પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

સલાહકારોને ગમતું તો ન જ હતું. પણ ઠાકોરસાહેબે કાગળમાં લખ્યું હતું કે, અહીંની પરિસ્થિતિની જાતે તપાસ કરવાને આપને પૂરેપૂરી સગવડ આપવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે આપે બીજી કશી વ્યવસ્થા ન કરી હોય તો મારા મહેમાન થશો તેથી મને બહુ આનંદ થશે. ગાંધીજીએ એ આમંત્રણ માટે આભાર માન્યો અને રાષ્ટ્રીય શાળામાં બધી સગવડ કરી હતી ત્યાં જ ઊતરવાનું રાખ્યું. સ્ટેશન ઉપર એટલી બધી ગિરદી હતી કે ઉતારે પહોંચતાં એમને પાંચ વાગ્યા. સાડા પાંચથી સાત અને આઠથી સાડા દસ દરબાર વીરાવાળા સાથે એકાંતમાં વાતો કરી. શ્રી ઢેબરભાઈને અગિયાર વાગ્યે જેલમાંથી લાવવામાં આવ્યા. તેમની સાથે પાએક કલાક વાતો કરી. દરબાર વીરાવાળા આગળ એમણે બે વિકલ્પ મૂક્યા. કમિટી ઉપર બે મુસલમાનો અને એક ભાયાતના પ્રતિનિધિને ભલે લેવામાં આવે, એવી શરતે કે પરિષદના પ્રતિનિધિઓની સંખ્યા એટલા પ્રમાણમાં વધારવામાં આવે. બીજો વિકલ્પ એ મૂક્યો કે, જો પરિષદના પ્રતિનિધિઓની સંખ્યા વધારવામાં ન આવે તો ઠાકોર સાહેબે નીમેલા ત્રણ અમલદારો કમિટીના નિર્ણયોમાં મત ન આપી શકે.

તા. ૨૮મીએ ગાંધીજી મુસ્લિમ કોમના તથા ગરાસિયા મંડળના પ્રતિનિધિઓને મળ્યા. કમિટી ઉપર તેમના સભ્યોને લેવાની વાત ગાંધીજીએ જણાવી, તેથી તેઓ સંતોષ પામ્યા પણ ગરાસિયાઓને ગાંધીજીએ ચેતવણી આપી કે, “અત્યાર સુધી તમે જે વિશેષ અધિકારો ભોગવતા આવ્યા છો તે કાયમ રહેશે જ એવું તમે ધારતા હો તો તમે નિરાશ થશો. એ વસ્તુ ન્યાયી નથી અને શક્ય પણ નથી. હિન્દુસ્તાનના કરોડો ગરીબ લોકોની સ્થિતિ સુધારવી હોય તો એ દરિદ્રનારાયણના લાભને અર્થે ઉપલા વર્ગોએ પોતાના વિશેષ હકો છોડવા જ પડશે. એટલે જેટલે દરજ્જે ટ્રસ્ટીપણાનો મારો આદર્શ તમે જીવનમાં ઉતારવાની તૈયારી રાખશો તેટલે દરજ્જે હું તમને રક્ષણ આપી શકીશ.”

સાંજે ફર્સ્ટ મેમ્બર ફત્તેહમહંમદખાન તથા સિવિલ સર્જન કર્નલ એસ્પીનવોલ તથા પોલિટિકલ એજન્ટ કર્નલ ડેલીની સાથે રાજકોટ અને સરધારની જેલમાં કેદીઓને મળવા ગાંધીજી ગયા. સરધારની જેલમાં કેદીઓની હાડમારીની વાત અગાઉ આવી ગઈ છે. તે વિષે ગાંધીજીએ જે જોયું અને સાંભળ્યું તે તેમણે કહ્યું હતું તે કરતાં પણ ઘણું ત્રાસજનક હતું. જગ્યાને સારી દેખાડવાની છેલ્લી ઘડીએ પુષ્કળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ભીંતો ચૂનાથી તાજી જ ધોળવામાં આવી હતી. જમીન ઉપર પડેલા ચૂનાના તાજા ડાઘ એ વાતની સાક્ષી પૂરતા હતા. ફિનાઈલ છાંટવામાં તો કશી બાકી જ નહોતી