પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

કુદરતી હાજત ન રોકાઈ તેમણે રાત્રે ત્યાં જ પેશાબ કર્યો. બીજે દિવસે બધાને સવારે બહાર કાઢ્યા, સાંજે ભંડકમાં પૂરવાનો સમય થયો ત્યારે સૈનિકોએ ભંડકમાં પુરાવાની ના પાડી. પોલીસ તેમને સોટીઓ અને ગડદાપાટુ મારી ટાંગાટોળી કરી ભંડકમાં ધકેલવા લાગ્યા. પણ એમ પાર કયારે આવે ? એટલે થાકીને બધાને ઉપરના ઓરડામાં સૂવાની રજા આપી.

બીજે દિવસે પાંત્રીસેક જણ નવા પકડાઈને આવ્યા. આવતાંવેંત એમને ભંડકમાં પૂરવામાં આવ્યા. વળતે દિવસે એમણે પણ ભંડકમાં પુરાવાની ના પાડી, એટલે એમને ઉપર જવાની છુટ મળી. પણ નવા આવે તેમને એક દિવસ ભંડકનો સ્વાદ ચાખવો જ પડતો. ભંડકમાં ખાવાનું પણ આપવામાં આવતું નહીં.

આવું ત્રણ ચાર દિવસ ચાલ્યું એટલે આ કેદીઓમાં જેઓ સમજુ અને દૃઢ હતા તેમણે વિચાર કર્યો કે આ રીતનું વર્તન ચલાવી લેવામાં માણસાઈ નથી, આપણા સ્વમાન ઉપર આથી ઘા પડે છે. એટલે આપણે આની સામે થવું જ જોઈએ. અંદર અંદર સલાહ મસલત કરીને જેલના જેવી રીતસરની બધી સગવડો ન મળે ત્યાં સુધી ઉપવાસ ઉપર જવાનો તેમણે નિર્ણય કર્યો. સરધારમાં કેદીઓના ઉપવાસની વાત રાજકોટ જેલમાં પહોંચતાં ત્યાંના ભાઈઓએ પણ સરધારમાં કેદીઓ તરફનો વર્તાવ સારો ન થાય ત્યાં સુધી ખોરાક લેવાનું છોડ્યું.

આ ઉપવાસના સમાચાર ગાંધીજીને મળતાં તેમણે રાજકોટ રાજની કાઉન્સિલના ફર્સ્ટ મેમ્બરને તા. ૨૦–૨–’૩૯ના રોજ નીચે પ્રમાણે તાર કર્યો :

“સાંભળવામાં આવ્યું છે કે સરધારના કેદીઓ પ્રત્યે ચલાવવામાં આવતા અમાનુષી વર્તન માટે રાજકોટના સત્યાગ્રહી કેદીઓ ઉપવાસ કરી રહ્યા છે. આ બાબત તમે પ્રકાશ પાડશો ?”

ફર્સ્ટ મેમ્બરે તા. ૨૧મીએ આનો જવાબ આપ્યો :

“આપનો તાર મળ્યો. મેં જાતે ગઈ કાલે સરધારની મુલાકાત લીધી. કેદીઓ પ્રત્યેના ખરાબ વર્તાવની બાબતમાં જરા પણ તથ્ય નથી.”

એટલે તા. ૨૨મીએ ગાંધીજીએ બીજો તાર કર્યો :

“તાર માટે આભાર. ઉપવાસની વાત વિષે તમે મૌન સેવો છો. મારા ઉપર ત્યાંના અત્યાચારો વિષે બીજો લાંબો તાર આવ્યો છે તે ન માનવો મુશ્કેલ છે. મારો આત્મા જ કહે છે કે મારે પોતે આમાં ઝંપલાવવું પડશે. ઠાકોરસાહેબે વચનભંગ કર્યો છે, તેનું દરદ તો મને છે જ. તેમાં આ ત્રાસ અને અત્યાચારની વાતોથી ઉમેરો થાય છે, અને વસ્તુ અસહ્ય બનતી જાય છે. ઠાકોરસાહેબને અથવા તો કાઉન્સિલને મૂંઝવણમાં મૂકવાની મારી મુદ્દેલ ઇચ્છા નથી. હું ઇચ્છું છું કે