતાની ઈચ્છા ગાંધીજીને જણાવી. ગાંધીજીએ કહ્યું કે રાજકોટ જવું હોય તો વલ્લભભાઈની રજા જોઈએ. એટલે કસ્તુરબાએ સરદારને વાત કરી. સરદારે પહેલાં તો ના પાડી ને કહ્યું કે આપની અવસ્થા થઈ, વળી તબિયત સારી નથી, એટલે તમારે જવાની જરૂર નથી. પણ કસ્તૂરબાએ બહુ આગ્રહ કર્યો એટલે સરદારે કહ્યું કે તો પછી મણિબહેનને સાથે લઈ જાઓ. આમ બંને તૈયાર થયાં.