પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૨
સરદાર વલ્લભભાઈ
“વાત એ છે કે, વિચારને રોકવા પડતા નથી. વિચાર આવતા નથી. બીજા ત્રીજા આવે છે, પણ આ નહીં.”

ગાંધીજી કેવી મનઃસ્થિતિમાં રાજકોટ જઈ રહ્યા હતા તે દર્શાવવા માટે જ ઉપરનો કાગળ આપ્યો છે. રાજકોટ પહોંચ્યા પછી તેમણે શું શું કર્યું અને તેમના ઉપર કેવી વીતી તે અલગ પ્રકરણમાં આપીશું.


અહિંંસાની તાવણી

રાજકોટ સત્યાગ્રહમાં ગાંધીજીનો હિસ્સો, એ એમના જીવનનું એક ઉદાત્ત અને ભવ્ય પ્રકરણ છે. એમાં એમણે સત્યાગ્રહની અને અહિંસાની એક અનેરી રીતનો પ્રયોગ કર્યો છે. એના ઉપર એક સ્વતંત્ર પુસ્તક લખી શકાય. પણ આપણે અહીં એમનું જીવનચરિત્ર લખતા નથી. સરદાર આ પ્રકરણમાં પૂરેપૂરા ગૂંથાયેલા છે એટલે જ મહત્વનું હોવા છતાં અહીં તે ટૂંકમાં આપ્યું છે.

રાજકોટ, જયપુર, ત્રાવણકોર, ઓરિસા વગેરેનાં દેશી રાજ્યોના જુલમની વાતો વધવા માંડી ત્યારથી ગાંધીજીએ વાઈસરૉય સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. તેમની મુખ્ય દલીલ એ હતી કે ચક્રવર્તી સત્તા તરીકે બહારના અથવા અંદરના ભય સામે દેશી રાજાઓનું રક્ષણ કરવાની તમે તમારી ફરજ સમજો છો, તો એ દેશી રાજાઓના જુલમ સામે દેશી રાજ્યની રૈયતનું રક્ષણ કરવાની જવાબદારી કેમ માથે ન લો ? વળી તમે કહો છો કે રાજા પોતાની પ્રજાને રાજ્યતંત્રમાં વધુ ને વધુ જવાબદારી સોંપે એમ અમે ઈચ્છીએ છીએ ખરા, પણ તે પોતાની મેળે થઈને કરે, અમે તેમ કરવાની ફરજ ન પાડીએ. પણ રાજકોટમાં તો રાજાએ પ્રજા સાથે અથવા પ્રજાના પ્રતિનિધિ તરીકે સરદાર સાથે સમાધાન કર્યું હતું, તે ત્યાંના રેસિડેન્ટે જ તોડી પડાવ્યું છે. પોતાના એજન્ટના આ કાર્યની જવાબદારી વાઈસરૉયે ઉઠાવવી જ જોઈએ. વાઈસરૉયે મીઠી ભાષામાં આના જવાબો આપ્યા, પણ ગાંધીજીની ઈચ્છા પ્રમાણે પોતે વચ્ચે નહીં પડી શકે એમ જણાવ્યું. એટલે ગાંધીજીએ પોતે આ કેસ હાથમાં લીધો.

તા. ર૭–૧–’૩૯ના રોજ બપોરે ત્રણ વાગ્યે ગાંધીજી રાજકોટ સિટી સ્ટેશને પહોંચ્યો. સ્ટેટ કાઉન્સિલના ફર્સ્ટ મેમ્બર ખા. સા. ફત્તેહમહંમદખાન ગાંધીજીને મળવા સ્ટેશને ગયા હતા. તેમણે ઠાકોર સાહેબનો સીલબંધ કાગળ ગાંધીજીને આપ્યો. ગાંધીજી રાજકોટ આવે તે ઠાકોર સાહેબ તથા તેમના