પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સરદાર વલ્લભભાઈ

નથી. ખાલી ભાંજગડની વાતોથી લોકો ભુલાવામાં પડવાનો અને લડતમાં શિથિલતા આવવાનો ભય રહે છે. સમાધાનીનો સમય હજી ઘણો દૂર છે, અને જો આપણે ગાફેલ રહી શિથિલ થઈશું તો વધારે દૂર જશે. માટે એવી મિથ્યા વાત પર જરાયે લક્ષ ન આપતાં કૉગ્રેસનું કામ સૌએ વિશેષ જોરથી ચલાવ્યે રાખવું. લડાઈનો વહેલો અંત લાવવાનો એ એક જ ઉપાય છે, એ કોઈએ ભૂલવું નહીં.”

તા. ૩૧મી જુલાઈ એ લોકમાન્ય તિલક મહારાજની સંવત્સરી દિને મુંબઈમાં એક મોટું સરઘસ કાઢવાનું યોજવામાં આવ્યું હતું. તે વખતે કૉંગ્રેસ કારોબારીની બેઠક પણ મુંબઈમાં ચાલુ હતી. એટલે સરદાર, પં. માલવીજી, શ્રી જયરામદાસ દોલતરામ તથા શ્રી શેરવાણી જે મુંબઈમાં હતા, તેમણે સરઘસમાં ભાગ લીધો. શ્રી હંસાબહેન મહેતા જેઓ મુંબઈનાં ડિક્ટેટર હતાં તેઓ તથા શ્રી મણિબહેન પટેલ પણ એ સરઘસમાં હતાં. સરઘસ શાંતિપૂર્વક આગળ વધ્યે જતું હતું. પણ બોરીબંદર સ્ટેશન આગળ થઈને કોટ વિસ્તારમાં દાખલ થતાં એ સરઘસ ઉપર પ્રતિબંધ મૂકતો હુકમ ફરમાવવામાં આવ્યો અને તેને આગળ વધતું અટકાવવામાં આવ્યું. હજારો માણસનું આખું સરઘસ આ અટકાયતના હુકમથી વિખેરાઈ જવાને બદલે જમીન ઉપર બેસી ગયું, અને પોલીસ અમલદારની સૂચનાઓ છતાં ત્યાંથી એક તસુ પણ ચસવાની ના પાડી. રાત પડી ગઈ અને મુશળધાર વરસાદ પડવા માંડ્યો. છતાં એ વરસાદમાં ભીંજાયેલે કપડે અને વહેતા પાણીમાં સરદાર તથા બીજા નેતાઓ અને લોકો ત્યાં જ બેસી રહ્યા. બીજે દિવસે પરોઢિયે નેતાઓને અને બહેનોને પકડવામાં આવ્યાં અને બાકીના લોકો ઉપર ઘાતકી લાઠીમાર વરસાવવામાં આવ્યો. આ વખતે પણ સરદારને ત્રણ માસની સજા થઈ અને તેમને યરવડા જેલમાં રાખવામાં આવ્યા. દરમ્યાન શ્રી સપ્રુ અને શ્રી જયકરની વાટાઘાટો કંઈક આગળ વધી હતી. તેમના પ્રયાસથી તા. ૧૪મી ઑગસ્ટે યરવડા જેલમાં ગાંધીજીની સાથે વાતો કરવા પંડિત મોતીલાલજી, પંડિત જવાહરલાલજી તથા ડૉ. સૈયદ મહમૂદને અલ્લાહાબાદની નૈની જેલમાંથી યરવડા જેલમાં લાવવામાં આવ્યા. સરદાર, શ્રી જયરામદાસ તથા શ્રીમતી નાયડુ યરવડા જેલમાં જ હતાં. એમને પણ ગાંધીજી પાસે લઈ જવામાં આવ્યાં. કૉગ્રેસના પ્રતિનિધિઓ તરીકે આ સાત જણની પેલા બે વિષ્ટિકારો સાથે મસલત થઈ. કૉંગ્રેસ પ્રતિનિધિઓએ પ્રથમ તો એ સ્પષ્ટ કર્યું કે કૉંગ્રેસની કારોબારી સમિતિને અને જરૂર પડે તો કૉંગ્રેસની મહાસમિતિને પૂછ્યા વિના તેઓ કશો છેવટનો જવાબ આપી શકે નહી. પણ પોતાના અંગત અભિપ્રાય તરીકે તેઓએ જણાવ્યું કે સરકાર નીચેની માગણીઓ સ્વીકારવા તૈયાર થાય તો જ કંઈક સંતોષકારક નિરાકરણ નીકળી શકે :